ન્યાયાધીશો ૨૦:૧-૪૮
-
બિન્યામીનના લોકો સામે યુદ્ધ (૧-૪૮)
૨૦ એટલે દાનથી+ લઈને બેર-શેબા સુધીના અને ગિલયાદ દેશના+ સર્વ ઇઝરાયેલી માણસો નીકળી આવ્યા. આખી પ્રજા એક થઈને મિસ્પાહમાં+ યહોવા આગળ ભેગી થઈ.
૨ ઈશ્વરના લોકોની એ સભામાં* ઇઝરાયેલનાં સર્વ કુળો અને મુખીઓએ પોતપોતાની જગ્યા લીધી. તેઓમાં પાયદળના ૪,૦૦,૦૦૦ તલવારધારી સૈનિકો હતા.+
૩ બિન્યામીનના લોકોએ સાંભળ્યું કે ઇઝરાયેલીઓ મિસ્પાહમાં ભેગા થયા છે.
ઇઝરાયેલના માણસોએ પૂછ્યું: “અમને જણાવો, આ કઈ રીતે થયું.”+
૪ જેની ઉપપત્નીનું ખૂન થયું હતું એ લેવીએ+ કહ્યું: “હું અને મારી ઉપપત્ની બિન્યામીનના શહેર ગિબયાહમાં+ રાત રોકાવા ગયા હતા.
૫ રાતે ગિબયાહના લોકોએ* ઘરને ઘેરી લીધું. તેઓ ખરાબ ઇરાદાથી મારી પાસે આવ્યા અને મને મારી નાખવા ચાહતા હતા. પણ મારા બદલે તેઓએ મારી ઉપપત્ની પર બળાત્કાર ગુજાર્યો અને તે મરી ગઈ.+
૬ તેઓએ શરમજનક અને નામોશીભર્યું કામ કર્યું છે. એટલે મેં મારી ઉપપત્નીના ટુકડા કરીને ઇઝરાયેલના દરેક કુળમાં મોકલી આપ્યા.+
૭ બધા ઇઝરાયેલીઓ નક્કી કરો+ કે આ વિશે શું કરવું જોઈએ.”
૮ બધા લોકોએ એકમતે કહ્યું: “આપણામાંથી કોઈ પણ પોતાના તંબુમાં કે ઘરમાં પાછું નહિ જાય.
૯ ચાલો આપણે ચિઠ્ઠીઓ* નાખીને નક્કી કરીએ કે ગિબયાહ વિરુદ્ધ કોણ લડવા જશે.+
૧૦ આપણા સૈનિકોને ખોરાક પૂરો પાડવા, ઇઝરાયેલનાં કુળોના ૧૦૦માંથી ૧૦ માણસો, ૧,૦૦૦માંથી ૧૦૦ માણસો અને ૧૦,૦૦૦માંથી ૧,૦૦૦ માણસો લઈ જઈશું. બિન્યામીન કુળના ગિબયાહના લોકોએ આપણા ઇઝરાયેલ દેશમાં શરમજનક કામ કર્યું છે. એ માટે આપણે તેઓને ચોક્કસ સજા કરીશું.”
૧૧ ઇઝરાયેલના સર્વ માણસો એક થઈને ગિબયાહ શહેર સામે લડવા તૈયાર થયા.
૧૨ ઇઝરાયેલનાં કુળોએ બિન્યામીન કુળના લોકો પાસે માણસો મોકલીને કહ્યું: “તમારા લોકોમાં આ કેવું દુષ્ટ કામ થયું છે!
૧૩ ગિબયાહના એ દુષ્ટ માણસો અમને સોંપી દો,+ જેથી અમે તેઓને મારી નાખીએ અને ઇઝરાયેલમાંથી દુષ્ટતા દૂર કરીએ.”+ પણ બિન્યામીનના લોકોએ પોતાના ઇઝરાયેલી ભાઈઓનું સાંભળ્યું નહિ.
૧૪ બિન્યામીનના માણસો ઇઝરાયેલના માણસો સામે લડાઈ કરવા અલગ અલગ શહેરોમાંથી ગિબયાહમાં ભેગા થયા.
૧૫ એ દિવસે બિન્યામીનનાં શહેરોમાંથી ભેગા થયેલા તલવારધારી સૈનિકોની સંખ્યા ૨૬,૦૦૦ હતી. તાલીમ પામેલા બીજા ૭૦૦ લડવૈયા પણ હતા, જેઓ ગિબયાહના હતા.
૧૬ એ સૈન્યમાં તાલીમ પામેલા ૭૦૦ ડાબોડી પુરુષો હતા. ગોફણથી તેઓ દરેક અચૂક નિશાન તાકી શકતા હતા.*
૧૭ બિન્યામીન કુળને છોડીને ઇઝરાયેલીઓએ ૪,૦૦,૦૦૦ તલવારધારી પુરુષો ભેગા કર્યા.+ તેઓ દરેક લડવૈયા પુરુષો હતા.
૧૮ ઈશ્વરની સલાહ લેવા તેઓ બેથેલ ગયા.+ ઇઝરાયેલીઓએ પૂછ્યું: “બિન્યામીનના લોકો ઉપર અમારામાંથી પહેલું કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું: “યહૂદાનું કુળ ચઢાઈ કરે.”
૧૯ ઇઝરાયેલના માણસોએ સવારે ઊઠીને ગિબયાહ સામે લડવા છાવણી નાખી.
૨૦ ઇઝરાયેલના માણસો બિન્યામીનના માણસો સામે લડવા નીકળી પડ્યા. તેઓએ લડવા માટે ગિબયાહ પાસે લશ્કર ગોઠવી દીધું.
૨૧ બિન્યામીનના માણસો ગિબયાહમાંથી બહાર નીકળી આવ્યા. એ દિવસે તેઓએ ૨૨,૦૦૦ ઇઝરાયેલી માણસોને મારી નાખ્યા.
૨૨ પણ ઇઝરાયેલના માણસો હિંમત હાર્યા નહિ. તેઓએ પહેલા દિવસની જેમ ફરીથી એ જ જગ્યાએ લશ્કર ગોઠવી દીધું.
૨૩ એ દરમિયાન ઇઝરાયેલના માણસો યહોવા આગળ ગયા અને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાને પૂછ્યું: “શું બિન્યામીનના લોકો, એટલે કે અમારા ભાઈઓ સામે અમે ફરીથી લડવા જઈએ?”+ યહોવાએ કહ્યું: “જાઓ, તેઓ સામે લડો.”
૨૪ એટલે ઇઝરાયેલના માણસો બીજા દિવસે બિન્યામીનના માણસો સામે લડવા ગયા.
૨૫ બિન્યામીનના માણસો પણ બીજા દિવસે ગિબયાહમાંથી લડવા નીકળી આવ્યા. તેઓએ ઇઝરાયેલના ૧૮,૦૦૦ તલવારધારી માણસોને મારી નાખ્યા.+
૨૬ ઇઝરાયેલના બધા માણસો બેથેલ ગયા. તેઓ યહોવા આગળ ખૂબ રડ્યા અને ત્યાં જ બેસી રહ્યા.+ એ દિવસે તેઓએ સાંજ સુધી ઉપવાસ કર્યો+ અને યહોવાને અગ્નિ-અર્પણો+ તથા શાંતિ-અર્પણો*+ ચઢાવ્યાં.
૨૭ ઇઝરાયેલના માણસોએ યહોવાની સલાહ માંગી,+ કેમ કે એ દિવસોમાં સાચા ઈશ્વરનો કરારકોશ* બેથેલમાં હતો.
૨૮ એ દિવસોમાં હારુનનો પૌત્ર, એટલે કે એલઆઝારનો દીકરો ફીનહાસ+ કરારકોશ આગળ સેવા કરતો હતો.* તેઓએ પૂછ્યું: “શું બિન્યામીનના લોકો, એટલે કે અમારા ભાઈઓ સામે અમે લડવા જઈએ કે ન જઈએ?”+ યહોવાએ કહ્યું: “લડવા જાઓ, કેમ કે હું કાલે તેઓને તમારા હાથમાં સોંપી દઈશ.”
૨૯ ઇઝરાયેલીઓએ પોતાના માણસોને ગિબયાહની ચારે બાજુ સંતાડી રાખ્યા.+
૩૦ ત્રીજા દિવસે ઇઝરાયેલના માણસો બિન્યામીનના માણસો સામે લડવા ગયા. અગાઉની જેમ ઇઝરાયેલીઓએ ગિબયાહ પાસે લશ્કર ગોઠવી દીધું.+
૩૧ બિન્યામીનના માણસો તેઓ સામે લડવા બહાર નીકળી આવ્યા અને તેઓનો પીછો કરતાં કરતાં પોતાના શહેરથી દૂર જવા લાગ્યા.+ અગાઉની જેમ બિન્યામીનના માણસોએ હુમલો કર્યો અને બેથેલ તથા ગિબયાહ જતા મુખ્ય રસ્તાઓ પર આશરે ૩૦ માણસોને મારી નાખ્યા.+
૩૨ બિન્યામીનના માણસોએ કહ્યું: “ઇઝરાયેલીઓ અગાઉની જેમ આપણી સામે હારી રહ્યા છે.”+ પણ આ તો ઇઝરાયેલીઓની ચાલ હતી. તેઓએ આમ નક્કી કર્યું હતું: “આપણે બિન્યામીનના માણસો આગળથી પીછેહઠ કરીશું અને તેઓને શહેરથી દૂર મુખ્ય રસ્તાઓ પર લઈ જઈશું.”
૩૩ સર્વ ઇઝરાયેલી માણસો પોતાની જગ્યાએથી ઊઠ્યા અને બઆલ-તામાર પાસે લશ્કર ગોઠવી દીધું. એ દરમિયાન ગિબયાહ પાસે સંતાઈ રહેલા ઇઝરાયેલીઓ લડવા માટે બહાર નીકળી આવ્યા.
૩૪ આમ ઇઝરાયેલના ૧૦,૦૦૦ લડવૈયા પુરુષોએ ગિબયાહ પર હુમલો કર્યો અને ભારે યુદ્ધ થયું. પણ બિન્યામીનના માણસોને ખબર ન હતી કે તેઓના માથે મોત ભમી રહ્યું છે.
૩૫ યહોવાએ ઇઝરાયેલીઓ આગળ બિન્યામીનીઓને હરાવ્યા.+ એ દિવસે ઇઝરાયેલીઓએ બિન્યામીનના ૨૫,૧૦૦ તલવારધારી માણસોને મારી નાખ્યા.+
૩૬ ઇઝરાયેલના માણસો નાસી રહ્યા હતા ત્યારે, બિન્યામીનના માણસોને લાગ્યું કે આપણે તેઓને હરાવી દઈશું.+ ઇઝરાયેલીઓને ગિબયાહ પર હુમલો કરવા સંતાઈ રહેલા માણસો પર પૂરો ભરોસો હોવાથી તેઓ નાસી રહ્યા હતા.+
૩૭ સંતાઈ રહેલા માણસોએ તરત જ ગિબયાહ પર હુમલો કર્યો. તેઓ શહેરમાં ચારે બાજુ ફરી વળ્યા અને બધા લોકોને તલવારથી મારી નાખ્યા.
૩૮ ઇઝરાયેલના માણસોએ સંતાઈ રહેલા માણસોને કહ્યું હતું કે નિશાની તરીકે શહેરમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢાવવા.
૩૯ ઇઝરાયેલીઓ નાસી રહ્યા હતા ત્યારે, બિન્યામીનના માણસોએ હુમલો કરીને તેઓના ૩૦ માણસો મારી નાખ્યા હતા.+ બિન્યામીનના માણસોએ કહ્યું: “જુઓ, ઇઝરાયેલીઓ અગાઉની જેમ હારી રહ્યા છે.”+
૪૦ એવામાં નિશાની તરીકે શહેરમાંથી ધુમાડો ઉપર ચઢવા લાગ્યો. બિન્યામીનના માણસોએ પાછળ ફરીને જોયું તો, આખા શહેરમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢતા હતા.
૪૧ ઇઝરાયેલના માણસોએ પાછા ફરીને હુમલો કર્યો. બિન્યામીનના માણસો ગભરાઈ ગયા, કેમ કે હવે તેઓને સમજાયું કે તેઓ પર આફત આવી પડી છે.
૪૨ તેઓ ઇઝરાયેલીઓ સામેથી પાછા હટીને વેરાન પ્રદેશ તરફ નાસવા લાગ્યા. પણ ઇઝરાયેલી માણસોએ તેઓનો પીછો કર્યો. શહેરમાંથી નીકળી આવેલા ઇઝરાયેલીઓ પણ તેઓને મારી નાખવા લાગ્યા.
૪૩ તેઓએ બિન્યામીનના માણસોને ચારે બાજુથી ઘેરી લીધા અને તેઓનો સતત પીછો કર્યો. તેઓએ ગિબયાહની પૂર્વ તરફ બિન્યામીનના માણસોને પકડીને મારી નાખ્યા.
૪૪ આખરે બિન્યામીનના ૧૮,૦૦૦ માણસો માર્યા ગયા, તેઓ બધા પરાક્રમી યોદ્ધાઓ હતા.+
૪૫ બિન્યામીનના બાકીના માણસો વેરાન પ્રદેશમાં રિમ્મોન પહાડ તરફ ભાગ્યા.+ ઇઝરાયેલના માણસોએ એમાંથી ૫,૦૦૦ને મુખ્ય રસ્તાઓ પર મારી નાખ્યા. ઇઝરાયેલીઓએ છેક ગિદોમ સુધી તેઓનો પીછો કર્યો અને બીજા ૨,૦૦૦ને મારી નાખ્યા.
૪૬ એ દિવસે બિન્યામીનના કુલ ૨૫,૦૦૦ તલવારધારી માણસો માર્યા ગયા.+ તેઓ બધા પરાક્રમી યોદ્ધાઓ હતા.
૪૭ પણ ૬૦૦ માણસો વેરાન પ્રદેશમાં રિમ્મોન પહાડ પર નાસી ગયા અને ચાર મહિના ત્યાં જ રહ્યા.
૪૮ ઇઝરાયેલના માણસો પાછા ફર્યા અને બિન્યામીનનાં શહેરોના બધા લોકોને અને ઢોરઢાંકને મારી નાખ્યાં. એટલું જ નહિ, તેઓનાં બધાં શહેરો પણ બાળી નાખ્યાં.
ફૂટનોટ
^ મૂળ, “મંડળમાં.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
^ અથવા કદાચ, “જમીનદારોએ.”
^ મૂળ, “તેઓ ગોફણમાં પથ્થર મૂકીને વાળનું પણ નિશાન અચૂક તાકી શકતા હતા.”
^ મૂળ, “ઊભો રહેતો હતો.”