ન્યાયાધીશો ૯:૧-૫૭

  • અબીમેલેખ શખેમમાં રાજા બને છે (૧-૬)

  • યોથામે આપેલું ઉદાહરણ (૭-૨૧)

  • અબીમેલેખનું હિંસક રાજ (૨૨-૩૩)

  • શખેમ પર અબીમેલેખ હુમલો કરે છે (૩૪-૪૯)

  • એક સ્ત્રી અબીમેલેખને ઘાયલ કરે છે અને તે મરી જાય છે (૫૦-૫૭)

 સમય જતાં, યરૂબ્બઆલનો* દીકરો અબીમેલેખ+ શખેમમાં પોતાના મામાઓને ત્યાં ગયો. તેણે તેઓને અને નાનાજીના* આખા કુટુંબને કહ્યું: ૨  “શખેમના બધા આગેવાનોને* પૂછી જુઓ: ‘તમે શું પસંદ કરશો, તમારા પર યરૂબ્બઆલના ૭૦ દીકરાઓ+ રાજ કરે કે પછી એક જ માણસ રાજ કરે? ભૂલતા નહિ, હું તમારો જ સગો છું.’”* ૩  અબીમેલેખના મામાઓએ તેની આ વાત શખેમના બધા આગેવાનોને જણાવી. અબીમેલેખની વાત તેઓના ગળે ઊતરી ગઈ,* કેમ કે તેઓએ વિચાર્યું: “તે આપણો જ ભાઈ છે.” ૪  તેઓએ તેને બઆલ-બરીથના મંદિરમાંથી+ ચાંદીના ૭૦ ટુકડા આપ્યા. એનાથી અબીમેલેખે પોતાના માટે નકામા અને ઉદ્ધત માણસો રોક્યા. ૫  પછી તે પોતાના પિતાના ઘરે ઓફ્રાહ ગયો.+ ત્યાં તેણે પોતાના ભાઈઓ, એટલે કે યરૂબ્બઆલના ૭૦ દીકરાઓને એક જ પથ્થર પર મારી નાખ્યા.+ પણ યરૂબ્બઆલનો સૌથી નાનો દીકરો યોથામ સંતાઈ ગયો હોવાથી બચી ગયો. ૬  પછી શખેમના બધા આગેવાનો અને બેથ-મિલ્લોના બધા લોકો ભેગા થયા. તેઓએ શખેમના મોટા ઝાડ પાસે આવેલા સ્તંભ નજીક અબીમેલેખને રાજા બનાવ્યો.+ ૭  યોથામને આ વાતની ખબર પડી. તેણે તરત જ ગરીઝીમ પર્વતની ટોચ પર જઈને+ તેઓને મોટા અવાજે કહ્યું: “ઓ શખેમના આગેવાનો, મારી વાત સાંભળો, પછી ઈશ્વર પણ તમારી વાત સાંભળશે. ૮  “એકવાર બધાં વૃક્ષો પોતાના માટે કોઈ રાજા પસંદ કરવાં ગયાં. તેઓએ જૈતૂનના વૃક્ષને કહ્યું: ‘અમારા પર રાજ કર.’+ ૯  પણ જૈતૂનના વૃક્ષે તેઓને કહ્યું: ‘મારું તેલ છોડીને હું શું કામ બીજાં વૃક્ષો પર રાજ કરું?* મારું તેલ તો ઈશ્વર અને માણસોને મહિમા આપવા વપરાય છે.’ ૧૦  પછી બધાં વૃક્ષો જઈને અંજીરીને કહેવા લાગ્યા: ‘આવ અને અમારા પર રાજ કર.’ ૧૧  પણ અંજીરીએ તેઓને કહ્યું: ‘મારી મીઠાશ અને સારાં ફળો જતાં કરીને હું શું કામ બીજાં વૃક્ષો પર રાજ કરું?’ ૧૨  હવે બધાં વૃક્ષો દ્રાક્ષાવેલાને કહેવા લાગ્યા: ‘આવ અને અમારા પર રાજ કર.’ ૧૩  દ્રાક્ષાવેલાએ તેઓને જવાબ આપ્યો: ‘મારો નવો દ્રાક્ષદારૂ આપવાનું બંધ કરીને હું શું કામ બીજાં વૃક્ષો પર રાજ કરું? મારો દ્રાક્ષદારૂ તો ઈશ્વર અને માણસોને ખુશ કરે છે.’ ૧૪  છેવટે ઝાંખરા પાસે જઈને બધાં વૃક્ષોએ કહ્યું: ‘આવ અને અમારા પર રાજ કર.’+ ૧૫  એ સાંભળીને ઝાંખરાએ વૃક્ષોને કહ્યું: ‘જો તમે મને ખરેખર તમારો રાજા બનાવતા હોવ, તો આવો અને મારી છાયામાં આશરો લો. જો એમ નહિ કરો, તો મારામાંથી આગ નીકળીને લબાનોનના દેવદારનાં વૃક્ષોને ભસ્મ કરી નાખશે.’ ૧૬  “હવે વિચારો, અબીમેલેખને રાજા બનાવીને શું તમે સચ્ચાઈથી વર્ત્યા છો?+ શું તમે બરાબર કર્યું છે? શું તમે યરૂબ્બઆલને યોગ્ય માન આપ્યું છે? તેમને અને તેમના ઘરનાઓને ભલાઈ બતાવી છે? ૧૭  મારા પિતા તમારા માટે લડ્યા,+ તમને મિદ્યાનીઓના પંજામાંથી છોડાવવા તેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.+ ૧૮  હવે તમે મારા પિતાના ઘર વિરુદ્ધ ઊભા થયા છો. તેમના ૭૦ દીકરાઓને તમે એક પથ્થર પર મારી નાખ્યા છે.+ તેમની દાસીના દીકરા અબીમેલેખને+ તમે શખેમના આગેવાનો પર રાજા બનાવી દીધો છે, ફક્ત એટલા માટે કે તે તમારો ભાઈ છે. ૧૯  જો આજે તમે યરૂબ્બઆલ અને તેમના ઘરનાઓ સાથે સચ્ચાઈથી વર્ત્યા હોવ અને એ યોગ્ય હોય, તો અબીમેલેખ માટે ખુશી મનાવો; તે પણ તમારા માટે ખુશી મનાવે. ૨૦  જો એમ ન હોય, તો અબીમેલેખમાંથી આગ પ્રગટીને શખેમના આગેવાનોને અને બેથ-મિલ્લોને ભસ્મ કરી નાખે.+ શખેમના આગેવાનો અને બેથ-મિલ્લોમાંથી આગ પ્રગટીને અબીમેલેખને ભસ્મ કરી નાખે.”+ ૨૧  પછી યોથામ+ ત્યાંથી બએર નાસી છૂટ્યો. તે પોતાના ભાઈ અબીમેલેખના ડરને લીધે ત્યાં જ રહ્યો. ૨૨  અબીમેલેખે ઇઝરાયેલ પર ત્રણ વર્ષ રાજ કર્યું. ૨૩  પછી ઈશ્વરે અબીમેલેખ અને શખેમના આગેવાનો વચ્ચે દુશ્મની થવા દીધી અને એ આગેવાનો અબીમેલેખ સાથે કપટથી વર્તવા લાગ્યા. ૨૪  આવું એટલા માટે થયું, જેથી યરૂબ્બઆલના ૭૦ દીકરાઓના લોહીનો બદલો લેવામાં આવે; એનો દોષ તેઓના ભાઈ, ખૂની અબીમેલેખ પર+ અને તેને સાથ આપનારા શખેમના આગેવાનો પર આવે. ૨૫  શખેમના આગેવાનોએ અબીમેલેખને ફસાવવા પહાડ પર અમુક માણસોને છુપાવી રાખ્યા. તેઓ એ રસ્તે આવતાં-જતાં લોકોને લૂંટી લેતા. સમય જતાં, એ વિશે અબીમેલેખને ખબર પડી. ૨૬  પછી એબેદનો દીકરો ગાઆલ તેના ભાઈઓ સાથે શખેમ જઈ પહોંચ્યો.+ તેણે શખેમના આગેવાનોનો વિશ્વાસ જીતી લીધો. ૨૭  આગેવાનોએ ખેતરમાં જઈને પોતાની દ્રાક્ષાવાડીઓમાંથી દ્રાક્ષો ઉતારી. તેઓએ શરાબ બનાવવા એને ખૂંદી અને ઉજવણી રાખી. તેઓ પોતાના દેવના મંદિરમાં ગયા.+ તેઓએ ખાધું-પીધું અને અબીમેલેખને શ્રાપ દીધો. ૨૮  એબેદના દીકરા ગાઆલે કહ્યું: “યરૂબ્બઆલનો+ દીકરો અબીમેલેખ કોણ? તેના હાથ નીચે કામ કરતો શખેમનો અમલદાર ઝબૂલ કોણ? તેઓ કોણ કે અમે તેઓની ગુલામી કરીએ? જો ચાકરી કરવી હોય, તો શખેમના પિતા હમોરના માણસોની કરીએ. પણ અમે અબીમેલેખની ગુલામી શું કામ કરીએ? ૨૯  કાશ, આ લોકો મારું સાંભળે, તો હું અબીમેલેખને સત્તા પરથી હટાવી દઉં.” તેણે અબીમેલેખને પડકાર ફેંક્યો: “તારી સેનામાં થાય એટલો વધારો કર અને મેદાનમાં આવી જા.” ૩૦  શહેરના આગેવાન ઝબૂલે એબેદના દીકરા ગાઆલના શબ્દો સાંભળ્યા ત્યારે, તેનો ગુસ્સો આસમાને ચઢી ગયો. ૩૧  તેણે છૂપી રીતે* અબીમેલેખ પાસે આ સંદેશો લઈને માણસો મોકલ્યા: “જુઓ! એબેદનો દીકરો ગાઆલ અને તેના ભાઈઓ હમણાં શખેમમાં છે. તેઓ શહેરને તમારી વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે. ૩૨  હવે તમે અને તમારા માણસો રાતોરાત આવી પહોંચો અને શહેરની બહાર સંતાઈ રહો. ૩૩  સવારે સૂર્ય ઊગતાં જ તમે વહેલા ઊઠીને શહેર પર હુમલો કરજો. જ્યારે ગાઆલ અને તેના માણસો તમારી સામે લડવા આવે, ત્યારે તેને કોઈ પણ હિસાબે હરાવી દેજો.” ૩૪  અબીમેલેખ અને તેની સાથેના બધા લોકો રાતોરાત નીકળી પડ્યા. તેઓ ચાર ટુકડીઓમાં વહેંચાઈ ગયા અને શખેમ બહાર ટાંપીને બેઠા. ૩૫  એબેદનો દીકરો ગાઆલ જ્યારે બહાર નીકળીને શહેરના દરવાજા આગળ ઊભો રહ્યો, ત્યારે અબીમેલેખ અને તેની સાથે છુપાયેલા લોકો બહાર આવ્યા. ૩૬  ગાઆલે લોકોને જોયા ત્યારે તેણે ઝબૂલને કહ્યું: “જો તો ખરો! પહાડ પરથી લોકો નીચે આવી રહ્યા છે.” પણ ઝબૂલે તેને કહ્યું: “તને તો પહાડોના પડછાયા પણ માણસો જેવા લાગે છે.” ૩૭  ગાઆલે કહ્યું: “જો ને! પહાડી વિસ્તાર વચ્ચેથી લોકો ઊતરે છે અને એક ટુકડી મેઓનનીમના મોટા ઝાડને રસ્તે થઈને આવે છે.” ૩૮  ઝબૂલે તેને જવાબ આપ્યો: “હવે તારી બડાઈ ક્યાં ગઈ? તું હોશિયારી મારતો હતો ને, ‘અબીમેલેખ કોણ કે અમે તેની ગુલામી કરીએ?’+ શું તું તેઓની વિરુદ્ધ બોલ્યો ન હતો? તો હવે ઊતરી પડ મેદાનમાં અને કર લડાઈ!” ૩૯  એટલે શખેમના આગેવાનોને લઈને ગાઆલ નીકળી પડ્યો અને અબીમેલેખ વિરુદ્ધ લડાઈ કરી. ૪૦  અબીમેલેખે તેનો પીછો કર્યો અને ગાઆલ તેની આગળથી નાસી છૂટ્યો. શહેરના દરવાજા સુધી ઘણાની કતલ થઈ. ૪૧  અબીમેલેખ અરૂમાહમાં રહ્યો. ઝબૂલે+ ગાઆલ અને તેના ભાઈઓને શખેમમાંથી કાઢી મૂક્યા. ૪૨  બીજા દિવસે લોકો શહેરની બહાર નીકળ્યા અને અબીમેલેખને એની જાણ કરવામાં આવી. ૪૩  તેણે પોતાના સાથીઓને ત્રણ ટુકડીઓમાં વહેંચી દીધા અને તે શહેરની બહાર સંતાઈને બેઠો. શહેરમાંથી લોકો જેવા બહાર નીકળ્યા કે તરત તેણે હુમલો કરીને તેઓને મારી નાખ્યા. ૪૪  અબીમેલેખ અને તેની ટુકડી આગળ વધતાં વધતાં છેક શહેરના દરવાજે આવી પહોંચ્યા. બીજી બે ટુકડીઓએ ખેતરમાંના બધા લોકો પર હુમલો કર્યો અને તેઓને મારી નાખ્યા. ૪૫  અબીમેલેખ આખો દિવસ એ શહેર સામે લડ્યો અને એને કબજે કરી લીધું. તેણે એમાંના લોકોને મારી નાખ્યા અને શહેર તોડી પાડ્યું.+ પછી એમાં મીઠું છંટાવી દીધું. ૪૬  શખેમના કિલ્લાના બધા આગેવાનોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તરત જ એલ-બરીથના મંદિરના+ ભોંયરામાં સંતાઈ ગયા. ૪૭  અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લામાં રહેતા બધા આગેવાનો એક જગ્યાએ ભેગા થયા છે. ૪૮  તરત અબીમેલેખ અને તેના માણસો સાલ્મોન પર્વત પર ગયા. તેણે પોતાના હાથમાં કુહાડો લીધો અને ઝાડની એક ડાળી કાપી. એ ડાળી તેણે ખભા પર ઊંચકી અને તેની સાથેના લોકોને કહ્યું: “મેં જે કર્યું એ તમે જોયું છે. તમે પણ એવું જ કરો, જલદી કરો!” ૪૯  બધા લોકોએ પણ ડાળીઓ કાપી અને અબીમેલેખની પાછળ પાછળ ગયા. તેઓએ ભોંયરા પર ડાળીઓનો ઢગલો કર્યો અને આગ ચાંપી. શખેમના કિલ્લામાં રહેતા બધા લોકો, આશરે ૧,૦૦૦ સ્ત્રી-પુરુષો માર્યાં ગયાં. ૫૦  એ પછી અબીમેલેખ તેબેસ ગયો. તેણે તેબેસ સામે છાવણી નાખી અને એને કબજે કર્યું. ૫૧  એ શહેરની વચ્ચે એક મજબૂત કિલ્લો હતો. શહેરનાં બધાં સ્ત્રી-પુરુષો અને તેઓના આગેવાનો ત્યાં નાસી છૂટ્યાં. તેઓએ કિલ્લાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને એના ધાબા પર ચઢી ગયા. ૫૨  અબીમેલેખ કિલ્લા સુધી પહોંચી ગયો અને એના પર હુમલો કર્યો. કિલ્લાને આગ લગાડવા તે એના દરવાજા પાસે ગયો. ૫૩  એવામાં એક સ્ત્રીએ ઉપરથી અબીમેલેખના માથા પર ઘંટીનું ઉપલું પડ નાખ્યું અને તેની ખોપરી ફોડી નાખી.+ ૫૪  અબીમેલેખે પોતાનાં હથિયાર ઊંચકનાર ચાકરને તરત બોલાવ્યો અને કહ્યું: “તારી તલવાર કાઢ અને મને મારી નાખ. લોકો મારા વિશે એમ ન કહે કે ‘એક સ્ત્રીએ તેને મારી નાખ્યો.’” ચાકરે પોતાની તલવાર તેની આરપાર ઉતારી દીધી અને તે મરણ પામ્યો. ૫૫  ઇઝરાયેલના માણસોએ જોયું કે અબીમેલેખ મરી ગયો છે, એટલે તેઓ બધા પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા. ૫૬  અબીમેલેખે પોતાના ૭૦ ભાઈઓને મારી નાખીને પોતાના પિતા સામે જે ઘોર પાપ કર્યું હતું, એનો ઈશ્વરે બદલો લીધો.+ ૫૭  ઈશ્વરે શખેમના માણસોને પણ તેઓની દુષ્ટતાની સજા કરી. તેઓ વિશે યરૂબ્બઆલના+ દીકરા યોથામનો શ્રાપ+ સાચો પડ્યો.

ફૂટનોટ

એટલે કે, માના પિતા.
એટલે કે, ગિદિયોન.
અથવા કદાચ, “જમીનદારોને.”
મૂળ, “હું તમારું હાડ-માંસ છું.”
મૂળ, “તેઓનાં દિલ અબીમેલેખ તરફ ઢળ્યાં.”
મૂળ, “આમતેમ ઝોલાં ખાઉં.”
અથવા, “કપટી રીતે.”