યોહાનને થયેલું પ્રકટીકરણ ૨૦:૧-૧૫

  • શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો (૧-૩)

  • ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ (૪-૬)

  • શેતાનને છોડવામાં આવશે, પછી તેનો નાશ (૭-૧૦)

  • મરણ પામેલાઓનો સફેદ રાજ્યાસન આગળ ન્યાય (૧૧-૧૫)

૨૦  મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેની પાસે અનંત ઊંડાણની*+ ચાવી હતી. તેના હાથમાં મોટી સાંકળ હતી. ૨  તેણે અજગરને,+ જૂના સાપને,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો. ૩  દૂતે તેને અનંત ઊંડાણમાં નાખ્યો+ અને એ બંધ કર્યું. તેણે એના પર મહોર મારી, જેથી ૧,૦૦૦ વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી તે પ્રજાઓને ખોટે માર્ગે દોરે નહિ. એ પછી થોડા સમય માટે તેને છોડવામાં આવશે.+ ૪  મેં રાજ્યાસનો જોયાં. જેઓ એના પર બેઠા હતા, તેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે અને ઈશ્વર વિશે વાત કરવાને લીધે જેઓને મારી નાખવામાં* આવ્યા હતા, તેઓને* મેં જોયા. તેઓએ જંગલી જાનવરની કે એની મૂર્તિની ઉપાસના કરી ન હતી. તેઓએ પોતાનાં કપાળ પર કે હાથ પર એની છાપ લીધી ન હતી.+ તેઓ જીવતા થયા અને ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કર્યું.+ ૫  મરણમાંથી તેઓને પહેલા જીવતા કરવામાં* આવ્યા.+ (ગુજરી ગયેલા બાકીના લોકો+ ૧,૦૦૦ વર્ષ પૂરાં થતા સુધી જીવતા ન થયા.) ૬  મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+ ૭  પછી ૧,૦૦૦ વર્ષ પૂરાં થતાની સાથે જ શેતાનને કેદમાંથી છોડવામાં આવશે. ૮  તે પૃથ્વીના ચારેય ખૂણાના દેશોને, એટલે કે ગોગ અને માગોગને ખોટા માર્ગે દોરવા બહાર આવશે. તે તેઓને યુદ્ધ માટે ભેગા કરશે, જેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. ૯  તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ ગયા. પવિત્ર લોકોની છાવણીને અને વહાલા શહેરને ઘેરી વળ્યા. પણ સ્વર્ગમાંથી આગ ઊતરી આવી અને તેઓને ભસ્મ કરી નાખ્યા.+ ૧૦  તેઓને ખોટા માર્ગે દોરનાર શેતાનને આગ અને ગંધકના સરોવરમાં* નાખી દેવામાં આવ્યો. ત્યાં જંગલી જાનવર+ અને જૂઠો પ્રબોધક પહેલેથી જ હતાં.+ તેઓને રાત-દિવસ સદાને માટે રિબાવવામાં* આવશે. ૧૧  મેં એક મોટું સફેદ રાજ્યાસન જોયું અને એના પર જે બેઠા હતા+ તેમને જોયા. તેમની આગળથી પૃથ્વી અને આકાશ નાસી ગયાં.+ હવે તેઓ માટે કોઈ સ્થાન રહ્યું નહિ. ૧૨  મેં મરણ પામેલા લોકોને, નાના-મોટા લોકોને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. વીંટાઓ ખોલવામાં આવ્યા. બીજો એક વીંટો ખોલવામાં આવ્યો, જે જીવનનો વીંટો હતો.+ વીંટાઓમાં જે લખ્યું હતું એના આધારે, એ મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ તેઓનો ન્યાય કરવામાં આવ્યો.+ ૧૩  સમુદ્રે પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. મરણે અને કબરે* પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. દરેકનો ન્યાય તેનાં કાર્યો પ્રમાણે કરવામાં આવ્યો.+ ૧૪  મરણ અને કબરને* આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યાં.+ આગનું સરોવર+ એ જ બીજું મરણ છે.+ ૧૫  જેનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હતું,+ તે દરેકને આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.+

ફૂટનોટ

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
મૂળ, “કુહાડીથી મારી નાખવામાં.”
શબ્દસૂચિમાં “આગનું સરોવર” જુઓ.
અથવા, “રોકી રાખવામાં; કેદ કરવામાં.”