પુનર્નિયમ ૯:૧-૨૯

  • ઇઝરાયેલને દેશ આપવાનું કારણ (૧-૬)

  • ઇઝરાયેલ ચાર વાર યહોવાને ગુસ્સે કરે છે (૭-૨૯)

    • સોનાનું વાછરડું (૭-૧૪)

    • મૂસા લોકો વતી વિનંતી કરે છે (૧૫-૨૧, ૨૫-૨૯)

    • વધુ ત્રણ વાર ગુસ્સે કરે છે (૨૨)

 “હે ઇઝરાયેલ સાંભળ, આજે તું યર્દન પાર કરી રહ્યો છે+ અને તારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓનો દેશ કબજે કરવા જઈ રહ્યો છે.+ તેઓનાં શહેરો મોટાં મોટાં છે અને કોટ ગગનચુંબી છે.+ ૨  ત્યાંના લોકો, એટલે કે અનાકના* દીકરાઓ+ શક્તિશાળી અને કદાવર છે. તું તેઓ વિશે જાણે છે અને તેં સાંભળ્યું પણ છે કે, ‘અનાકના દીકરાઓ સામે કોણ ઊભું રહી શકે?’ ૩  આજે તું જાણ કે યહોવા તારા ઈશ્વર તારી આગળ રહીને યર્દન પાર કરશે.+ તે તો ભસ્મ કરનાર અગ્‍નિ છે+ અને તે તેઓનો નાશ કરશે. તારી નજર સામે તે તેઓને હરાવશે, જેથી તું જલદી જ તેઓને હાંકી કાઢીને* તેઓનો નાશ કરે, જેમ યહોવાએ તને વચન આપ્યું છે.+ ૪  “તમારા ઈશ્વર યહોવા તમારી આગળથી તેઓને કાઢી મૂકે ત્યારે, તમે પોતાના દિલમાં કહેશો નહિ, ‘અમે તો નેક છીએ, એટલે આ દેશ કબજે કરવા યહોવા અમને અહીં લાવ્યા છે.’+ હકીકતમાં, એ પ્રજાઓની દુષ્ટતાને લીધે+ યહોવા તેઓને તમારી આગળથી હાંકી કાઢે છે. ૫  તમે નેક છો અથવા તમારું હૃદય પ્રમાણિક છે, એટલે કંઈ તમે એ દેશ કબજે કરવાના નથી. પણ એ પ્રજાઓ દુષ્ટ છે અને તમારા બાપદાદા ઇબ્રાહિમ,+ ઇસહાક+ અને યાકૂબ+ આગળ ખાધેલા સમ યહોવા પૂરા કરવા ચાહે છે, એટલે તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે.+ ૬  એ ન ધારી લેતા કે તમે નેક છો એટલે તમારા ઈશ્વર યહોવા તમને આ ઉત્તમ દેશનો વારસો આપી રહ્યા છે. હકીકતમાં તો તમે હઠીલા છો.+ ૭  “યાદ રાખો, ક્યારેય ભૂલતા નહિ કે વેરાન પ્રદેશમાં તમે તમારા ઈશ્વર યહોવાને કઈ રીતે ગુસ્સે કર્યા હતા.+ તમે ઇજિપ્ત છોડ્યું એ દિવસથી લઈને અહીં આવ્યા ત્યાં સુધી યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.+ ૮  તમે હોરેબમાં પણ યહોવાને ગુસ્સે કર્યા હતા. યહોવા તમારા પર એટલા ક્રોધે ભરાયા હતા કે તે તમારો નાશ કરવાની તૈયારીમાં જ હતા.+ ૯  એ વખતે હું પથ્થરની પાટીઓ,+ એટલે કે યહોવાએ તમારી સાથે કરેલા કરારની પાટીઓ લેવા પર્વત પર ગયો હતો.+ એ પર્વત પર હું ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યો+ અને મેં કંઈ ખાધું કે પીધું નહિ. ૧૦  પછી યહોવાએ મને પથ્થરની બે પાટીઓ આપી, જેના પર ઈશ્વરે પોતાની આંગળીથી લખ્યું હતું. જે દિવસે તમે બધા ભેગા થયા હતા અને યહોવાએ પર્વત પર આગમાંથી તમને જે આજ્ઞાઓ આપી હતી, એ એના પર લખેલી હતી.+ ૧૧  ૪૦ દિવસ અને ૪૦ રાત પછી યહોવાએ મને પથ્થરની બે પાટીઓ, એટલે કે કરારની પાટીઓ આપી. ૧૨  યહોવાએ મને કહ્યું, ‘ઊભો થા અને જલદી જા. તારા લોકો, જેઓને તું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.+ મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી એમાંથી તેઓ જલદી જ ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે ધાતુની મૂર્તિ* બનાવી છે.’+ ૧૩  પછી યહોવાએ મને કહ્યું, ‘આ લોકો કેવા હઠીલા છે એ મેં જોયું છે!+ ૧૪  હવે તું મને રોકીશ નહિ, હું આ લોકોનો નાશ કરીને જ રહીશ અને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ. પણ હું તારામાંથી તેઓ કરતાં વધારે બળવાન અને મોટી પ્રજા ઉત્પન્‍ન કરીશ.’+ ૧૫  “હું પર્વત પરથી નીચે ઊતર્યો ત્યારે પર્વત આગથી ભડકે બળતો હતો+ અને મારા બંને હાથમાં કરારની બે પાટીઓ હતી.+ ૧૬  મેં જોયું કે તમે તમારા ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું! તમે પોતાના માટે ધાતુનું વાછરડું* બનાવ્યું હતું. યહોવાએ તમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી, એનાથી તમે જલદી જ ભટકી ગયા હતા.+ ૧૭  તેથી મેં તમારી આંખો સામે બંને પાટીઓ લઈને નીચે ફેંકી દીધી અને એના ટુકડે-ટુકડા કરી નાખ્યા.+ ૧૮  મેં અગાઉની જેમ યહોવા આગળ જમીન સુધી માથું નમાવ્યું અને ૪૦ દિવસ અને ૪૦ રાત સુધી અનેક વાર એમ કર્યું. મેં કંઈ ખાધું નહિ કે પાણી પણ પીધું નહિ,+ કેમ કે યહોવાની નજરમાં ખરાબ હોય એવું કામ કરીને તમે પાપ કર્યું હતું અને તેમને દુઃખી કર્યા હતા. ૧૯  યહોવા તમારા પર સખત ગુસ્સે થયા+ હોવાથી હું ડરી ગયો હતો. તે તમારો નાશ કરવાની તૈયારીમાં હતા. એ સમયે પણ યહોવાએ મારું સાંભળ્યું.+ ૨૦  “યહોવા હારુન પર એટલા ગુસ્સે હતા કે તેને પણ મારી નાખવાના હતા.+ ત્યારે મેં તેના માટે પણ કરગરીને પ્રાર્થના કરી. ૨૧  પછી મેં તમારા પાપને, એટલે કે જે વાછરડું તમે બનાવ્યું હતું,+ એને લીધું અને આગમાં બાળી નાખ્યું; મેં એના ભાંગીને ટુકડા કરી નાખ્યા; એનો ધૂળ જેવો બારીક ભૂકો કરીને પર્વત પરથી વહેતા ઝરણામાં નાખી દીધો.+ ૨૨  “તમે તાબએરાહમાં,+ માસ્સાહમાં+ અને કિબ્રોથ-હાત્તાવાહમાં+ પણ યહોવાને ગુસ્સે કર્યા હતા. ૨૩  જ્યારે યહોવાએ તમને કાદેશ-બાર્નેઆથી+ મોકલ્યા અને કહ્યું, ‘જાઓ અને જે દેશ હું તમને આપવાનો છું એને કબજે કરો!’ ત્યારે તમે યહોવા તમારા ઈશ્વર વિરુદ્ધ ફરીથી બળવો કર્યો,+ તેમનું કહેવું માન્યું નહિ અને તેમના પર વિશ્વાસ કર્યો નહિ.+ ૨૪  જ્યારથી હું તમને ઓળખું છું, ત્યારથી તમે યહોવા વિરુદ્ધ બંડ કરતા આવ્યા છો. ૨૫  “પછી ૪૦ દિવસ અને ૪૦ રાત મેં યહોવા આગળ અનેક વાર જમીન સુધી માથું નમાવ્યું.+ મેં એમ કર્યું, કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે તે તમારો નાશ કરશે. ૨૬  મેં યહોવાને આજીજી કરી, ‘હે વિશ્વના માલિક યહોવા, તમારા લોકોનો નાશ ન કરતા. એ લોકો તમારી ખાસ સંપત્તિ* છે.+ તમે મોટા પરાક્રમથી અને શક્તિશાળી હાથથી તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો.+ ૨૭  તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને યાદ કરો.+ આ પ્રજાનાં અક્કડ વલણ, તેઓની દુષ્ટતા અને પાપ તરફ ન જુઓ.+ ૨૮  નહિતર જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા છો, ત્યાંના લોકો કહેશે: “યહોવાએ આ લોકોને દેશ આપવાનું વચન તો આપ્યું, પણ એમાં તેઓને લઈ જઈ શકતો ન હતો; તે તેઓને ધિક્કારતો હતો, એટલે વેરાન પ્રદેશમાં મારી નાખવા તેઓને બહાર કાઢી લાવ્યો.”+ ૨૯  તેઓ તમારા લોકો છે અને તમારી ખાસ સંપત્તિ* છે,+ જેઓને તમે પોતાનો શક્તિશાળી હાથ લંબાવીને અને મોટા સામર્થ્યથી બહાર કાઢી લાવ્યા છો.’+

ફૂટનોટ

રાક્ષસી કદના અને મજબૂત લોકો.
અથવા, “તેઓનો વિસ્તાર કબજે કરીને.”
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
અથવા, “ઢાળેલું વાછરડું.”
અથવા, “તમારો વારસો.”
અથવા, “તમારો વારસો.”