ન્યાયાધીશો ૧૮:૧-૩૧

  • દાનના લોકો જગ્યાની શોધમાં (૧-૩૧)

    • મીખાહની મૂર્તિઓ અને યાજકને લઈ ગયા (૧૪-૨૦)

    • લાઈશ કબજે કરીને દાન નામ આપ્યું (૨૭-૨૯)

    • દાનમાં મૂર્તિપૂજા (૩૦, ૩૧)

૧૮  એ દિવસોમાં ઇઝરાયેલમાં કોઈ રાજા ન હતો.+ એ વખતે દાનનું કુળ+ રહેવા માટે જગ્યા શોધી રહ્યું હતું. ઇઝરાયેલનાં કુળોમાં તેઓને વારસામાં જે જગ્યા મળી હતી, એ રહેવા માટે પૂરતી ન હતી.+ ૨  એટલે દાનના લોકોએ સોરાહ અને એશ્તાઓલમાંથી+ પોતાના કુળના પાંચ કાબેલ પુરુષોને પસંદ કર્યા અને દેશની જાસૂસી કરવા મોકલ્યા. તેઓએ કહ્યું: “જાઓ, દેશની તપાસ કરો.” તેઓ એફ્રાઈમના પહાડી વિસ્તારમાં મીખાહના ઘરે આવી પહોંચ્યા+ અને ત્યાં રાત રોકાયા. ૩  જ્યારે તેઓ મીખાહના ઘર પાસે હતા, ત્યારે યુવાન લેવીને તેના અવાજ* પરથી ઓળખી કાઢ્યો. તેઓએ તેની પાસે જઈને પૂછ્યું: “તને અહીં કોણ લાવ્યું? તું અહીં શું કરે છે? તું અહીં શા માટે આવ્યો છે?” ૪  મીખાહે તેના માટે જે કર્યું હતું, એ જણાવતા લેવીએ તેઓને કહ્યું: “મીખાહે મને યાજક તરીકે રાખ્યો છે અને પગાર ચૂકવે છે.”+ ૫  તેઓએ લેવીને કહ્યું: “કૃપા કરીને ઈશ્વરને પૂછી જો કે અમે અમારી મુસાફરીમાં સફળ થઈશું કે કેમ.” ૬  લેવી યાજકે તેઓને કહ્યું: “શાંતિથી જાઓ, તમારા માર્ગમાં યહોવા તમારી સાથે છે.” ૭  એ પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ શહેર ગયા.+ તેઓએ જોયું કે ત્યાંના લોકો પણ સિદોનીઓની જેમ કોઈના પર આધાર રાખતા નથી. તેઓ શાંતિથી જીવે છે અને તેઓને કોઈ ચિંતા નથી.+ દેશમાં તેઓ પર અત્યાચાર કરે એવું કોઈ નથી. તેઓ સિદોનીઓથી બહુ દૂર રહે છે અને બીજા લોકો સાથે તેઓ કોઈ વહેવાર રાખતા નથી. ૮  એ પાંચ માણસો સોરાહ અને એશ્તાઓલમાં+ પોતાના લોકો પાસે પાછા આવ્યા. લોકોએ પૂછ્યું: “શું ખબર લાવ્યા છો?” ૯  તેઓએ કહ્યું: “એ દેશ બહુ જ સરસ છે. ચાલો જઈને એના પર હુમલો કરીએ. એ દેશનો કબજો લેવા આપણે હમણાં જ નીકળી પડીએ, મોડું ન કરીએ. ૧૦  ત્યાં પહોંચીને તમે જોશો કે એ લોકોને કોઈ ચિંતા નથી+ અને દેશ બહુ વિશાળ છે. ઈશ્વરે તમારા હાથમાં એવો દેશ આપ્યો છે, જેમાં કશાની ખોટ નથી.”+ ૧૧  એ પછી દાન કુળના ૬૦૦ હથિયારબંધ માણસો સોરાહ અને એશ્તાઓલથી લડાઈ કરવા નીકળી પડ્યા.+ ૧૨  તેઓએ જઈને યહૂદાના કિર્યાથ-યઆરીમ+ પાસે છાવણી નાખી. એટલે એ જગ્યા આજ સુધી માહનેહ-દાન*+ તરીકે ઓળખાય છે, જે કિર્યાથ-યઆરીમની પશ્ચિમે આવેલી છે. ૧૩  તેઓ ત્યાંથી એફ્રાઈમના પહાડી વિસ્તાર તરફ ગયા અને મીખાહના ઘરે આવ્યા.+ ૧૪  જે પાંચ માણસો લાઈશની જાસૂસી કરવા ગયા હતા,+ તેઓએ પોતાના લોકોને પૂછ્યું: “શું તમને ખબર છે આ ઘરોમાં એક એફોદ, કુળદેવતાઓની મૂર્તિઓ,* એક કોતરેલી મૂર્તિ અને એક ધાતુની મૂર્તિ* છે?+ હવે વિચારો કે શું કરવું છે.” ૧૫  તેઓ ત્યાં ઊભા રહ્યા. પાંચ માણસો યુવાન લેવીના ઘરે ગયા,+ જે મીખાહના ઘર પાસે હતું. તેઓએ લેવીના ખબરઅંતર પૂછ્યા. ૧૬  એ દરમિયાન દાન કુળના+ પેલા ૬૦૦ હથિયારબંધ માણસો દરવાજે ઊભા રહ્યા. ૧૭  દેશની જાસૂસી કરવા ગયેલા પાંચ માણસો+ મીખાહના ઘરમાં એફોદ,+ કુળદેવતાઓની મૂર્તિઓ,+ કોતરેલી મૂર્તિ અને ધાતુની મૂર્તિ*+ લેવા ગયા. (યાજક+ પેલા ૬૦૦ હથિયારબંધ માણસો સાથે દરવાજે ઊભો હતો.) ૧૮  તેઓ મીખાહના ઘરમાંથી એફોદ, કુળદેવતાઓની મૂર્તિઓ, કોતરેલી મૂર્તિ અને ધાતુની મૂર્તિ* ઉઠાવી જતા હતા ત્યારે, યાજકે તેઓને પૂછ્યું: “આ શું કરો છો?” ૧૯  તેઓએ તેને કહ્યું: “ચૂપ રહે, એક પણ શબ્દ બોલીશ નહિ. અમારી સાથે આવીને અમારો સલાહકાર* અને યાજક બન. તું વિચાર, તારા માટે શું સારું છે. એક માણસના ઘરના યાજક બનવું+ કે ઇઝરાયેલના એક આખા કુળ અને કુટુંબના યાજક બનવું?”+ ૨૦  એટલે યાજક ખુશ થઈ ગયો અને એફોદ, કુળદેવતાઓની મૂર્તિઓ અને કોતરેલી મૂર્તિ+ લઈને તેઓ સાથે ગયો. ૨૧  તેઓ રસ્તે આગળ વધ્યા અને બાળકો, ઢોરઢાંક અને કીમતી વસ્તુઓને પોતાની આગળ રાખ્યાં. ૨૨  તેઓ મીખાહના ઘરથી થોડે દૂર ગયા ત્યારે, મીખાહ અને તેના પડોશીઓ ભેગા થયા. તેઓએ પીછો કરીને દાનના લોકોને પકડી પાડ્યા. ૨૩  તેઓએ બૂમ પાડી ત્યારે દાનીઓએ પાછળ ફરીને મીખાહને કહ્યું: “શું થયું? તેં કેમ બધા લોકોને ભેગા કર્યા છે?” ૨૪  મીખાહે કહ્યું: “મેં બનાવેલા દેવો તમે લઈ ગયા, મારા યાજકને પણ લઈ ગયા! હવે મારી પાસે કંઈ રહ્યું નથી અને તમે પૂછો છો, ‘શું થયું?’” ૨૫  દાનના લોકોએ વળતો જવાબ આપ્યો: “તારો અવાજ નીચો રાખ. અમારા માણસો ગુસ્સે ભરાશે તો તારા પર તૂટી પડશે અને તારા ઘરના લોકોનો સફાયો કરી નાખશે.” ૨૬  મીખાહે જોયું કે તેઓને પહોંચી વળાય એમ નથી. તે ચૂપચાપ પોતાના ઘરે પાછો ફર્યો અને દાનીઓ પોતાના રસ્તે આગળ વધ્યા. ૨૭  મીખાહના દેવો અને તેના યાજકને લઈને દાનીઓ લાઈશ શહેર આવ્યા.+ ત્યાંના લોકો શાંતિથી જીવતા હતા અને તેઓને કોઈ ચિંતા ન હતી.+ દાનના લોકોએ તેઓને તલવારથી મારી નાખ્યા અને શહેરને આગ લગાવી દીધી. ૨૮  તેઓને બચાવનાર કોઈ ન હતું, કેમ કે સિદોન બહુ દૂર હતું અને બીજા લોકો સાથે તેઓનો કોઈ વહેવાર ન હતો. લાઈશ શહેર બેથ-રહોબમાં+ આવેલા નીચાણ પ્રદેશમાં* હતું. દાનના લોકોએ એ શહેર ફરીથી બાંધ્યું અને એમાં રહેવા લાગ્યા. ૨૯  અગાઉ એ શહેરનું નામ લાઈશ હતું.+ પણ તેઓએ પોતાના પૂર્વજ દાન પરથી એ શહેરનું નામ દાન રાખ્યું.+ દાન ઇઝરાયેલનો દીકરો હતો.+ ૩૦  દાનના લોકોએ પેલી કોતરેલી મૂર્તિ પોતાના માટે ઊભી કરી.+ એ દેશના લોકો ગુલામીમાં* ગયા ત્યાં સુધી, યોનાથાન+ અને તેના દીકરાઓએ દાન કુળના યાજકો તરીકે સેવા આપી. યોનાથાન મૂસાના દીકરા ગેર્શોમનો વંશજ+ હતો. ૩૧  આ રીતે મીખાહે બનાવેલી કોતરેલી મૂર્તિ તેઓએ ઊભી કરી. જ્યાં સુધી શીલોહમાં સાચા ઈશ્વરનો મુલાકાતમંડપ હતો,*+ ત્યાં સુધી એ મૂર્તિ લાઈશમાં રહી.

ફૂટનોટ

અથવા, “બોલી.”
અર્થ, “દાનની છાવણી.”
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
મૂળ, “પિતા.”
અથવા, “મેદાનમાં.”
અથવા, “સાચા ઈશ્વરનું ઘર હતું.”