પુનર્નિયમ ૧૯:૧-૨૧

  • લોહીનો દોષ અને આશ્રય શહેરો (૧-૧૩)

  • હદની નિશાની ન ખસેડવી (૧૪)

  • અદાલતમાં સાક્ષીઓ (૧૫-૨૧)

    • બે કે ત્રણ સાક્ષીની જરૂર (૧૫)

૧૯  “તમારા ઈશ્વર યહોવા તમને બીજી પ્રજાઓનો દેશ આપી રહ્યા છે. તમે તેઓને ત્યાંથી હાંકી કાઢશો અને તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓનો નાશ કરશે. તમે તેઓનાં શહેરોમાં અને ઘરોમાં વસવાટ કરશો.+ ૨  એ દેશ યહોવા તમારા ઈશ્વર તમારા કબજામાં સોંપે ત્યારે, તમે એમાં ત્રણ શહેરો અલગ કરજો.+ ૩  યહોવા તમારા ઈશ્વરે જે દેશ તમને સોંપ્યો છે, એનો વિસ્તાર તમે ત્રણ ભાગમાં વહેંચી દેજો. દરેક ભાગમાં એક શહેર અલગ કરજો અને ત્યાં જવા રસ્તાઓ બનાવજો, જેથી ખૂની ત્યાં નાસી જઈ શકે. ૪  “હવે જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે, તો તે માણસ એ શહેરમાં નાસી જાય અને પોતાનો જીવ બચાવે.+ ૫  જેમ કે, એક માણસ પોતાના સાથી જોડે જંગલમાં લાકડાં ભેગાં કરવા જાય છે. તે ઝાડ કાપવા પોતાની કુહાડી ઉપાડે છે. કુહાડી હાથામાંથી છટકીને તેના સાથીને વાગે છે અને તે મરી જાય છે. એ કિસ્સામાં, ખૂની પોતાનો જીવ બચાવવા એ શહેરોમાંથી કોઈ એકમાં નાસી જાય.+ ૬  જો શહેર બહુ દૂર હશે, તો લોહીનો બદલો લેનાર માણસ+ ગુસ્સામાં આવીને કદાચ ખૂનીનો પીછો કરે, તેને પકડી પાડે અને તેને મારી નાખે. પણ ખૂની મોતની સજાને લાયક ન હતો, કેમ કે તે પોતાના સાથીને ધિક્કારતો ન હતો.+ ૭  એટલે હું તમને આ આજ્ઞા આપું છું: ‘તમે ત્રણ શહેરો અલગ કરો.’ ૮  “જો તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ પ્રમાણે તમારી સરહદ વધારે અને તમારા બાપદાદાઓને આપેલા વચન પ્રમાણે તમને આખો દેશ આપે,+ ૯  તો પેલાં ત્રણ શહેરો ઉપરાંત તમે બીજાં ત્રણ શહેરો અલગ કરજો.+ હું આજે તમને જે બધી આજ્ઞાઓ આપું છું એ જો તમે પૂરી નિષ્ઠાથી પાળશો, યહોવા તમારા ઈશ્વરને પ્રેમ કરશો અને તેમના સર્વ માર્ગોમાં ચાલશો,+ તો જ ઈશ્વર તમને એ દેશ આપશે અને એની સરહદો વધારશે. ૧૦  આમ, યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપી રહ્યા છે, એમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું લોહી નહિ વહે+ અને તમારા પર લોહીનો દોષ નહિ લાગે.+ ૧૧  “પણ જો કોઈ માણસ પોતાના સાથીને ધિક્કારતો હોય+ અને લાગ જોઈને તેના પર જીવલેણ હુમલો કરે અને તે મરી જાય અને ખૂની કોઈ એક શહેરમાં નાસી જાય, ૧૨  તો તેના શહેરના વડીલો તેને ત્યાંથી પાછો બોલાવે અને લોહીનો બદલો લેનાર માણસના હાથમાં તેને સોંપી દે અને તે ખૂની માર્યો જાય.+ ૧૩  તમે* ખૂની પર દયા ન કરો. તમે ઇઝરાયેલમાંથી નિર્દોષ વ્યક્તિના લોહીનો દોષ દૂર કરો,+ જેથી તમારું ભલું થાય. ૧૪  “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એને તમે કબજે કરો ત્યારે, તમારા પડોશીએ મૂકેલી હદની નિશાની ન ખસેડો,+ જે પૂર્વજોએ નક્કી કરી હતી. ૧૫  “એક સાક્ષીની જુબાનીને આધારે કોઈ માણસને અપરાધી કે પાપી ન ઠરાવો.+ બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* જ વાત સાબિત થવી જોઈએ.+ ૧૬  જો કોઈ માણસ બીજા માણસને નુકસાન કરવા જૂઠી સાક્ષી આપે અને તેના પર ખોટો આરોપ મૂકે,+ ૧૭  તો એ બંને માણસોને યહોવા આગળ, યાજકો આગળ અને એ સમયે સેવા આપી રહેલા ન્યાયાધીશો આગળ રજૂ કરો.+ ૧૮  ન્યાયાધીશો પૂરેપૂરી તપાસ કરે.+ જો સાબિત થાય કે સાક્ષી આપનાર માણસ જૂઠું બોલ્યો છે અને તેણે પોતાના ભાઈ પર ખોટો આરોપ મૂક્યો છે, ૧૯  તો તેને એવી જ સજા કરો, જેવી સજા તેણે પોતાના ભાઈ પર લાવવા કાવતરું ઘડ્યું હતું.+ તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+ ૨૦  બીજા ઇઝરાયેલીઓ એ વિશે સાંભળશે અને ગભરાશે. પછી તમારામાંથી કોઈ કદી એવું દુષ્ટ કામ ફરી નહિ કરે.+ ૨૧  તમે* એવા માણસને જરાય દયા ન બતાવો.+ તમે તેની પાસેથી પૂરો બદલો લો, જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.+

ફૂટનોટ

મૂળ, “તમારી આંખ.”
મૂળ, “મોંથી.”
મૂળ, “તમારી આંખ.”