પુનર્નિયમ ૨૨:૧-૩૦

  • પડોશીના પ્રાણીની સંભાળ રાખવી (૧-૪)

  • વિરુદ્ધ જાતિની વ્યક્તિનાં કપડાં ન પહેરવાં ()

  • પ્રાણીઓને દયા બતાવો (૬, ૭)

  • ધાબા ફરતે પાળી ()

  • બે અલગ વસ્તુઓને ભેગી કરવી નહિ (૯-૧૧)

  • વસ્ત્રનાં ફૂમતાં (૧૨)

  • જાતીય સંબંધ વિશે નિયમ (૧૩-૩૦)

૨૨  “જો તમે તમારા ભાઈનો ખોવાયેલો બળદ કે ઘેટું આમતેમ ભટકતું જુઓ, તો જાણીજોઈને આંખ આડા કાન ન કરો.+ એને તમારા ભાઈ પાસે પાછું લઈ જાઓ. ૨  પણ જો તમારો ભાઈ તમારાથી ઘણે દૂર રહેતો હોય અથવા એ પ્રાણી કોનું છે એ તમે જાણતા ન હો, તો તમે એ પ્રાણીને તમારા ઘરે લઈ જાઓ અને તમારી પાસે રાખો. જ્યારે એનો માલિક એને શોધતો શોધતો તમારા ઘરે આવે, ત્યારે તમે તેને એ પ્રાણી પાછું આપી દો.+ ૩  તમારા ભાઈનું ગધેડું, વસ્ત્ર કે તેની ખોવાયેલી કોઈ પણ વસ્તુ તમને મળે તો, તમે એવું જ કરો. એને નજરઅંદાજ કરશો નહિ. ૪  “જો તમે તમારા ભાઈના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલો જુઓ, તો નજર ફેરવીને ચાલ્યા ન જાઓ. તમે એ પ્રાણીને ઊભું કરવા તમારા ભાઈને મદદ કરો.+ ૫  “સ્ત્રીએ પુરુષનાં કપડાં પહેરવાં નહિ અને પુરુષે સ્ત્રીનાં કપડાં પહેરવાં નહિ. જે કોઈ એવું કરે છે, તેને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે. ૬  “રસ્તે આવતાં-જતાં જો તમે કોઈ પક્ષીનો માળો ઝાડ પર કે જમીન પર જુઓ અને એની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, ને બચ્ચાં પર કે ઈંડાં પર માદા બેઠેલી હોય, તો તમે બચ્ચાં સાથે માદાને ન લો.+ ૭  તમે પોતાના માટે બચ્ચાં લઈ શકો, પણ માદાને છોડી દો, જેથી તમારું ભલું થાય અને તમે લાંબું જીવો. ૮  “જો તમે નવું ઘર બાંધો, તો એના ધાબા ફરતે પાળી બનાવો,+ જેથી કોઈ ધાબા પરથી પડી ન જાય અને લોહીનો દોષ તમારા કુટુંબને માથે ન આવે. ૯  “તમે તમારી દ્રાક્ષાવાડીમાં દ્રાક્ષની સાથે બીજાં કોઈ બી ન વાવો.+ નહિતર, વાડીમાં થતી દ્રાક્ષ અને તમે રોપેલાં બીની ઊપજ જપ્ત કરીને પવિત્ર જગ્યા* માટે આપી દેવામાં આવશે. ૧૦  “તમે બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કરો.+ ૧૧  “તમે ઊન અને શણ એમ બે પ્રકારના રેસાથી વણેલાં કપડાં ન પહેરો.+ ૧૨  “તમે તમારાં વસ્ત્રના ચારે ખૂણા પર ફૂમતાં લગાવો.+ ૧૩  “જો કોઈ પુરુષ લગ્‍ન કરે અને પોતાની પત્ની સાથે સંબંધ બાંધે, પણ પછી તેને નફરત* કરવા લાગે ૧૪  અને તેનું ચારિત્ર ખરાબ છે એવો આરોપ મૂકે અને તેને બદનામ કરતા કહે, ‘મેં આ સ્ત્રી સાથે લગ્‍ન કર્યાં, પણ જ્યારે મેં તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો, ત્યારે મને તેનામાં કુંવારાપણાની કોઈ સાબિતી મળી નહિ,’ ૧૫  તો એ સ્ત્રીનાં માતા-પિતા એ સ્ત્રીના કુંવારાપણાની સાબિતી લાવીને શહેરના દરવાજે વડીલો આગળ રજૂ કરે. ૧૬  સ્ત્રીના પિતા વડીલોને કહે, ‘મેં મારી દીકરી આ પુરુષ સાથે પરણાવી, પણ હવે તે મારી દીકરીને નફરત* કરે છે. ૧૭  તેનું ચારિત્ર ખરાબ છે એવો આરોપ મૂકતા તે કહે છે, “મને તમારી દીકરીમાં કુંવારાપણાની સાબિતી મળી નથી.” પણ જુઓ, આ રહી મારી દીકરીના કુંવારાપણાની સાબિતી.’ તેઓ શહેરના વડીલો આગળ એની સાબિતી આપતું કપડું પાથરે. ૧૮  પછી શહેરના વડીલો+ એ પુરુષને પકડીને સજા* કરે.+ ૧૯  તેઓ તેને ૧૦૦ શેકેલ* ચાંદીનો દંડ કરે અને એ રકમ સ્ત્રીના પિતાને આપે, કેમ કે એ પુરુષે ઇઝરાયેલની કુંવારી યુવતીને બદનામ કરી છે.+ એ સ્ત્રી હંમેશાં તેની પત્ની રહે. પુરુષને છૂટ નથી કે પોતે જીવે ત્યાં સુધી એ સ્ત્રીને છૂટાછેડા આપે. ૨૦  “પણ જો તેનો આરોપ સાચો હોય અને સ્ત્રીના કુંવારાપણાની કોઈ સાબિતી ન હોય, ૨૧  તો તેઓ એ સ્ત્રીને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને એ સ્ત્રીના શહેરના પુરુષો તેને પથ્થરે મારી નાખે. કેમ કે તેણે પોતાના પિતાના ઘરમાં વ્યભિચાર* કરીને+ ઇઝરાયેલમાં નામોશી લાવતું કામ કર્યું છે.+ આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+ ૨૨  “જો કોઈ પુરુષ બીજા કોઈ માણસની પત્ની સાથે જાતીય સંબંધ બાંધે ને પકડાઈ જાય, તો તમે એ પુરુષ અને સ્ત્રી બંનેને મારી નાખો.+ આમ તમે ઇઝરાયેલ વચ્ચેથી દુષ્ટતા દૂર કરો. ૨૩  “જો કોઈ કુંવારી યુવતીની સગાઈ થઈ હોય અને બીજો કોઈ પુરુષ તેને શહેરમાં મળે અને તેની સાથે જાતીય સંબંધ બાંધે, ૨૪  તો તમે તેઓ બંનેને શહેરના દરવાજા આગળ લાવો અને પથ્થરે મારી નાખો. યુવતીને એટલા માટે, કેમ કે તેણે શહેરમાં હોવા છતાં બૂમો પાડી નહિ અને પુરુષને એટલા માટે, કેમ કે તેણે સાથી ભાઈની પત્નીની આબરૂ લીધી છે.+ આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો. ૨૫  “પણ જો કોઈ પુરુષ સગાઈ થયેલી યુવતીને શહેરની બહાર મળે અને તેના પર બળાત્કાર કરે, તો ફક્ત તે પુરુષને મારી નાખો. ૨૬  તમે એ યુવતીને કંઈ ન કરો. તેણે એવું કોઈ પાપ કર્યું નથી, જેના માટે તેને મરણની સજા કરવામાં આવે. આ એવો જ કિસ્સો છે, જ્યારે એક માણસ બીજા માણસ પર હુમલો કરીને તેનું ખૂન કરી દે છે.+ ૨૭  સગાઈ થયેલી એ યુવતીને છોડી દેવી, કેમ કે તે પુરુષ તેને શહેર બહાર મળ્યો હતો અને એ યુવતીએ બૂમો પાડી હતી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું. ૨૮  “જો કોઈ પુરુષ એવી કુંવારી યુવતીને મળે, જેની સગાઈ થઈ નથી અને તેની સાથે બળજબરીથી જાતીય સંબંધ બાંધે અને તેઓ પકડાઈ જાય,+ ૨૯  તો તે પુરુષ યુવતીના પિતાને ૫૦ શેકેલ ચાંદી આપે અને તે યુવતી તેની પત્ની થાય.+ પુરુષને છૂટ નથી કે પોતે જીવે ત્યાં સુધી એ યુવતીને છૂટાછેડા આપે, કેમ કે તેણે એ યુવતીની આબરૂ લીધી છે. ૩૦  “કોઈ પુરુષ પોતાની સાવકી મા* સાથે જાતીય સંબંધ ન બાંધે, કેમ કે એમ કરીને તે પોતાના પિતાનું અપમાન કરે છે.*+

ફૂટનોટ

અથવા, “નકાર.”
અથવા, “નકાર.”
અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “વેશ્યાગીરી.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “પિતાની પત્ની.”
મૂળ, “પિતાનું વસ્ત્ર ઉતારે છે.”