ન્યાયાધીશો ૧૫:૧-૨૦

  • સામસૂન પલિસ્તીઓ પાસેથી બદલો લે છે (૧-૨૦)

૧૫  થોડા દિવસો પછી સામસૂન ઘઉંની કાપણીના સમયે બકરીનું બચ્ચું લઈને પોતાની પત્નીને મળવા ગયો. તેણે કહ્યું: “મારે મારી પત્નીના ઓરડામાં જવું છે.” પણ તેના સસરાએ તેને અંદર જવા દીધો નહિ. ૨  તેણે સામસૂનને કહ્યું: “મને લાગ્યું, ‘તું તેને નફરત કરે છે.’+ એટલે મેં તારા મિત્ર સાથે તેનું લગ્‍ન કરાવી દીધું છે.+ તેની નાની બહેન તેના કરતાં વધારે સુંદર છે. તું તેની સાથે લગ્‍ન કરી લે!” ૩  સામસૂને કહ્યું: “હવે પલિસ્તીઓનું આવી બન્યું. આ વખતે જે કંઈ થાય, એમાં મારો કોઈ દોષ નહિ.” ૪  પછી સામસૂન ગયો અને ૩૦૦ શિયાળ પકડ્યાં. તેણે મશાલો લીધી અને બબ્બે શિયાળોની પૂંછડીઓ બાંધીને એમાં એક એક મશાલ ખોસી દીધી. ૫  સામસૂને મશાલો સળગાવી અને બધાં શિયાળોને પલિસ્તીઓનાં ખેતરોમાં છોડી મૂક્યાં. તેણે અનાજની પૂળીઓ, ઊભો પાક, દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનવાડીઓને આગ લગાડી દીધી. ૬  પલિસ્તીઓએ પૂછ્યું: “આવું કોણે કર્યું?” તેઓને કહેવામાં આવ્યું: “સામસૂને, કેમ કે તિમ્નાહમાં રહેતા તેના સસરાએ સામસૂનની પત્નીને તેના મિત્ર સાથે પરણાવી દીધી છે.”+ પલિસ્તીઓએ જઈને એ છોકરી અને તેના પિતાને સળગાવી દીધા.+ ૭  સામસૂને તેઓને કહ્યું: “તમે આ બરાબર નથી કર્યું. હવે હું બદલો લીધા વગર રહેવાનો નથી.”+ ૮  તેણે એક પછી એક તેઓ બધાને મારી નાખ્યા. પછી તે એટામ ખડકની ગુફામાં* જઈને રહેવા લાગ્યો. ૯  થોડા સમય બાદ પલિસ્તીઓએ આવીને યહૂદામાં છાવણી નાખી અને લેહીમાં લૂંટફાટ કરવા લાગ્યા.+ ૧૦  યહૂદાના માણસોએ તેઓને કહ્યું: “તમે શા માટે અમારી સામે ચઢી આવ્યા છો?” તેઓએ જવાબ આપ્યો: “અમે સામસૂનને પકડવા* આવ્યા છીએ. તેણે અમારી સાથે જેવું કર્યું, એવું જ અમે તેની સાથે કરીશું.” ૧૧  યહૂદાના ૩,૦૦૦ માણસોએ એટામ ખડકની ગુફામાં* જઈને સામસૂનને કહ્યું: “શું તને નથી ખબર કે આપણા પર પલિસ્તીઓ રાજ કરે છે?+ તો પછી તું શા માટે આપણા પર આફત લાવ્યો?” તેણે કહ્યું: “જેવું તેઓએ મારી સાથે કર્યું, એવું મેં પણ તેઓ સાથે કર્યું.” ૧૨  તેઓએ સામસૂનને કહ્યું: “અમે તને પકડીને* પલિસ્તીઓને હવાલે કરવા આવ્યા છીએ.” સામસૂને કહ્યું: “સમ ખાઓ કે તમે મને મારી નહિ નાખો.” ૧૩  તેઓએ કહ્યું: “અમે તને મારી નહિ નાખીએ, ફક્ત તને બાંધીને પલિસ્તીઓને હવાલે કરી દઈશું.” તેઓએ બે નવાં દોરડાંથી સામસૂનને બાંધ્યો અને ગુફામાંથી બહાર કાઢી લાવ્યા. ૧૪  સામસૂન લેહીમાં આવ્યો ત્યારે, પલિસ્તીઓ તેને જોઈને જીતની ખુશીમાં મોટેથી કિકિયારીઓ પાડવા લાગ્યા. યહોવાની શક્તિથી સામસૂન બળવાન થયો.+ તેના હાથે બાંધેલાં દોરડાં, બળી ગયેલી શણની દોરીઓની જેમ હાથ પરથી ખરી પડ્યાં.+ ૧૫  સામસૂનને ગધેડાના જડબાનું તાજું હાડકું મળ્યું. તેણે એ લઈને ૧,૦૦૦ માણસો મારી નાખ્યા.+ ૧૬  સામસૂને કહ્યું: “ગધેડાના જડબાથી ઢગલે-ઢગલા! ગધેડાના જડબાથી મેં ૧,૦૦૦ માણસો માર્યા.”+ ૧૭  એમ કહીને તેણે જડબાનું હાડકું ફેંકી દીધું અને એ જગ્યાનું નામ રામાથ-લેહી* પાડ્યું.+ ૧૮  પછી સામસૂનને ખૂબ તરસ લાગી અને તેણે યહોવાને વિનંતી કરી: “તમે જ તમારા સેવકને મોટી જીત અપાવી છે. હવે શું તમે મને તરસને લીધે મરવા દેશો અને બેસુન્‍નતીઓના હાથમાં સોંપી દેશો?” ૧૯  એટલે ઈશ્વરે લેહીમાં એક ખાડો પાડ્યો અને એમાંથી પાણી નીકળ્યું.+ એ પાણી પીને સામસૂનમાં જોશ આવ્યો અને તે તાજો-માજો થઈ ગયો. તેણે એ જગ્યાનું નામ એન-હાક્કોર* પાડ્યું, જે આજ સુધી લેહીમાં છે. ૨૦  પલિસ્તીઓના સમયમાં સામસૂને ૨૦ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો.+

ફૂટનોટ

અથવા, “ખડકના કોતરમાં.”
અથવા, “બાંધવા.”
અથવા, “ખડકના કોતરમાં.”
અથવા, “બાંધીને.”
અર્થ, “જડબાની ટેકરી.”
અર્થ, “પોકારનારનું ઝરણું.”