પુનર્નિયમ ૧૧:૧-૩૨

  • યહોવાએ કરેલાં મોટાં મોટાં કામો તમે જોયાં છે (૧-૭)

  • વચનનો દેશ (૮-૧૨)

  • આજ્ઞા પાળવાથી મળતા આશીર્વાદ (૧૩-૧૭)

  • ઈશ્વરના શબ્દો દિલમાં સંઘરી રાખો (૧૮-૨૫)

  • “આશીર્વાદ અને શ્રાપ” (૨૬-૩૨)

૧૧  “તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરો.+ તેમનાં સૂચનો, આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો હંમેશાં પાળો. ૨  તમે જાણો છો કે આજે હું તમારી સાથે વાત કરું છું, તમારા દીકરાઓ સાથે નહિ, કેમ કે તેઓએ યહોવા તમારા ઈશ્વરની શિસ્તને,*+ તેમની મહાનતાને,+ તેમના શક્તિશાળી+ અને બળવાન હાથને ક્યારેય જોયાં નથી કે એનો અનુભવ કર્યો નથી. ૩  ઈશ્વરે ઇજિપ્તમાં જે ચમત્કારો અને કાર્યો કર્યાં તેમજ ઇજિપ્તના રાજા ફારુન* અને તેના દેશના કેવા હાલ કર્યા, એ તમારા દીકરાઓએ જોયું નથી.+ ૪  તેઓએ એ પણ જોયું નથી કે ઈશ્વરે ઇજિપ્તના સૈન્યની, રાજાના ઘોડાઓની અને રથોની કેવી હાલત કરી હતી. તેઓ તમારો પીછો કરતા હતા ત્યારે યહોવાએ તેઓને લાલ સમુદ્રમાં ડુબાડી દીધા અને તેઓનો હંમેશ માટે નાશ કર્યો.*+ ૫  તમે આ જગ્યાએ આવી પહોંચ્યા ત્યાં સુધી ઈશ્વરે વેરાન પ્રદેશમાં તમારા માટે જે કંઈ કર્યું, એ પણ તમારા દીકરાઓએ જોયું નથી. ૬  ઈશ્વરે રૂબેન કુળના અલીઆબના દીકરાઓ દાથાન અને અબીરામના કેવા હાલ કર્યા હતા, એ પણ તેઓએ જોયું નથી. ધરતીએ પોતાનું મોં ઉઘાડ્યું હતું અને સર્વ ઇઝરાયેલીઓના દેખતાં એ બંનેને, તેઓનાં કુટુંબોને, તેઓના તંબુઓને, તેઓના લોકોને અને પ્રાણીઓને ગળી ગઈ હતી.+ ૭  પણ યહોવાએ કરેલાં મોટાં મોટાં કામો તમે નજરોનજર જોયાં છે. ૮  “હું આજે તમને જે બધી આજ્ઞાઓ આપું છું એ તમે પાળો. એમ કરશો તો, તમે બળવાન થશો, નદી પાર કરીને એ દેશ કબજે કરશો ૯  અને ત્યાં લાંબું જીવશો.+ યહોવાએ સમ ખાધા હતા કે દૂધ-મધની રેલમછેલવાળો એ દેશ+ તે તમારા બાપદાદાઓને અને તેઓના વંશજને આપશે.+ ૧૦  “તમે જે દેશને કબજે કરવા જઈ રહ્યા છો, એ ઇજિપ્ત જેવો નથી, જેમાંથી તમે બહાર નીકળી આવ્યા છો. ત્યાં તમે બી વાવ્યા પછી આકરી મહેનત કરીને પાણી સિંચતા હતા,* જેમ શાકભાજીની વાડીને સિંચવામાં આવે છે. ૧૧  પણ જે દેશ તમે કબજે કરવા જઈ રહ્યા છો, એ પર્વતો અને ખીણોનો દેશ છે.+ ત્યાંની જમીન આકાશમાંથી પડતા વરસાદનું પાણી પીએ છે.+ ૧૨  એ દેશની સંભાળ તો તમારા ઈશ્વર યહોવા પોતે રાખે છે. વર્ષની શરૂઆતથી લઈને અંત સુધી તમારા ઈશ્વર યહોવાની નજર સતત એના પર રહે છે. ૧૩  “હું આજે તમને જે આજ્ઞાઓ આપું છું, એ જો તમે ધ્યાનથી પાળશો, તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરશો અને પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની ભક્તિ કરશો,+ ૧૪  તો ઠરાવેલા સમયે તે* તમારા દેશ પર વરસાદ મોકલશે. પાનખરનો વરસાદ* અને વસંતનો વરસાદ* એના સમયે પડશે અને તમે અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલનો સંગ્રહ કરશો.+ ૧૫  તે તમારાં ઢોરઢાંક માટે મેદાનોમાં ભરપૂર ઘાસ ઉગાડશે. એ દેશમાં તમે ધરાઈને ખાશો અને તૃપ્ત થશો.+ ૧૬  સાવધ રહેજો કે તમારું દિલ લલચાઈને ભટકી ન જાય અને તમે બીજા દેવોને ભજવા અને તેઓ આગળ નમવા ન લાગો.+ ૧૭  નહિતર યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ઊઠશે. તે આકાશના દરવાજા બંધ કરી દેશે અને વરસાદ અટકી જશે.+ પછી જમીન એની પેદાશ નહિ આપે અને યહોવા તમને જે ઉત્તમ દેશ આપી રહ્યા છે, એમાંથી તમારો જલદી જ નાશ થઈ જશે.+ ૧૮  “મારી આ આજ્ઞાઓ તમારાં દિલમાં અને તમારાં મનમાં સંઘરી રાખો. તમે એ આજ્ઞાઓને યાદગીરી તરીકે હાથ પર બાંધો અને નિશાની* તરીકે કપાળ પર* લગાવો.+ ૧૯  એ આજ્ઞાઓ તમે તમારા દીકરાઓને શીખવો. જ્યારે તમે ઘરમાં બેઠા હો, રસ્તે ચાલતા હો, સૂતા હો કે ઊઠો ત્યારે એ વિશે વાત કરો.+ ૨૦  તમારા ઘરની બારસાખો પર અને શહેરના દરવાજાઓ પર એ લખો, ૨૧  જેથી જે દેશ તમારા બાપદાદાઓને આપવા વિશે યહોવાએ સમ ખાધા હતા,+ એમાં તમે અને તમારા દીકરાઓ લાંબું જીવો.+ હા, જ્યાં સુધી પૃથ્વી ઉપર આકાશ રહેશે, ત્યાં સુધી તમે એ દેશમાં જીવશો. ૨૨  “જો તમે ખંતથી મારી આજ્ઞાઓ પાળશો, તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરશો,+ તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો,+ ૨૩  તો યહોવા તમારી આગળથી બધી પ્રજાઓને હાંકી કાઢશે.+ તમે તમારા કરતાં વધારે બળવાન અને મોટી પ્રજાઓનો નાશ કરશો.+ ૨૪  તમે જે જગ્યાએ પગ મૂકશો, એ તમારી થઈ જશે.+ તમારી સરહદ વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી અને યુફ્રેટિસ નદીથી લઈને પશ્ચિમી સમુદ્ર* સુધી થશે.+ ૨૫  તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે. ૨૬  “જુઓ, આજે હું તમારી આગળ આશીર્વાદ અને શ્રાપ મૂકું છું.+ ૨૭  તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, એ તમે પાળશો તો આશીર્વાદ મળશે.+ ૨૮  પણ જો તમે તમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ નહિ પાળો અને આજે હું તમને ફરમાવું છું, એ માર્ગેથી ભટકી જશો અને જે દેવોને તમે જાણતા નથી તેઓની પાછળ જશો, તો તમારા પર શ્રાપ આવશે.+ ૨૯  “તમે જે દેશને કબજે કરવાના છો, એમાં તમારા ઈશ્વર યહોવા તમને લઈ આવે ત્યારે, તમે ગરીઝીમ પર્વત પાસે આશીર્વાદ અને એબાલ પર્વત+ પાસે શ્રાપ આપજો. ૩૦  એ પર્વતો યર્દનની પેલે પાર પશ્ચિમ તરફ* છે, ગિલ્ગાલ સામે અરાબાહમાં રહેતા કનાનીઓના દેશમાં અને મોરેહનાં મોટાં મોટાં વૃક્ષોની નજીક છે.+ ૩૧  તમે યર્દન પાર કરીને એ દેશ કબજે કરવા જઈ રહ્યા છો, જે તમારા ઈશ્વર યહોવા તમને આપી રહ્યા છે.+ જ્યારે તમે એ દેશ કબજે કરો અને એમાં રહેવા લાગો, ૩૨  ત્યારે ધ્યાનથી એ બધા નિયમો અને કાયદા-કાનૂન પાળો, જે આજે હું તમને આપી રહ્યો છું.+

ફૂટનોટ

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “અને એવો નાશ કર્યો કે આજ સુધી તેઓનું નામનિશાન રહ્યું નહિ.”
અથવા, “પોતાના પગથી સિંચાઈ કરતા હતા.” એટલે કે, તેઓ પગથી ચક્ર ફેરવીને અથવા નીક બનાવીને પાણી સિંચતા હતા.
મૂળ, “હું.” આ અને પછીની કલમોમાં એ ઈશ્વરને બતાવે છે.
અથવા, “માથાની પટ્ટી.”
મૂળ, “બે આંખોની વચ્ચે.”
એટલે કે, મોટો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.
અથવા, “સૂર્ય આથમે એ તરફ.”