ન્યાયાધીશો ૨૧:૧-૨૫

  • બિન્યામીન કુળ બચાવી લેવાયું (૧-૨૫)

૨૧  ઇઝરાયેલી માણસોએ મિસ્પાહમાં+ આવા સમ ખાધા હતા: “આપણામાંથી કોઈ પણ પોતાની દીકરી બિન્યામીનના માણસ સાથે નહિ પરણાવે.”+ ૨  તેથી ઇઝરાયેલીઓ બેથેલ આવ્યા.+ તેઓ પોક મૂકીને રડ્યા અને સાંજ સુધી સાચા ઈશ્વર આગળ બેસી રહ્યા. ૩  તેઓ કહેતા હતા: “હે યહોવા, ઇઝરાયેલના ઈશ્વર, ઇઝરાયેલમાં આવું શા માટે બન્યું? ઇઝરાયેલનું એક કુળ કેમ ઓછું થઈ ગયું?” ૪  બીજા દિવસે ઇઝરાયેલીઓએ વહેલા ઊઠીને ત્યાં એક વેદી બાંધી. તેઓએ ત્યાં અગ્‍નિ-અર્પણો અને શાંતિ-અર્પણો ચઢાવ્યાં.+ ૫  ઇઝરાયેલીઓએ કહ્યું: “મિસ્પાહમાં યહોવા આગળ ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી કોણ આવ્યું ન હતું?” તેઓએ સમ ખાધા હતા કે જે કોઈ મિસ્પાહમાં યહોવા આગળ ન આવે, તેને ચોક્કસ મારી નાખવામાં આવશે. ૬  ઇઝરાયેલીઓએ પોતાના ભાઈઓ, એટલે કે બિન્યામીનના માણસો સાથે જે બન્યું હતું એના લીધે ઘણો શોક પાળ્યો. તેઓએ કહ્યું: “આજે ઇઝરાયેલમાંથી એક કુળ ભૂંસાઈ ગયું છે. ૭  આપણે યહોવા આગળ સમ ખાધા છે+ કે આપણી દીકરીઓ તેઓ સાથે નહિ પરણાવીએ.+ તો પછી બાકીના બિન્યામીનના માણસોને આપણે ક્યાંથી પત્નીઓ લાવી આપીશું?” ૮  તેઓએ પૂછ્યું: “મિસ્પાહમાં યહોવા આગળ ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી કોણ આવ્યું ન હતું?”+ તેઓ ભેગા થયા હતા એ છાવણીમાં યાબેશ-ગિલયાદથી કોઈ આવ્યું ન હતું. ૯  ઇઝરાયેલીઓએ લોકોની ગણતરી કરી તો, તેઓને જાણવા મળ્યું કે યાબેશ-ગિલયાદનો એક પણ રહેવાસી આવ્યો ન હતો. ૧૦  એટલે ઇઝરાયેલીઓએ પોતાના ૧૨,૦૦૦ શૂરવીર યોદ્ધાઓને ત્યાં મોકલ્યા અને કહ્યું: “જાઓ, યાબેશ-ગિલયાદના રહેવાસીઓને તલવારથી મારી નાખો, સ્ત્રીઓ અને બાળકોને પણ છોડતા નહિ.+ ૧૧  દરેક પુરુષને અને જાતીય સંબંધ બાંધ્યો હોય એવી દરેક સ્ત્રીને તમે મારી નાખો.” ૧૨  યાબેશ-ગિલયાદના રહેવાસીઓમાં તેઓને ૪૦૦ કુંવારી છોકરીઓ મળી, જેઓએ કદી કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો. એ કુંવારી છોકરીઓને તેઓ કનાન દેશના શીલોહ પાસે છાવણીમાં લાવ્યા.+ ૧૩  પછી ઇઝરાયેલી માણસોએ રિમ્મોન પહાડ પર નાસી ગયેલા+ બિન્યામીનના માણસોને સુલેહ-શાંતિનો સંદેશો મોકલ્યો. ૧૪  એટલે બિન્યામીનના માણસો પાછા આવ્યા. ઇઝરાયેલીઓએ યાબેશ-ગિલયાદની જીવતી રાખેલી કુંવારી છોકરીઓ તેઓને આપી.+ પણ તેઓ માટે એ પૂરતી ન હતી. ૧૫  બિન્યામીનના લોકોની હાલત જોઈને ઇઝરાયેલીઓ દુઃખી થયા,+ કેમ કે યહોવાએ ઇઝરાયેલનાં કુળોથી તેઓને અલગ કરી દીધા હતા. ૧૬  ઇઝરાયેલના વડીલોએ ચર્ચા કરી: “બિન્યામીનના બાકીના માણસો માટે પત્ની લાવવા શું કરીએ? બિન્યામીન કુળની બધી સ્ત્રીઓને તો મારી નાખવામાં આવી છે.” ૧૭  તેઓએ કહ્યું: “ઇઝરાયેલમાંથી બિન્યામીન કુળનું નામ ભૂંસાઈ ન જાય એ માટે તેઓમાંથી બચી ગયેલાઓનો વંશ* ચાલુ રહેવો જોઈએ. ૧૮  આપણે આપણી દીકરીઓ તેઓ સાથે પરણાવી શકતા નથી, કેમ કે ઇઝરાયેલીઓએ સમ ખાધા છે કે ‘જે કોઈ પોતાની દીકરીને બિન્યામીન સાથે પરણાવે તે શ્રાપિત થાય.’”+ ૧૯  વડીલોએ કહ્યું: “શીલોહમાં દર વર્ષે યહોવા માટે ઉત્સવ મનાવવામાં આવે છે.+ એ શહેર બેથેલની ઉત્તરે તથા બેથેલથી શખેમના મુખ્ય રસ્તાની પૂર્વે અને લબોનાહની દક્ષિણે આવેલું છે.” ૨૦  તેઓએ બિન્યામીનના માણસોને આજ્ઞા કરી: “જાઓ અને દ્રાક્ષાવાડીઓમાં સંતાઈ રહો. ૨૧  શીલોહમાંથી છોકરીઓ* નાચ-ગાન કરવા માટે બહાર આવે ત્યારે, તમે દ્રાક્ષાવાડીમાંથી બહાર નીકળી આવજો. લગ્‍ન કરવા તમે એક એક છોકરી ઉપાડી લેજો અને બિન્યામીનના વિસ્તારમાં ચાલ્યા જજો. ૨૨  તેઓના પિતા કે ભાઈઓ અમારી પાસે આવીને ફરિયાદ કરશે તો અમે કહીશું, ‘મહેરબાની કરીને પરિસ્થિતિ સમજો. આપણે લડાઈ કરીને તેઓ માટે છોકરીઓ લાવ્યા હતા, પણ એ પૂરતી ન હતી.+ તમે પણ સામે ચાલીને તેઓને દીકરીઓ આપી નથી. એટલે તમારે માથે દોષ નહિ આવે.’”+ ૨૩  બિન્યામીનના માણસોએ એવું જ કર્યું. છોકરીઓ નાચતી હતી ત્યારે, તેઓએ એમાંથી એક એક ઉપાડી લીધી અને પોતાની પત્ની બનાવી. વારસામાં મળેલા વિસ્તારમાં તેઓ પાછા ગયા અને ફરીથી શહેરો બાંધીને+ એમાં વસી ગયા. ૨૪  ઇઝરાયેલી માણસો પોતપોતાનાં કુળ અને કુટુંબ પાસે પાછા જવા ત્યાંથી છૂટા પડ્યા. તેઓએ વિદાય લીધી અને પોતાના વતન પાછા ગયા. ૨૫  એ દિવસોમાં ઇઝરાયેલમાં કોઈ રાજા ન હતો.+ દરેક જણ પોતાની નજરમાં જે ખરું હોય એ કરતો હતો.

ફૂટનોટ

મૂળ, “વારસો.”
મૂળ, “દીકરીઓ.”