પુનર્નિયમ ૪:૧-૪૯

  • આજ્ઞા માનવાની સલાહ (૧-૧૪)

    • ઈશ્વરનાં કામોને ભૂલી ન જવું ()

  • યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે (૧૫-૩૧)

  • યહોવા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી (૩૨-૪૦)

  • યર્દનની પૂર્વમાં આશ્રય શહેરો (૪૧-૪૩)

  • નિયમ આપવા વિશે જાણકારી (૪૪-૪૯)

 “હે ઇઝરાયેલીઓ, જે નિયમો અને કાયદા-કાનૂન હું તમને શીખવું છું, એ ધ્યાનથી સાંભળો અને એનું પાલન કરો, જેથી તમે જીવતા રહો+ અને જઈને એ દેશને કબજે કરો, જે તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા તમને આપી રહ્યા છે. ૨  હું તમને જે આજ્ઞા આપું છું એમાં કંઈ પણ વધારો કે ઘટાડો કરશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ હું તમને આપું છું એ પાળતા રહેજો. ૩  “પેઓરના બઆલના* કિસ્સામાં યહોવાએ જે કર્યું હતું, એ તમે નજરોનજર જોયું છે. તમારા ઈશ્વર યહોવાએ તમારામાંથી એ બધા માણસોનો સંહાર કર્યો, જેઓ પેઓરના બઆલની પૂજા કરતા હતા.+ ૪  પણ તમારામાંથી જેઓ તમારા ઈશ્વર યહોવાને વળગી રહ્યા, તેઓ બધા આજ સુધી જીવતા રહ્યા છો. ૫  જુઓ, યહોવા મારા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે મેં તમને નિયમો અને કાયદા-કાનૂન શીખવ્યા છે,+ જેથી તમે જે દેશને કબજે કરવાના છો એમાં એ નિયમો પ્રમાણે ચાલી શકો. ૬  તમે એ નિયમો ધ્યાનથી પાળો,+ કેમ કે એમ કરવાથી તમારી બુદ્ધિ+ અને સમજણ+ બધા લોકો આગળ દેખાઈ આવશે. તેઓ એ નિયમો વિશે સાંભળીને કહેશે, ‘આ મોટી પ્રજા સાચે જ બુદ્ધિશાળી અને સમજદાર છે.’+ ૭  એવી કઈ મોટી પ્રજા છે જેને કોઈ દેવ સાથે એવો નજીકનો સંબંધ હોય, જેવો સંબંધ આપણને આપણા ઈશ્વર યહોવા સાથે છે?+ જ્યારે જ્યારે આપણે તેમને પોકાર કરીએ છીએ, ત્યારે ત્યારે તે આપણું સાંભળે છે. ૮  જે નિયમો આજે હું તમને આપું છું, શું એના જેવા ખરા* નિયમો અને કાયદા-કાનૂન બીજી કોઈ મોટી પ્રજા પાસે છે?+ ૯  “પણ સાવધ રહેજો અને ધ્યાન રાખજો, જેથી જે કંઈ તમે તમારી આંખે જોયું છે, એને તમે ભૂલી ન જાઓ અને એ તમારાં હૃદયોમાંથી નીકળી ન જાય. એ તમારા દીકરાઓને અને પૌત્રોને પણ જણાવજો.+ ૧૦  હોરેબમાં તમે તમારા ઈશ્વર યહોવા આગળ ઊભા હતા, એ દિવસે યહોવાએ મને કહ્યું હતું, ‘લોકોને મારી આગળ ભેગા કર. હું તેઓને મારો સંદેશો સંભળાવીશ,+ જેથી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખવાનું શીખે+ અને પોતાના દીકરાઓને પણ એમ કરવાનું શીખવે.’+ ૧૧  “તમે પર્વતની નજીક આવ્યા અને એની તળેટી પાસે ઊભા રહ્યા. પર્વત સળગી રહ્યો હતો અને એની જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ચારે બાજુ ઘોર અંધકાર અને ગાઢ વાદળો છવાઈ ગયાં હતાં.+ ૧૨  પછી યહોવા આગમાંથી તમારી સાથે વાત કરવા લાગ્યા.+ તમે વાણી સાંભળી, પણ કોઈ તમારી નજરે પડ્યું નહિ.+ તમે ફક્ત અવાજ સાંભળ્યો.+ ૧૩  તેમણે પોતાનો કરાર,*+ એટલે કે દસ આજ્ઞાઓ*+ તમને જણાવી અને એ પાળવાનો તમને હુકમ કર્યો. તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખી.+ ૧૪  એ સમયે યહોવાએ મને હુકમ કર્યો કે હું તમને નિયમો અને કાયદા-કાનૂન શીખવું, જેથી જે દેશમાં પ્રવેશીને તમે એને કબજે કરવાના છો, એમાં એનું પાલન કરો. ૧૫  “હોરેબમાં યહોવાએ આગમાંથી તમારી સાથે વાત કરી એ દિવસે કોઈ આકાર તમારી નજરે પડ્યો ન હતો. એટલે સાવધ રહેજો કે ૧૬  તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ બનાવીને ભ્રષ્ટ ન થઈ જાઓ. તમે કોઈ પણ આકારની મૂર્તિ ન બનાવો, પુરુષની નહિ કે સ્ત્રીની નહિ,+ ૧૭  પૃથ્વીના કોઈ પ્રાણીની નહિ કે આકાશમાં ઊડતા કોઈ પક્ષીની નહિ,+ ૧૮  જમીન પર પેટે ચાલતા પ્રાણીની નહિ કે પાણીમાં રહેતી માછલીની નહિ.+ ૧૯  જ્યારે તમે આકાશ તરફ નજર ઉઠાવો અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ, એટલે કે આકાશનાં સર્વ સૈન્યો જુઓ, ત્યારે તેઓથી આકર્ષાઈને તેઓની સામે નમશો નહિ કે તેઓની પૂજા કરશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાએ એ બધું આકાશ નીચેના સર્વ લોકોને આપ્યું છે. ૨૦  તમને તો યહોવા લોઢું પિગાળતી ભઠ્ઠીમાંથી, હા, ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી તમે તેમની ખાસ સંપત્તિ* બનો,+ જેમ તમે આજે છો. ૨૧  “તમારા લીધે યહોવા મારા પર ગુસ્સે થયા હતા.+ તેમણે સમ ખાઈને કહ્યું હતું કે તે મને યર્દન નદી પાર નહિ કરવા દે અને એ ઉત્તમ દેશમાં પ્રવેશવા નહિ દે, જે યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપવાના છે.+ ૨૨  આ જ દેશમાં મારું મરણ થશે અને હું યર્દન પાર નહિ કરું.+ પણ તમે તો નદી પાર કરશો અને એ ઉત્તમ દેશનો વારસો મેળવશો. ૨૩  ધ્યાન રાખજો કે તમારા ઈશ્વર યહોવાએ તમારી સાથે કરેલો કરાર તમે ભૂલી ન જાઓ.+ તમે પોતાના માટે કોઈ કોતરેલી મૂર્તિ કે કોઈ પણ આકારની પ્રતિમા બનાવશો નહિ, જેની યહોવા તમારા ઈશ્વરે મના કરી છે.+ ૨૪  તમારા ઈશ્વર યહોવા તો ભસ્મ કરનાર અગ્‍નિ છે.+ તે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.+ ૨૫  “તમને દીકરાઓ અને પૌત્રો થાય અને તમે એ દેશમાં લાંબું જીવન જીવો એ પછી, જો તમે કોઈ દુષ્ટ કામ કરશો અને કોઈ પણ પ્રકારની કોતરેલી મૂર્તિ બનાવશો+ અને તમારા ઈશ્વર યહોવાની નજરમાં દુષ્ટ કામ કરીને તેમને ગુસ્સે કરશો,+ ૨૬  તો હું આજે આકાશ અને પૃથ્વીને સાક્ષી રાખીને કહું છું કે, યર્દન પાર જે દેશને તમે કબજે કરવા જઈ રહ્યા છો એમાં તમારો જલદી જ નાશ થઈ જશે. તમે ત્યાં લાંબું નહિ જીવી શકો, તમારો પૂરેપૂરો નાશ થશે.+ ૨૭  યહોવા તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ યહોવા તમને જે પ્રજાઓમાં ભગાડી મૂકશે, ત્યાં તમારામાંથી થોડા જ બચશે.+ ૨૮  ત્યાં તમારે લાકડાં અને પથ્થરમાંથી બનેલા દેવોને ભજવા પડશે. હા, માણસોએ બનાવેલા એવા દેવોને ભજવા પડશે,+ જેઓ જોતા નથી, સાંભળતા નથી, ખાતા નથી કે સૂંઘતા નથી. ૨૯  “પણ જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો,+ હા, પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની પાસે મદદ માંગશો, તો તે ચોક્કસ તમને મદદ કરશે.+ ૩૦  જ્યારે તમે મોટી મુસીબતમાં આવી પડશો અને ભવિષ્યમાં એ બધું તમારી સાથે બનશે, ત્યારે તમે યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો અને તે તમારો પોકાર સાંભળશે.+ ૩૧  તમારા ઈશ્વર યહોવા દયાળુ ઈશ્વર છે.+ તે તમને નહિ છોડે. તે તમારો નાશ નહિ થવા દે. તે એ કરાર પણ નહિ ભૂલે, જે વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૩૨  “હવે જરા વીતેલા જમાનાને યાદ કરો. ઈશ્વરે ધરતી પર માણસને બનાવ્યો ત્યારથી લઈને તમારી અગાઉના સમયને યાદ કરો, આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તપાસ કરો. શું આવી અદ્‍ભુત ઘટના પહેલાં ક્યારેય બની છે અથવા શું એ વિશે કોઈએ કદી સાંભળ્યું છે?+ ૩૩  તમે જેમ ઈશ્વરની વાણી આગમાંથી સાંભળી, તેમ શું બીજી કોઈ પ્રજાએ સાંભળી છે અને જીવતી રહી છે?+ ૩૪  તમે નજરોનજર જોયું છે કે તમારા ઈશ્વર યહોવાએ તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીને પોતાની પ્રજા બનાવવા શું નથી કર્યું! તેમણે ઇજિપ્તને આકરામાં આકરી સજા કરી,* ત્યાં નિશાનીઓ અને ચમત્કારો+ બતાવ્યાં, યુદ્ધ+ કર્યું, ભયાનક કામો કર્યાં+ અને પોતાનો શક્તિશાળી+ અને બળવાન હાથ લંબાવીને તમને બહાર કાઢી લાવ્યા. શું ઈશ્વરે ક્યારેય બીજી કોઈ પ્રજા માટે એવું કર્યું છે? ૩૫  એ બધું તમને એટલા માટે બતાવવામાં આવ્યું, જેથી તમે જાણો કે યહોવા જ સાચા ઈશ્વર* છે.+ તેમના સિવાય બીજું કોઈ નથી.+ ૩૬  તમને સુધારવા તેમણે સ્વર્ગમાંથી તમારી સાથે વાત કરી. તેમણે પૃથ્વી પર તમને પોતાની મોટી આગ બતાવી અને એ આગમાંથી તમે તેમની વાણી સાંભળી.+ ૩૭  “ઈશ્વર તમારા બાપદાદાઓને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ પછી તેઓના વંશજોને તેમણે પસંદ કર્યા હતા.+ એટલે તે તમારી સાથે રહ્યા અને તમને પોતાના મહાન સામર્થ્યથી ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા. ૩૮  તમારા કરતાં મોટી અને શક્તિશાળી પ્રજાઓને તેમણે તમારી આગળથી હાંકી કાઢી, જેથી તેઓના દેશમાં લઈ જઈને તમને એનો વારસો આપે, જેમ આજે થયું છે.+ ૩૯  આજે તમે જાણી લો અને દિલમાં ઠસાવી લો કે ઉપર સ્વર્ગમાં અને નીચે પૃથ્વી પર યહોવા જ સાચા ઈશ્વર છે.+ તેમના સિવાય બીજું કોઈ નથી.+ ૪૦  હું આજે તમને ઈશ્વરનાં જે નિયમો અને આજ્ઞાઓ આપું છું, એ તમે પાળો, જેથી તમારું અને તમારા દીકરાઓનું ભલું થાય અને યહોવા તમારા ઈશ્વર તમને આપી રહ્યા છે એ દેશમાં તમે લાંબું જીવો.”+ ૪૧  એ સમયે મૂસાએ યર્દનની પૂર્વ બાજુએ ત્રણ શહેરો અલગ ઠરાવ્યાં.+ ૪૨  જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે,+ તો એમાંના એક શહેરમાં તે નાસી જાય અને ત્યાં જ રહે.+ ૪૩  એ શહેરો આ છે: રૂબેનીઓ માટે સપાટ વિસ્તાર પર આવેલા વેરાન પ્રદેશનું બેસેર,+ ગાદીઓ માટે ગિલયાદમાં આવેલું રામોથ+ અને મનાશ્શીઓ+ માટે બાશાનમાં આવેલું ગોલાન.+ ૪૪  હવે આ નિયમો+ મૂસાએ ઇઝરાયેલીઓને આપ્યા હતા. ૪૫  ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા એ પછી મૂસાએ તેઓને આ નિયમો, કાયદા-કાનૂન અને સૂચનો* આપ્યાં હતાં.+ ૪૬  એ વખતે તેઓ યર્દનના વિસ્તારમાં બેથ-પેઓરની સામેની ખીણમાં+ હતા. હેશ્બોનમાં+ વસતા અમોરીઓના રાજા સીહોનના દેશની સરહદમાં બેથ-પેઓર આવેલું હતું. મૂસાએ અને ઇઝરાયેલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી એ રાજાને હરાવ્યો હતો.+ ૪૭  તેઓએ તેનો દેશ અને બાશાનના રાજા ઓગનો+ દેશ કબજે કર્યો. અમોરીઓના એ બે રાજાઓ યર્દનની પૂર્વ તરફના વિસ્તારમાં વસતા હતા. ૪૮  ઇઝરાયેલીઓએ આર્નોનની ખીણને કિનારે આવેલા અરોએરથી+ લઈને સિયોન પર્વત, એટલે કે હેર્મોન+ સુધીનો વિસ્તાર ૪૯  તેમજ યર્દનની પૂર્વ તરફ અરાબાહનો આખો વિસ્તાર અને છેક અરાબાહના સમુદ્ર* સુધીનો વિસ્તાર કબજે કર્યો, જે પિસ્ગાહના ઢોળાવની તળેટીમાં આવેલો છે.+

ફૂટનોટ

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “દસ શબ્દો.”
અથવા, “તેમનો વારસો.”
અથવા, “તે ઇજિપ્ત પર આફતો લાવ્યા.”
મૂળ, “યાદ કરાવવા સૂચનો.”
એટલે કે, ખારો સમુદ્ર અથવા મૃત સરોવર.