ન્યાયાધીશો ૩:૧-૩૧
૩ ઇઝરાયેલીઓમાં ઘણા એવા હતા, જેઓએ કનાનીઓ સાથેની લડાઈઓ જોઈ ન હતી. તેઓની કસોટી કરવા યહોવાએ અમુક પ્રજાઓને રહેવા દીધી.+
૨ (એનું કારણ, ઇઝરાયેલીઓની આવનાર પેઢીઓ જેઓએ લડાઈઓ જોઈ ન હતી, તેઓ લડાઈના અનુભવથી શીખે.)
૩ એ પ્રજાઓ આ પ્રમાણે હતી: પલિસ્તીઓના+ પાંચ શાસકો, બધા કનાનીઓ, સિદોનીઓ+ અને હિવ્વીઓ+ પણ, જેઓ લબાનોન પર્વતમાળા પર,+ બઆલ-હેર્મોન પર્વતથી છેક લીબો-હમાથ* સુધીના+ વિસ્તારમાં રહેતા હતા.
૪ તેઓથી ઇઝરાયેલીઓની કસોટી થવાની હતી. એનાથી નક્કી થવાનું હતું કે ઇઝરાયેલીઓ યહોવાની આજ્ઞાઓ પાળશે કે નહિ. એ આજ્ઞાઓ મૂસાએ ઇઝરાયેલીઓના બાપદાદાઓને આપી હતી.+
૫ ઇઝરાયેલી લોકો કનાનીઓ,+ હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ સાથે રહેતા હતા.
૬ ઇઝરાયેલીઓ બીજી પ્રજાઓની દીકરીઓ સાથે પરણતા અને પોતાની દીકરીઓને તેઓના દીકરાઓ સાથે પરણાવતા. ઇઝરાયેલીઓ તેઓના દેવોને પણ ભજવા લાગ્યા.+
૭ ઇઝરાયેલીઓએ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કર્યું. તેઓ પોતાના ઈશ્વર યહોવાને ભૂલી ગયા. તેઓ બઆલની મૂર્તિઓની+ અને થાંભલાઓની*+ પૂજા કરવા લાગ્યા.
૮ એ જોઈને ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ ભડકી ઊઠ્યો. તેમણે તેઓને મેસોપોટેમિયાના* રાજા કૂશાન-રિશઆથાઇમના હાથમાં સોંપી દીધા. ઇઝરાયેલીઓએ આઠ વર્ષ કૂશાન-રિશઆથાઇમની ગુલામી કરી.
૯ તેઓ મદદ માટે યહોવાને પોકારવા લાગ્યા.+ એટલે યહોવાએ તેઓને બચાવવા એક છોડાવનાર ઊભો કર્યો.+ તે કાલેબના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથ્નીએલ હતો.+
૧૦ યહોવાની શક્તિ તેના પર ઊતરી+ અને તે ઇઝરાયેલનો ન્યાયાધીશ બન્યો. તે મેસોપોટેમિયાના* રાજા કૂશાન-રિશઆથાઇમ સામે લડવા ગયો. યહોવાએ એ રાજાને ઓથ્નીએલના હાથમાં સોંપી દીધો અને તેણે તેના પર જીત મેળવી.
૧૧ પછી ૪૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. ત્યાર બાદ કનાઝના દીકરા ઓથ્નીએલનું મરણ થયું.
૧૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઇઝરાયેલીઓ ફરીથી કરવા લાગ્યા.+ યહોવાએ મોઆબના+ રાજા એગ્લોનને ઇઝરાયેલીઓ પર જીત મેળવવા દીધી, કારણ કે ઇઝરાયેલીઓએ એવાં કામો કર્યાં જે યહોવાની નજરમાં ખરાબ હતાં.
૧૩ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરવા એગ્લોન રાજા આમ્મોનીઓ+ અને અમાલેકીઓને+ પણ લાવ્યો. તેઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને ખજૂરીઓનું* શહેર+ જીતી લીધું.
૧૪ ઇઝરાયેલીઓએ મોઆબના રાજા એગ્લોનની ૧૮ વર્ષ ગુલામી કરી.+
૧૫ તેઓએ મદદ માટે યહોવાને પોકાર કર્યો.+ યહોવાએ તેઓને બચાવવા એહૂદને+ ઊભો કર્યો.+ તે બિન્યામીન કુળના+ ગેરાનો દીકરો હતો અને ડાબોડી હતો.+ સમય જતાં, ઇઝરાયેલીઓએ તેની સાથે મોઆબના રાજા એગ્લોનને ભેટો* મોકલી.
૧૬ એ દરમિયાન એહૂદે પોતાના માટે એક હાથ* લાંબી બેધારી તલવાર બનાવી. તેણે એ પોતાની જમણી જાંઘ પર કપડાની નીચે બાંધી.
૧૭ પછી તેણે મોઆબના રાજા એગ્લોન આગળ ભેટો રજૂ કરી. એગ્લોન બહુ જાડો હતો.
૧૮ એહૂદે ભેટ-સોગાદો રજૂ કર્યા પછી, એ ઊંચકી લાવનારાઓ સાથે તે પાછો ફર્યો.
૧૯ પણ ગિલ્ગાલમાં+ આવેલી કોતરેલી મૂર્તિઓ* પાસે પહોંચ્યા બાદ, એહૂદ પાછો રાજા પાસે ગયો અને કહ્યું: “હે રાજાજી, મારે તમને એક ખાનગી સંદેશો આપવો છે.” એટલે રાજાએ સેવકોને બહાર જવાનો હુકમ કર્યો અને તેઓ ગયા.
૨૦ ઉપરના ઠંડકવાળા ઓરડામાં એગ્લોન હવે એકલો બેઠો હતો. એહૂદ તેની પાસે આવ્યો અને કહ્યું: “મારી પાસે તમારા માટે ઈશ્વરનો સંદેશો છે.” એટલે એગ્લોન પોતાના આસન પરથી ઊભો થયો.
૨૧ એહૂદે પોતાના ડાબા હાથથી જમણી જાંઘ પર બાંધેલી તલવાર ખેંચી કાઢી અને રાજાના પેટમાં ઘુસાડી દીધી.
૨૨ તલવાર સાથે એનો હાથો પણ અંદર ઘૂસી ગયો. એહૂદે રાજાના પેટમાંથી તલવાર પાછી ન ખેંચી હોવાથી, એના પર ચરબી જામી ગઈ અને મળ બહાર નીકળી આવ્યો.
૨૩ પછી એહૂદ બહાર નીકળી ગયો અને ઠંડકવાળા ઓરડાના દરવાજા બંધ કરીને તાળું મારી દીધું.
૨૪ એહૂદના ગયા પછી, રાજાના સેવકો પાછા આવ્યા. તેઓએ જોયું તો ઠંડકવાળા ઓરડાના દરવાજે તાળું હતું. તેઓએ વિચાર્યું, “તે અંદરની ઠંડી ઓરડીમાં પેટ સાફ કરવા* ગયા હશે.”
૨૫ સેવકોએ લાંબા સમય સુધી રાહ જોઈ. રાજાએ ઠંડકવાળા ઓરડાના દરવાજા ખોલ્યા નહિ, એટલે તેઓને ચિંતા થવા લાગી. તેઓએ ચાવી લીધી અને દરવાજા ખોલ્યા. સેવકોએ જોયું તો રાજા જમીન પર મરેલો પડ્યો હતો!
૨૬ સેવકો રાહ જોતા હતા ત્યાં સુધીમાં એહૂદ નાસી છૂટ્યો. કોતરેલી મૂર્તિઓ* પાસે થઈને+ તે સેઈરાહ સુધી સલામત પહોંચી ગયો.
૨૭ તેણે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં+ આવીને રણશિંગડું વગાડ્યું.+ ઇઝરાયેલીઓ પહાડી વિસ્તારમાંથી તેની સાથે ઊતરી આવ્યા. એહૂદ તેઓની આગળ આગળ ચાલ્યો.
૨૮ એહૂદે તેઓને કહ્યું: “મારી પાછળ આવો, કારણ કે યહોવાએ તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધા છે.” એટલે તેઓ તેની પાછળ પાછળ ગયા. ઇઝરાયેલીઓએ યર્દનના ઘાટ કબજે કરી લીધા, જેથી મોઆબીઓ છટકી ન શકે. તેઓમાંથી એકેયને નદી પાર કરવા દીધી નહિ.
૨૯ એ સમયે ઇઝરાયેલીઓએ ૧૦,૦૦૦ મોઆબીઓને મારી નાખ્યા,+ જેઓ જોરાવર અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંથી એક પણ બચ્યો નહિ.+
૩૦ એ દિવસે ઇઝરાયેલે મોઆબ પર જીત મેળવી. પછી ૮૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.+
૩૧ એહૂદ પછી આનાથનો દીકરો શામ્ગાર+ આવ્યો. તેણે ૬૦૦ પલિસ્તી પુરુષોને+ આરથી*+ મારી નાખ્યા અને ઇઝરાયેલીઓને બચાવ્યા.
ફૂટનોટ
^ અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”
^ શબ્દસૂચિમાં “ભક્તિ-થાંભલો” જુઓ.
^ મૂળ, “અરામ-નાહરાઇમના.”
^ મૂળ, “અરામના.”
^ એટલે કે, યરીખો.
^ મોટા ભાગે આ “ભેટો” એક પ્રકારનો કરવેરો હતી.
^ કદાચ ૩૮ સે.મી. (૧૫ ઇંચ) ટૂંકો હાથ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ અથવા કદાચ, “ખાણો.”
^ અથવા, “જાજરૂ.”
^ અથવા કદાચ, “ખાણો.”