પુનર્નિયમ ૩૪:૧-૧૨

  • યહોવા મૂસાને દેશ બતાવે છે (૧-૪)

  • મૂસાનું મરણ (૫-૧૨)

૩૪  પછી મૂસા મોઆબના ઉજ્જડ પ્રદેશમાંથી યરીખોની સામે આવેલા+ નબો પર્વતના+ પિસ્ગાહ શિખર+ પર ગયો. યહોવાએ તેને આખો દેશ બતાવ્યો, ગિલયાદથી લઈને દાન+ સુધીનો વિસ્તાર, ૨  નફતાલીનો આખો વિસ્તાર, એફ્રાઈમ અને મનાશ્શાનો વિસ્તાર અને દૂર પશ્ચિમી સમુદ્ર* સુધી યહૂદાનો આખો વિસ્તાર,+ ૩  નેગેબ+ અને ખજૂરીઓના શહેર યરીખોના મેદાની વિસ્તારથી છેક સોઆર+ સુધીનો પ્રદેશ+ બતાવ્યો. ૪  યહોવાએ મૂસાને કહ્યું: “આ રહ્યો એ દેશ, જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાઈને કહ્યું હતું કે, ‘હું એ તારા વંશજને આપીશ.’+ એ દેશ મેં તને નજરોનજર જોવા દીધો છે, પણ તું નદી પાર કરીને ત્યાં જઈ નહિ શકે.”+ ૫  પછી યહોવાએ કહ્યું હતું તેમ, યહોવાના સેવક મૂસાનું મોઆબ દેશમાં મરણ થયું.+ ૬  પછી તેમણે મૂસાને મોઆબ દેશની ખીણમાં બેથ-પેઓર સામે દફનાવ્યો. પણ મૂસાની કબર ક્યાં છે એ આજ સુધી કોઈ જાણતું નથી.+ ૭  મૂસાનું મરણ થયું ત્યારે તે ૧૨૦ વર્ષનો હતો.+ તેની આંખો ઝાંખી પડી ન હતી અને તેનું બળ ઘટ્યું ન હતું. ૮  ઇઝરાયેલીઓ ૩૦ દિવસ સુધી મોઆબના ઉજ્જડ પ્રદેશમાં મૂસા માટે રડ્યા.+ પછી મૂસા માટે રડવાના અને શોક પાળવાના દિવસો પૂરા થયા. ૯  નૂનનો દીકરો યહોશુઆ બુદ્ધિથી* ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના માથે પોતાનો હાથ મૂક્યો હતો.+ હવે ઇઝરાયેલીઓ યહોશુઆનું કહેવું માનવા લાગ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ કર્યું.+ ૧૦  પણ ઇઝરાયેલમાં મૂસા જેવો પ્રબોધક ફરી ક્યારેય ઊભો થયો નહિ,+ જેને યહોવા નજીકથી* ઓળખતા હતા.+ ૧૧  ઇજિપ્તમાં ત્યાંના રાજા અને તેના સેવકો આગળ તેમજ તેના આખા દેશ વિરુદ્ધ જે બધી નિશાનીઓ અને ચમત્કારો કરવા યહોવાએ મૂસાને મોકલ્યો હતો, એ બધું જ તેણે કર્યું હતું.+ ૧૨  એટલું જ નહિ, આખા ઇઝરાયેલના દેખતાં મૂસાએ શક્તિશાળી હાથે મોટાં મોટાં અદ્‍ભુત કામો કર્યાં હતાં.+

ફૂટનોટ

એટલે કે, મોટો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.
અથવા, “ડહાપણથી.”
મૂળ, “મોઢામોઢ.”