પુનર્નિયમ ૧:૧-૪૬

  • હોરેબ પર્વતથી નીકળવું (૧-૮)

  • મુખીઓ અને ન્યાયાધીશો ઠરાવવામાં આવ્યા (૯-૧૮)

  • કાદેશ-બાર્નેઆમાં આજ્ઞા ન માની (૧૯-૪૬)

    • દેશમાં પ્રવેશવાનો ઇઝરાયેલનો નકાર (૨૬-૩૩)

    • કનાન સામે હાર (૪૧-૪૬)

 ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં* હતા ત્યારે મૂસાએ તેઓને આ વાતો જણાવી. એ વેરાન પ્રદેશ સૂફની સામે અને પારાન, તોફેલ, લાબાન, હસેરોથ અને દી-ઝાહાબની વચ્ચે આવેલા યર્દન પાસે હતો. ૨  (સેઈર પર્વતને રસ્તે હોરેબથી કાદેશ-બાર્નેઆ+ જતા ૧૧ દિવસ લાગે છે.) ૩  ઇજિપ્તથી* નીકળ્યા એના ૪૦મા વર્ષના+ ૧૧મા મહિનાના પહેલા દિવસે મૂસાએ ઇઝરાયેલીઓને* એ બધી વાતો કહી, જે કહેવાની યહોવાએ* તેને આજ્ઞા આપી હતી. ૪  એ પહેલાં મૂસાએ હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનને+ હરાવ્યો હતો અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને+ એડ્રેઈમાં*+ હરાવ્યો હતો. ૫  મોઆબ દેશમાં યર્દનના વિસ્તારમાં મૂસાએ ઈશ્વરના નિયમો વિશે સમજાવતા કહ્યું:+ ૬  “આપણા ઈશ્વર યહોવાએ હોરેબમાં કહ્યું હતું, ‘આ પહાડી વિસ્તારમાં તમે ઘણો સમય રહ્યા છો.+ ૭  હવે આગળ વધો અને અમોરીઓના+ પહાડી વિસ્તારમાં જાઓ. આસપાસમાં આવેલા અરાબાહ,+ પહાડી વિસ્તાર, શેફેલાહ, નેગેબ અને સમુદ્ર કાંઠાના+ વિસ્તારોમાં પણ જાઓ. કનાનીઓના દેશ સુધી જાઓ. છેક લબાનોન*+ અને મોટી નદી યુફ્રેટિસ*+ સુધી જાઓ. ૮  એ આખો દેશ મેં તમને આપ્યો છે. જાઓ, એ દેશ કબજે કરો. યહોવાએ તમારા બાપદાદાઓ ઇબ્રાહિમ, ઇસહાક+ અને યાકૂબ+ આગળ સમ ખાઈને કહ્યું હતું કે, એ દેશ તેઓને અને તેઓના વંશજને આપશે.’+ ૯  “એ સમયે મેં તમને કહ્યું હતું, ‘હું એકલા હાથે તમારો બોજ ઉપાડી શકું એમ નથી.+ ૧૦  યહોવા તમારા ઈશ્વરે તમારી સંખ્યા ઘણી વધારી છે. હા, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી અગણિત છે.+ ૧૧  જેમ તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ વચન આપ્યું હતું, તેમ તે તમારી સંખ્યા હજાર ગણી વધારે+ અને તમને આશીર્વાદ આપે.+ ૧૨  હું એકલો કઈ રીતે તમારો બોજ ઉપાડી શકું? હું તમારી સમસ્યાઓ અને તકરારો હલ કરી શકું એમ નથી.+ ૧૩  એટલે તમારાં કુળોમાંથી બુદ્ધિમાન, સમજુ અને અનુભવી પુરુષો પસંદ કરો. હું તેઓને તમારા પર ઉપરીઓ ઠરાવીશ.’+ ૧૪  ત્યારે તમે કહ્યું હતું, ‘તમારી વાત બરાબર છે. અમે એ પ્રમાણે જ કરીશું.’ ૧૫  એટલે મેં તમારાં કુળોના વડાને પસંદ કર્યા, જેઓ બુદ્ધિમાન અને અનુભવી હતા. મેં તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસનાં ટોળાં પર મુખીઓ અને કુળોના ઉપરીઓ બનાવ્યા.+ ૧૬  “એ સમયે મેં તમારા ન્યાયાધીશોને* આજ્ઞા આપી હતી, ‘જ્યારે તમારા ભાઈઓ તમારી આગળ મુકદ્દમો રજૂ કરે, ત્યારે તમે અદ્દલ ન્યાય કરો,+ પછી ભલે એ બે ઇઝરાયેલીઓ વચ્ચે હોય કે ઇઝરાયેલી અને તમારી સાથે રહેતા પરદેશી વચ્ચે હોય.+ ૧૭  ન્યાય કરો ત્યારે તમે પક્ષપાત ન કરો.+ જેમ તમે મોટા માણસની વાત સાંભળો છો, તેમ નાના માણસની પણ વાત સાંભળો.+ તમે માણસોનો ડર ન રાખો,+ કેમ કે તમે ઈશ્વર તરફથી ન્યાય કરો છો.+ જો કોઈ મુકદ્દમો ખૂબ અઘરો લાગે, તો તમે એ મારી પાસે લાવજો અને હું એ સાંભળીશ.’+ ૧૮  એ જ સમયે મેં જણાવી દીધું હતું કે તમારે શું કરવું જોઈએ. ૧૯  “પછી યહોવા આપણા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબથી નીકળ્યા. અમોરીઓના+ પહાડી વિસ્તાર સુધી જવા આપણે વિશાળ અને ભયાનક વેરાન પ્રદેશમાંથી પસાર થયા.+ એ પ્રદેશ તમે પોતાની આંખે જોયો હતો. આખરે, આપણે કાદેશ-બાર્નેઆ+ આવી પહોંચ્યા. ૨૦  ત્યારે મેં તમને કહ્યું હતું: ‘તમે અમોરીઓના પહાડી વિસ્તારમાં આવી પહોંચ્યા છો, જે આપણા ઈશ્વર યહોવા આપણને આપવાના છે. ૨૧  જુઓ, યહોવા તમારા ઈશ્વરે આ દેશ તમને આપ્યો છે. તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ તમને કહ્યું છે તેમ, જાઓ અને એ દેશ કબજે કરો.+ ગભરાશો નહિ કે ડરશો નહિ.’ ૨૨  “પણ તમે બધાએ મારી પાસે આવીને કહ્યું, ‘ચાલો અમુક માણસોને આપણી આગળ મોકલીએ. તેઓ દેશની તપાસ કરે અને પાછા આવીને જણાવે કે આપણે કયા રસ્તે આગળ વધવું જોઈએ અને કેવાં કેવાં શહેરોનો સામનો કરવો પડશે.’+ ૨૩  એ સૂચન મને સારું લાગ્યું. મેં દરેક કુળમાંથી એક માણસ, એટલે કે તમારામાંથી ૧૨ માણસો પસંદ કર્યા.+ ૨૪  તેઓ પહાડી વિસ્તારમાં+ ગયા અને એશ્કોલની ખીણે પહોંચીને દેશની જાસૂસી કરી. ૨૫  તેઓ એ દેશનાં અમુક ફળ ભેગાં કરીને આપણી પાસે લઈ આવ્યા. તેઓએ આપણને સંદેશો આપ્યો, ‘યહોવા આપણા ઈશ્વર જે દેશ આપણને આપવાના છે, એ ઉત્તમ છે.’+ ૨૬  પણ તમે ત્યાં જવાની ના પાડી અને તમારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને બંડ પોકાર્યું.+ ૨૭  તમે તમારા તંબુઓમાં કચકચ કરવા લાગ્યા, ‘યહોવા આપણને ધિક્કારે છે, એટલે જ તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી અમોરીઓના હાથમાં સોંપીને આપણો નાશ કરે. ૨૮  બાપ રે! આપણે કેવા દેશમાં જઈ રહ્યા છીએ? આપણા ભાઈઓની વાતો સાંભળીને આપણી હિંમત તૂટી ગઈ છે,+ તેઓ કહે છે, “ત્યાંના લોકો આપણાથી પણ વધારે બળવાન અને કદાવર છે. તેઓનાં શહેરો ખૂબ મોટાં છે અને શહેરનો કોટ ગગનચુંબી છે.+ અમે ત્યાં અનાકીઓના*+ દીકરાઓને પણ જોયા.”’ ૨૯  “મેં તમને કહ્યું, ‘તેઓથી ડરશો નહિ કે ગભરાશો નહિ.+ ૩૦  તમારા ઈશ્વર યહોવા તમારી આગળ જશે અને તમારા માટે લડશે,+ જેમ તેમણે તમારા દેખતાં ઇજિપ્તમાં કર્યું હતું.+ ૩૧  તમે વેરાન પ્રદેશમાં જોયું હતું કે તમારા ઈશ્વર યહોવાએ તમારી કેવી સંભાળ રાખી હતી. જેમ એક પિતા પોતાના દીકરાને ગોદમાં ઊંચકી લે છે, તેમ આખી મુસાફરીમાં ઈશ્વર તમને ગોદમાં ઊંચકીને આ જગ્યાએ સહીસલામત લઈ આવ્યા.’ ૩૨  છતાં, તમે યહોવા તમારા ઈશ્વર પર ભરોસો મૂક્યો નહિ.+ ૩૩  તે તમારી આગળ આગળ ચાલતા હતા અને તમારા પડાવ માટે જગ્યા શોધતા હતા. રાતે અગ્‍નિના સ્તંભથી અને દિવસે વાદળના સ્તંભથી તે તમને માર્ગ બતાવતા હતા.+ ૩૪  “તમારી કચકચ સાંભળીને યહોવા ખૂબ ગુસ્સે ભરાયા અને તેમણે સમ ખાઈને કહ્યું,+ ૩૫  ‘મેં તમારા બાપદાદાઓને ઉત્તમ દેશ આપવાના સમ ખાધા હતા. પણ આ દુષ્ટ પેઢીનો એકેય માણસ એ દેશ જોશે નહિ.+ ૩૬  ફક્ત યફૂન્‍નેહનો દીકરો કાલેબ એ દેશમાં જશે. જે જમીન પર તેના પગ પડ્યા છે, એ હું તેને અને તેના દીકરાઓને આપીશ, કેમ કે તે પૂરા દિલથી* યહોવાની પાછળ ચાલ્યો છે.+ ૩૭  (તમારા લીધે યહોવા મારા પર પણ ગુસ્સે ભરાયા અને મને કહ્યું, “તું પણ એ દેશમાં નહિ જાય.+ ૩૮  નૂનનો દીકરો યહોશુઆ, જે તારો સેવક છે,*+ તે એ દેશમાં જશે.+ તેને હિંમત આપ,*+ કેમ કે તે ઇઝરાયેલીઓને દેશનો વારસો અપાવશે.”) ૩૯  જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે+ તેઓ પણ એ દેશમાં જશે. તમારા એ દીકરાઓ હમણાં સારું-નરસું જાણતા નથી પણ એ દેશ હું તેઓના કબજામાં સોંપીશ.+ ૪૦  હવે તમે લોકો પાછા ફરો અને લાલ સમુદ્રના રસ્તે વેરાન પ્રદેશમાં જાઓ.’+ ૪૧  “ત્યારે તમે મને કહ્યું, ‘અમે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. હવે અમે અમારા ઈશ્વર યહોવાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવા ઉપર જઈશું!’ તમે બધાએ યુદ્ધનાં હથિયારો સજી લીધાં અને વિચાર્યું કે પહાડ ચઢીને યુદ્ધ કરવું સહેલું હશે.+ ૪૨  પણ યહોવાએ મને કહ્યું, ‘તેઓને જણાવ: “યુદ્ધ કરવા ઉપર જશો નહિ, કેમ કે હું તમારી સાથે નથી.+ જો તમે જશો, તો તમારા દુશ્મનો સામે હારી જશો.”’ ૪૩  મેં તમને એ જણાવ્યું, પણ તમે મારું સાંભળ્યું નહિ. તમે ઘમંડી બનીને યહોવાની આજ્ઞા વિરુદ્ધ ગયા અને પહાડ ચઢવા લાગ્યા. ૪૪  એ પહાડ પર રહેતા અમોરીઓ નીકળી આવ્યા. તેઓએ મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને તમને સેઈરમાં છેક હોર્માહ સુધી નસાડી મૂક્યા. ૪૫  તમે પાછા ફર્યા અને યહોવા આગળ વિલાપ કરવા લાગ્યા. પણ યહોવાએ તમારું સાંભળ્યું નહિ કે તમારી તરફ ધ્યાન આપ્યું નહિ. ૪૬  તમે લાંબો સમય કાદેશમાં જ રહ્યા.

ફૂટનોટ

અથવા, “અરાબાહમાં.”
અથવા, “મિસરથી.”
મૂળ, “ઇઝરાયેલના દીકરાઓને.”
અથવા, “આશ્તારોથમાં અને એડ્રેઈમાં રહેતા બાશાનના રાજા ઓગને.”
અથવા, “ફ્રાત.”
દેખીતું છે, એ લબાનોન પર્વતમાળાને બતાવે છે.
રાક્ષસી કદના અને મજબૂત લોકો.
મૂળ, “પૂરેપૂરી રીતે; સંપૂર્ણ રીતે.”
અથવા કદાચ, “ઈશ્વરે તેને હિંમત આપી છે.”
મૂળ, “જે તારી સામે ઊભો છે.”