ન્યાયાધીશો ૧૪:૧-૨૦

  • ન્યાયાધીશ સામસૂનને પલિસ્તી પત્ની જોઈએ છે (૧-૪)

  • સામસૂન યહોવાની શક્તિથી સિંહને મારી નાખે છે (૫-૯)

  • લગ્‍નમાં સામસૂનનું ઉખાણું (૧૦-૧૯)

  • સામસૂનની પત્નીનું લગ્‍ન બીજા માણસ સાથે (૨૦)

૧૪  સામસૂન તિમ્નાહ ગયો અને ત્યાં તેણે એક પલિસ્તી છોકરી જોઈ. ૨  સામસૂને પોતાનાં માબાપ પાસે જઈને કહ્યું: “તિમ્નાહમાં એક પલિસ્તી છોકરી મારી નજરે પડી છે. તમે મારું લગ્‍ન તેની સાથે કરાવો.” ૩  સામસૂનનાં માબાપે કહ્યું: “આપણાં સગાંમાં અને આપણા લોકોમાં શું છોકરીઓ નથી મળતી+ કે તું પલિસ્તીઓની* છોકરી સાથે લગ્‍ન કરવા ચાહે છે, જેઓ ઈશ્વરને ભજતા નથી?” સામસૂને તેના પિતાને કહ્યું: “મને તેની સાથે જ પરણાવો. તે મને બહુ ગમે છે.”* ૪  તેનાં માબાપ જાણતાં ન હતાં કે આ બધા પાછળ યહોવાનો હાથ છે. સામસૂન પલિસ્તીઓ સામે લડવાની તક શોધતો હતો, કેમ કે એ સમયે ઇઝરાયેલ પર પલિસ્તીઓ રાજ કરતા હતા.+ ૫  સામસૂન પોતાનાં માબાપ સાથે તિમ્નાહ ગયો. તે તિમ્નાહની દ્રાક્ષાવાડીઓ પાસે આવી પહોંચ્યો ત્યારે, એક સિંહ ગર્જના કરતો તેની સામે આવ્યો. ૬  યહોવાની શક્તિથી સામસૂન બળવાન થયો.+ સિંહ જાણે બકરીનું બચ્ચું હોય એમ, સામસૂને કોઈ પણ હથિયાર વગર તેને ચીરી નાખ્યો. તેણે એ વિશે પોતાનાં માબાપને કંઈ જણાવ્યું નહિ. ૭  તિમ્નાહ જઈને સામસૂને એ છોકરી સાથે વાત કરી. તેને હજુ પણ એ જ છોકરી ગમતી હતી.+ ૮  થોડા સમય પછી સામસૂન એ છોકરીને પોતાના ઘરે લાવવા* જતો હતો.+ પોતે મારેલા સિંહને જોવા તે પોતાના રસ્તેથી ફંટાયો. તેણે નજીક જઈને જોયું તો સિંહના હાડપિંજરમાં મધમાખીઓએ મધપૂડો બનાવ્યો હતો અને એમાં બહુ મધ હતું. ૯  તેણે એમાંથી મધ કાઢ્યું અને ખાતાં ખાતાં માબાપની પાછળ ગયો. તેણે તેઓની પાસે આવીને મધ ખાવા આપ્યું. તેણે કહ્યું નહિ કે એ મધ સિંહના હાડપિંજરમાંથી કાઢ્યું હતું. ૧૦  એ પછી સામસૂન અને તેના પિતા છોકરીના ઘરે આવ્યા. એ દિવસોમાં વરરાજા મિજબાની આપે એવો રિવાજ હતો. તેથી સામસૂને ત્યાં મિજબાની આપી. ૧૧  સામસૂન મિજબાનીમાં આવ્યો ત્યારે, લોકોએ તેની સાથે રહેવા ૩૦ માણસો આપ્યા. ૧૨  સામસૂને તેઓને કહ્યું: “હું તમને એક ઉખાણું પૂછું. જો મિજબાનીના સાત દિવસમાં તમે એનો ઉકેલ જણાવો, તો હું તમને શણના ૩૦ ઝભ્ભા અને ૩૦ જોડી કપડાં આપીશ. ૧૩  જો તમે એનો ઉકેલ ન જણાવી શકો, તો તમારે મને શણના ૩૦ ઝભ્ભા અને ૩૦ જોડી કપડાં આપવા પડશે.” તેઓએ કહ્યું: “પૂછ તારું ઉખાણું, અમે સાંભળીએ તો ખરા.” ૧૪  સામસૂને કહ્યું: “ખાનારમાંથી ખોરાક નીકળ્યો,બળવાનમાંથી મીઠાશ નીકળી.”+ ત્રણ દિવસ વીતી ગયા, પણ તેઓને એનો ઉકેલ ન મળ્યો. ૧૫  ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને* કહ્યું: “તારા પતિને* ફોસલાવ,+ જેથી તે ઉખાણાનો ઉકેલ જણાવે. નહિ તો અમે તને અને તારા પિતાના ઘરના લોકોને સળગાવી દઈશું. શું તેં અમને અહીં એ માટે બોલાવ્યા છે કે અમે લૂંટાઈ જઈએ?” ૧૬  એટલે સામસૂનની પત્ની તેની આગળ રડતાં રડતાં કહેવા લાગી: “તું મને પ્રેમ નથી કરતો, તું મને ધિક્કારે છે.+ તેં મારા લોકોને ઉખાણું પૂછ્યું, પણ મને એનો ઉકેલ જણાવ્યો નહિ.” સામસૂને તેને કહ્યું: “મેં મારાં માબાપને ઉકેલ જણાવ્યો નથી, તો પછી તને શું કામ જણાવું?” ૧૭  મિજબાનીના સાતેય દિવસ તે સામસૂન આગળ રડતી રહી. તેણે ખૂબ જીદ કરી હોવાથી, આખરે સાતમા દિવસે સામસૂને તેને ઉખાણાનો ઉકેલ જણાવી દીધો. પછી તેની પત્નીએ પોતાના લોકોને ઉખાણાનો ઉકેલ જણાવી દીધો.+ ૧૮  સાતમા દિવસે સૂર્યાસ્ત પહેલાં* શહેરના માણસોએ સામસૂનને કહ્યું: “મધથી વધારે મીઠું શું? સિંહથી વધારે બળવાન કોણ?”+ સામસૂને તેઓને કહ્યું: “મારી પત્નીની મદદ વગર*+તમે ઉખાણાનો ઉકેલ જાણી શક્યા ન હોત.” ૧૯  એવામાં યહોવાની શક્તિથી સામસૂન બળવાન થયો.+ તેણે આશ્કલોનમાં+ જઈને ૩૦ માણસોને મારી નાખ્યા અને તેઓનાં કપડાં લૂંટી લીધાં. જેઓએ ઉખાણાનો ઉકેલ જણાવ્યો હતો, તેઓને તેણે એ કપડાં આપ્યાં.+ તે ગુસ્સે ભરાઈને પોતાના પિતાના ઘરે ચાલ્યો ગયો. ૨૦  પછી સામસૂનની પત્નીનું+ લગ્‍ન એ માણસ સાથે કરવામાં આવ્યું, જે મિજબાનીમાં સામસૂન સાથે હતો.+

ફૂટનોટ

મૂળ, “સુન્‍નત વગરના પલિસ્તીઓની.”
મૂળ, “મારી નજરે તે જ યોગ્ય છે.”
એટલે કે, તેની સાથે લગ્‍ન કરવા.
હિબ્રૂ રિવાજ પ્રમાણે જે છોકરા સાથે લગ્‍ન થવાના હોય તેને પતિ ગણવામાં આવતો.
હિબ્રૂ રિવાજ પ્રમાણે જે છોકરી સાથે લગ્‍ન થવાના હોય તેને પત્ની ગણવામાં આવતી.
અથવા કદાચ, “તે પત્નીના ઓરડામાં ગયો એ પહેલાં.”
મૂળ, “તમે મારી વાછરડીથી ખેડ્યું ન હોત તો.”