ન્યાયાધીશો ૫:૧-૩૧

  • દબોરાહ અને બારાકનું વિજયગીત (૧-૩૧)

    • તારાઓ સીસરા સામે લડે છે (૨૦)

    • કીશોનના ધસમસતા પાણીનું પૂર (૨૧)

    • યહોવાને ચાહનારાઓ સૂરજ જેવા છે (૩૧)

 એ દિવસે અબીનોઆમના દીકરા બારાક+ સાથે દબોરાહે+ આ ગીત ગાયું:+  ૨  “યહોવાની સ્તુતિ થાઓ! ઇઝરાયેલીઓ રાજીખુશીથી તૈયાર થયા,+લડવૈયાઓએ પોતાના વાળ છૂટા રાખ્યા.*  ૩  હે રાજાઓ, સાંભળો! હે શાસકો, કાન દો! હું યહોવા માટે ગાઈશ. હું ઇઝરાયેલના ઈશ્વર+ યહોવાની સ્તુતિ કરીશ.*+  ૪  હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,+તમે અદોમના વિસ્તારમાંથી નીકળ્યાત્યારે ધરતી કાંપી અને આકાશ વરસી પડ્યું,વાદળોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો.  ૫  યહોવા આગળ પર્વતો પીગળી ગયા,*+ઇઝરાયેલના ઈશ્વર+ યહોવા આગળ સિનાઈ પણ ઓગળી ગયો.+  ૬  આનાથના દીકરા શામ્ગારના+ દિવસોમાં,યાએલના+ દિવસોમાં, રસ્તાઓ સૂના પડી ગયા. મુસાફરો બીજા રસ્તે ચાલ્યા ગયા.  ૭  હું દબોરાહ+ ઇઝરાયેલની મા થઈ એ પહેલાં,+ઇઝરાયેલનાં ગામો ખાલી થઈ ગયાં;*તેઓ ઉજ્જડ થઈ ગયા.  ૮  તેઓએ બીજા દેવો પસંદ કર્યા;+એટલે શહેરના દરવાજે યુદ્ધ મચ્યું.+ ઇઝરાયેલના ૪૦,૦૦૦ માણસો પાસેન ઢાલ હતી, ન બરછી.  ૯  મારું દિલ ઇઝરાયેલના સેનાપતિઓ સાથે છે,+જેઓ રાજીખુશીથી લોકો સાથે ગયા.+ યહોવાની સ્તુતિ થાઓ! ૧૦  ભૂખરા ગધેડાઓના સવારો,સુંદર ગાલીચા પર બેસનારાઓ,રસ્તા પર ચાલનારાઓ,જરા વિચારો! ૧૧  કૂવાએ પાણી પાનારાઓ વાતો કરતા, યહોવાનાં નેક* કામો યાદ કરતા. જે લોકો ઇઝરાયેલનાં ગામોમાં રહેતા,તેઓનાં નેક કામોની વાહ વાહ કરતા. પછી યહોવાના લોકો દરવાજે ગયા. ૧૨  જાગ દબોરાહ+ જાગ! તું જાગ અને ગીત ગા!+હે બારાક,+ અબીનોઆમના દીકરા, ઊભો થા! તારા દુશ્મનોને ગુલામ બનાવીને લઈ જા! ૧૩  ઇઝરાયેલના બાકી રહેલા લોકો આગેવાનો પાસે આવ્યા. મારી સાથે યહોવાના લોકો આવ્યા, બળવાનો વિરુદ્ધ લડવા આવ્યા. ૧૪  તેઓ એફ્રાઈમથી નીચાણ પ્રદેશમાં* આવ્યા. ઓ બિન્યામીન, તેઓ તારા લોકોમાં તારા પગલે ચાલ્યા. માખીરથી+ સેનાપતિઓ ઊતરી આવ્યા,ઝબુલોનથી લશ્કરમાં ભરતી કરાવનારા* આવ્યા. ૧૫  દબોરાહની સાથે ઇસ્સાખારના મુખીઓ હતા,જેમ ઇસ્સાખાર હતો, તેમ બારાક પણ હતો.+ તેને મેદાનમાં મોકલવામાં આવ્યો.+ રૂબેનના કુળનું દિલ ડંખતું હતું. ૧૬  તમે કેમ બે ભારાઓ* વચ્ચે બેસી ગયા? કેમ ભરવાડોની વાંસળી સાંભળવા લાગ્યા?+ રૂબેનના કુળનું દિલ બહુ ડંખતું હતું. ૧૭  ગિલયાદ યર્દનને પેલે પાર રહ્યો.+ દાન વહાણો પાસે બેસી રહ્યો,+આશેર દરિયા કિનારે આળસુ થઈને બેસી રહ્યો,તે પોતાનાં બંદરોમાં જ રહ્યો.+ ૧૮  ઝબુલોનના લોકો જીવના જોખમે લડ્યા. નફતાલીના લોકો પણ+ પહાડો પર+ મોતનો જંગ લડ્યા. ૧૯  રાજાઓ આવ્યા ને લડ્યા. મગિદ્દોના પાણી પાસે તાઅનાખમાં+કનાનના રાજાઓ લડ્યા.+ ચાંદીનો એકેય ટુકડો તેઓને હાથ ન લાગ્યો.+ ૨૦  આકાશમાંથી તારાઓ લડ્યા. તેઓના ભ્રમણમાં ઘૂમતાં ઘૂમતાં સીસરા સામે લડ્યા. ૨૧  કીશોનનું ધસમસતું પાણી* તેઓને તાણી ગયું,+પ્રાચીન ઝરણું, કીશોનનું પૂર! મેં જોરાવરોને કચડી નાખ્યા. ૨૨  તેના ઘોડાઓ પૂરઝડપે દોડ્યા,+ઘોડાઓની ખરીઓના પડઘા સંભળાયા. ૨૩  યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝ પર શ્રાપ ઊતરો! એમાં રહેનારાઓ પર શ્રાપ ઊતરો! તેઓ યહોવાની મદદે આવ્યા નહિ,યહોવાની મદદે શૂરવીરોને લાવ્યા નહિ.’ ૨૪  હેબેર કેનીની+ પત્ની યાએલ+બધી સ્ત્રીઓમાં ધન્ય છે. તંબુઓમાં રહેનારી બધી સ્ત્રીઓમાં તેને ધન્ય છે. ૨૫  સીસરાએ પાણી માંગ્યું, તેણે દૂધ આપ્યું. કીમતી કટોરામાં તેણે માખણ આપ્યું.*+ ૨૬  યાએલે ડાબે હાથે તંબુનો ખીલો લીધોને જમણે હાથે કારીગરનો હથોડો ઉપાડ્યો. હથોડાથી તેણે સીસરાનું માથું છૂંદી નાખ્યું,તેના લમણામાં ખીલો આરપાર ઉતારી દીધો.+ ૨૭  યાએલના પગ આગળ તે ઢળી પડ્યો, તે પડ્યો ત્યાં જ ઢગલો થઈ ગયો. તેના પગ આગળ તે ઢળી પડ્યો,જ્યાં પડ્યો ત્યાં જ મોતને શરણે થયો. ૨૮  સીસરાની મા બારીમાંથી બહાર જોતી હતી,તે ઝરૂખામાંથી નજર નાખતી હતી,‘તેના રથને આવતા આટલી વાર કેમ થઈ? તેના રથનો ગડગડાટ કેમ હજુ નથી સંભળાતો?’+ ૨૯  તેની સમજુ સખીઓએ જવાબ આપ્યો;તે પોતે મનમાં ને મનમાં બોલી, ૩૦  ‘તેઓ અંદરોઅંદર લૂંટ વહેંચતા હશે,દરેક યોદ્ધાને ભાગે એક કે બે છોકરીઓ આવી હશે,સીસરાને રંગબેરંગી કપડાં, લૂંટેલાં રંગીન કપડાં મળ્યાં હશે! ભરત ભરેલા કાપડથી, રંગીન કાપડથી, ભરતવાળાં કપડાંની જોડથીલૂંટનારાઓની ગરદન શોભતી હશે.’ ૩૧  હે યહોવા, તમારા બધા દુશ્મનોનો નાશ થાઓ.+ પણ તમને ચાહનારાઓ ઊગતા સૂરજની જેમ ઝળહળી ઊઠો.” એ પછી ૪૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.+

ફૂટનોટ

એ કદાચ ઈશ્વર આગળ માનતાની કે સમર્પણની નિશાની હતી.
અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”
અથવા કદાચ, “કાંપ્યા.”
અથવા, “ગામોનો અંત આવ્યો.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “ખીણમાં.”
અથવા કદાચ, “શાસ્ત્રીઓની કલમો વાપરનારા.”
એટલે કે, ગધેડા પર બાંધેલા ભારાઓ.
અથવા, “ઝરણું.”
અથવા, “મલાઈ આપી.”