ન્યાયાધીશો ૭:૧-૨૫

  • ગિદિયોન અને તેના ૩૦૦ માણસો (૧-૮)

  • ગિદિયોનનું લશ્કર મિદ્યાનીઓને હરાવે છે (૯-૨૫)

    • “યહોવાની અને ગિદિયોનની તલવાર!” (૨૦)

    • મિદ્યાનીઓની છાવણીમાં નાસભાગ (૨૧, ૨૨)

 પછી યરૂબ્બઆલ, એટલે કે ગિદિયોન+ અને તેની સાથેના બધા માણસો વહેલી સવારે નીકળી પડ્યા. તેઓએ હરોદના ઝરા પાસે છાવણી નાખી. એની ઉત્તરે મોરેહ ટેકરી પાસે આવેલા મેદાનમાં મિદ્યાનીઓની છાવણી હતી. ૨  યહોવાએ ગિદિયોનને કહ્યું: “તારી સાથે ઘણા બધા માણસો છે. જો હું મિદ્યાનીઓને તમારા હાથમાં સોંપું,+ તો કદાચ ઇઝરાયેલીઓ મારી વિરુદ્ધ બડાઈ હાંકશે કે ‘અમે અમારાં બાવડાંના જોરે જીત્યાં છીએ.’+ ૩  તેથી તેઓમાં ઢંઢેરો પિટાવ: ‘જે કોઈ ડરનો માર્યો કાંપતો હોય, તે પાછો ઘરે જાય.’”+ ગિદિયોને તેઓની પરખ કરી. એના લીધે ૨૨,૦૦૦ માણસો ઘરભેગા થઈ ગયા અને ફક્ત ૧૦,૦૦૦ રહી ગયા. ૪  યહોવાએ ગિદિયોનને કહ્યું: “હજુ તારી સાથે ઘણા બધા માણસો છે. તેઓને ઝરણા પાસે લઈ જા કે હું તારા માટે તેઓની પરખ કરું. જો હું તને કહું કે ‘આ તારી સાથે જાય,’ તો તે તારી સાથે જશે. પણ જો હું તને કહું કે ‘આ તારી સાથે નહિ જાય,’ તો તે તારી સાથે નહિ જશે.” ૫  એટલે ગિદિયોન પોતાના માણસોને લઈને ઝરણા પાસે ગયો. યહોવાએ ગિદિયોનને કહ્યું: “જે માણસો ખોબો ભરીને પાણી પીએ,* તેઓને એક બાજુ ઊભા રાખ. જે માણસો ઘૂંટણિયે પડીને અને વાંકા વળીને પાણી પીએ, તેઓને બીજી બાજુ ઊભા રાખ.” ૬  ફક્ત ૩૦૦ માણસોએ ખોબે ખોબે પાણી પીધું. બાકીના બધા માણસોએ ઘૂંટણિયે પડીને પાણી પીધું. ૭  યહોવાએ ગિદિયોનને કહ્યું: “જેઓએ ખોબો ભરીને પાણી પીધું છે, એ ૩૦૦ માણસો દ્વારા હું તને જીત અપાવીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપી દઈશ.+ બાકીના માણસોને ઘરે મોકલી દે.” ૮  ગિદિયોને ૩૦૦ માણસોને પોતાની પાસે રાખ્યા. તેઓએ ઇઝરાયેલના બાકીના માણસો પાસેથી ખોરાક અને રણશિંગડાં લઈ લીધાં અને તેઓને પાછા મોકલી દીધા. નીચે આવેલા મેદાનમાં મિદ્યાનીઓની છાવણી હતી.+ ૯  એ રાતે યહોવાએ ગિદિયોનને કહ્યું: “ઊઠ, મિદ્યાનીઓ પર હુમલો કર, કેમ કે મેં તેઓને તારા હાથમાં સોંપી દીધા છે.+ ૧૦  પણ હુમલો કરવાનો ડર લાગતો હોય તો, તારા સેવક પુરાહને લઈને નીચે દુશ્મનોની છાવણી પાસે જા. ૧૧  તેઓની વાતો સાંભળ અને તને છાવણી પર હુમલો કરવાની હિંમત મળશે.” એટલે ગિદિયોન પોતાના સેવક પુરાહ સાથે નીચે દુશ્મનોની છાવણી પાસે ગયો. ૧૨  મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વના લોકો+ આખા મેદાનમાં તીડોનાં ટોળાંની જેમ પથરાયેલાં હતાં. તેઓનાં ઊંટો ગણ્યાં ગણાય નહિ એટલાં,+ અરે સમુદ્ર કિનારાની રેતી જેટલાં હતાં. ૧૩  ગિદિયોન છાવણી પાસે આવ્યો ત્યારે, એક માણસ પોતાના મિત્ર સાથે વાત કરતો હતો: “મેં એક સપનું જોયું. જવની એક રોટલી ગબડતી ગબડતી મિદ્યાનીઓની છાવણીમાં આવી. એ એક તંબુ સાથે એવી અથડાઈ કે તંબુ તૂટી પડ્યો.+ એણે તંબુને એવો ઊથલાવી નાખ્યો કે એ જમીનદોસ્ત થઈ ગયો.” ૧૪  એ સાંભળીને તેનો મિત્ર બોલ્યો: “એ તો ઇઝરાયેલી યોઆશના દીકરા ગિદિયોનની તલવાર છે.+ ઈશ્વરે મિદ્યાનીઓને અને તેઓની છાવણીને તેના હાથમાં સોંપ્યા છે.”+ ૧૫  એ માણસનું સપનું અને એનો અર્થ સાંભળીને+ ગિદિયોને તરત ઘૂંટણિયે પડીને ઈશ્વરની ભક્તિ કરી. તે ઇઝરાયેલીઓની છાવણીમાં પાછો ફર્યો અને તેઓને કહ્યું: “ઊઠો, યહોવાએ મિદ્યાનીઓને આપણા હાથમાં સોંપી દીધા છે.” ૧૬  ગિદિયોને ૩૦૦ માણસોને ત્રણ ટુકડીમાં વહેંચી દીધા. દરેકને તેણે રણશિંગડું+ અને મોટો ઘડો આપ્યાં. દરેક ઘડામાં સળગતી મશાલ હતી. ૧૭  પછી તેણે પોતાના માણસોને કહ્યું: “મને જોજો અને હું જે કરું એમ કરજો. હું છાવણી પાસે જાઉં ત્યારે તમારે પણ એમ જ કરવું. ૧૮  જ્યારે હું અને મારી સાથેના બધા માણસો રણશિંગડાં વગાડીએ, ત્યારે તમે પણ છાવણીની ચારે બાજુ રણશિંગડાં વગાડજો. તમે પોકારી ઊઠજો: ‘યહોવાની અને ગિદિયોનની તલવાર!’” ૧૯  લગભગ મધરાત થવા આવી હતી.* મિદ્યાનીઓની છાવણીમાં ચોકીદારોની ટુકડી હમણાં જ બદલાઈ હતી. એવામાં ગિદિયોન અને તેના ૧૦૦ માણસો છાવણી પાસે આવી પહોંચ્યા. તેઓએ રણશિંગડાં વગાડ્યાં+ અને પોતાના હાથમાંના મોટા ઘડા ફોડી નાખ્યા.+ ૨૦  ત્રણેય ટુકડીઓએ રણશિંગડાં વગાડ્યાં અને મોટા ઘડા ફોડી નાખ્યા. તેઓએ પોતાના ડાબા હાથે મશાલો પકડી અને જમણા હાથે રણશિંગડાં વગાડ્યાં. તેઓ મોટેથી પોકારી ઊઠ્યા: “યહોવાની અને ગિદિયોનની તલવાર!” ૨૧  એ સમય દરમિયાન તેઓ છાવણી ફરતે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા. મિદ્યાનીઓ છાવણીમાં નાસભાગ અને બૂમાબૂમ કરવા લાગ્યા.+ ૨૨  ગિદિયોનના ૩૦૦ માણસો રણશિંગડાં વગાડતા રહ્યા. યહોવાએ દુશ્મનોની તલવાર એકબીજા સામે કરીને તેઓને લડાવી માર્યા.+ તેઓના સૈનિકો છેક સરેરાહ તરફ આવેલા બેથ-શિટ્ટાહ સુધી નાસી છૂટ્યા; ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાહની+ હદ સુધી તેઓ ભાગી ગયા. ૨૩  નફતાલી, આશેર અને મનાશ્શાનાં કુળોમાંથી+ ઇઝરાયેલના માણસોને ભેગા કરવામાં આવ્યા અને તેઓએ મિદ્યાનીઓનો પીછો કર્યો. ૨૪  ગિદિયોને એફ્રાઈમના આખા પહાડી વિસ્તારમાં સંદેશવાહકો મોકલ્યા અને કહ્યું: “મિદ્યાનીઓ પર હુમલો કરો. તેઓ બેથ-બારાહ અને યર્દન નદીએ પહોંચે એ પહેલાં તમે પહોંચી જાઓ. નદીના ઘાટ પાસે માણસો ઊભા રાખો, જેથી તેઓ નદી પાર ન કરે.” એટલે એફ્રાઈમના બધા માણસો ભેગા થયા. તેઓએ બેથ-બારાહ અને યર્દન નદી પાસેના ઘાટ કબજે કરી લીધા. ૨૫  તેઓએ મિદ્યાનીઓના બે મુખીઓ ઓરેબ અને ઝએબને પણ પકડ્યા. તેઓએ ઓરેબને એક મોટા પથ્થર પર મારી નાખ્યો, જે પછીથી ઓરેબનો પથ્થર કહેવાયો.+ તેઓએ ઝએબને એક દ્રાક્ષાકુંડ પાસે મારી નાખ્યો, જે પછીથી ઝએબનો દ્રાક્ષાકુંડ કહેવાયો. તેઓ મિદ્યાનીઓનો પીછો કરતા રહ્યા.+ ઓરેબ અને ઝએબનાં માથાં તેઓ યર્દનના વિસ્તારમાં ગિદિયોન પાસે લાવ્યા.

ફૂટનોટ

મૂળ, “જે માણસો કૂતરાની જેમ જીભ લખલખાવીને પાણી પીએ.”
મૂળ, “મધરાતનો પહોર શરૂ થયો હતો.” આશરે રાતના ૧૦:૦૦થી આશરે સવારના ૨:૦૦નો સમય.