પ્રેરિતોનાં કાર્યો ૨:૧-૪૭

  • પચાસમા દિવસે પવિત્ર શક્તિ રેડાઈ (૧-૧૩)

  • પિતરનું પ્રવચન (૧૪-૩૬)

  • પિતરના પ્રવચનની ટોળાં પર અસર (૩૭-૪૧)

    • ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું (૪૧)

  • ખ્રિસ્તીઓ ભેગા મળતા રહ્યા (૪૨-૪૭)

 હવે પચાસમા દિવસના તહેવારે*+ તેઓ બધા એક જગ્યાએ ભેગા મળ્યા હતા. ૨  અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ જોરથી ફૂંકાતા પવન જેવો હતો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું.+ ૩  અગ્‍નિની જ્વાળાઓ જેવી જીભો દેખાઈ અને એ છૂટી પડીને તેઓમાંના દરેક ઉપર એક એક સ્થિર થઈ. ૪  તેઓ બધા પવિત્ર શક્તિથી ભરપૂર થયા+ અને એ શક્તિની મદદથી તેઓ અલગ અલગ ભાષાઓમાં બોલવા લાગ્યા.+ ૫  એ સમયે પૃથ્વીના દરેક દેશમાંથી આવેલા ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં હતા.+ ૬  એ અવાજ સંભળાયો ત્યારે, ટોળું ભેગું થઈ ગયું અને તેઓ દંગ રહી ગયા, કેમ કે દરેક માણસે પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળ્યા. ૭  તેઓને ઘણી નવાઈ લાગી. તેઓએ કહ્યું: “શું આ બધા લોકો ગાલીલના+ નથી? ૮  તો એવું કઈ રીતે બની શકે કે આપણે બધા પોતપોતાની માતૃભાષામાં તેઓને બોલતા સાંભળીએ છીએ? ૯  આપણામાં પાર્થીઓ, માદીઓ+ અને એલામીઓ+ છે. આપણી વચ્ચે મેસોપોટેમિયા, યહૂદિયા અને કપ્પદોકિયા, પોન્તસ અને આસિયા પ્રાંત,*+ ૧૦  ફ્રુગિયા, પમ્ફૂલિયા અને ઇજિપ્તના* રહેવાસીઓ છે. અને લિબિયાના એ વિસ્તારોના રહેવાસીઓ છે, જે કુરેનીની નજીક છે. આપણી સાથે રોમથી આવેલા પ્રવાસીઓ, યહૂદીઓ અને યહૂદી થયેલા લોકો,+ ૧૧  ક્રીતીઓ અને અરબીઓ પણ છે. આપણે બધા ઈશ્વરનાં મહિમાવંત કાર્યો વિશે તેઓને આપણી ભાષાઓમાં બોલતા સાંભળીએ છીએ.” ૧૨  હા, તેઓ બધા દંગ રહી ગયા અને મૂંઝાઈને એકબીજાને કહેવા લાગ્યા: “આ બધાનો શો અર્થ થાય?” ૧૩  પણ અમુક લોકોએ તેઓની મજાક ઉડાવતા કહ્યું: “તેઓ દારૂના* નશામાં છે.” ૧૪  ત્યારે અગિયાર પ્રેરિતો+ સાથે પિતર ઊભો થયો અને તેણે મોટા અવાજે તેઓને કહ્યું: “યહૂદિયાના માણસો અને યરૂશાલેમના બધા રહેવાસીઓ, આ વાતો તમે જાણી લો અને મારા શબ્દો ધ્યાનથી સાંભળો. ૧૫  ભલે તમને આ લોકો પીધેલા લાગે, પણ હકીકતમાં તેઓ પીધેલા નથી, કેમ કે હજુ તો સવારના નવેક વાગ્યા* છે. ૧૬  આ તો પ્રબોધક* યોએલે કહ્યું હતું એ પ્રમાણે થઈ રહ્યું છે: ૧૭  ‘ઈશ્વર કહે છે, “છેલ્લા દિવસોમાં, હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના લોકો પર રેડીશ, તમારાં દીકરા-દીકરીઓ ભવિષ્યવાણી કરશે, તમારા જુવાનોને દર્શનો થશે અને તમારા વૃદ્ધો સપનાં જોશે.+ ૧૮  એ દિવસોમાં હું મારી પવિત્ર શક્તિ મારાં દાસ-દાસીઓ પર પણ રેડીશ અને તેઓ ભવિષ્યવાણી કરશે.+ ૧૯  હું ઉપર આકાશમાં અદ્‍ભુત કામો બતાવીશ અને નીચે પૃથ્વી પર નિશાનીઓ આપીશ, લોહી, આગ, ધુમાડાના ગોટેગોટા હશે. ૨૦  યહોવાનો* મહાન અને મહિમાવંત દિવસ આવે એ પહેલાં સૂર્ય પર અંધારું છવાઈ જશે અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે. ૨૧  જે કોઈ યહોવાને* નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.”’+ ૨૨  “ઇઝરાયેલના માણસો, મારી વાત સાંભળો. તમે જાણો છો કે ઈશ્વરે નાઝરેથના ઈસુને મોકલ્યા. તેમના દ્વારા ઈશ્વરે તમારી વચ્ચે ચમત્કારો કર્યા, અદ્‍ભુત અને ભયાનક કામો કર્યાં,+ જેથી બધા લોકો ઈસુને ઓળખી શકે. ૨૩  ઈશ્વરે પોતાની ઇચ્છા* પ્રમાણે અને ભવિષ્ય જાણવાની શક્તિને આધારે ઈસુને તમારા હાથમાં સોંપી દીધા.+ ઈસુને વધસ્તંભે* જડી દેવા તમે તેમને દુષ્ટોના હાથમાં સોંપી દીધા અને તમે તેમને મારી નાખ્યા.+ ૨૪  પણ ઈશ્વરે ઈસુને મોતના પંજામાંથી* છોડાવીને જીવતા કર્યા,+ કેમ કે મરણ તેમને પોતાના પંજામાં જકડી રાખે એ શક્ય ન હતું.+ ૨૫  ઈસુ વિશે દાઉદ જણાવે છે: ‘હું યહોવાને* કાયમ મારી નજર સામે રાખું છું. તે મારા જમણા હાથે હોવાથી હું હંમેશાં અડગ રહીશ. ૨૬  એ કારણે મારું મન આનંદથી ભરપૂર થયું અને મારી જીભ ખુશીથી બોલી ઊઠી. હું* ઈશ્વરમાં આશા રાખીને રહીશ, ૨૭  કેમ કે તમે મને કબરમાં* ત્યજી નહિ દો. તમારા વફાદાર સેવકના શરીરને કોહવાણ લાગવા નહિ દો.+ ૨૮  તમે મને જીવનનો માર્ગ બતાવ્યો છે. તમારી આગળ તમે મને આનંદથી ભરપૂર કરશો.’+ ૨૯  “ભાઈઓ, આપણા કુળપિતા દાઉદ વિશે તમારી સાથે હું વિના સંકોચ વાત કરી શકું છું. તે મરી ગયા અને તેમને દફનાવવામાં આવ્યા+ અને તેમની કબર આજ સુધી અહીં છે. ૩૦  તે એક પ્રબોધક હતા અને ઈશ્વરે સોગંદ ખાઈને તેમને જે વચન આપ્યું હતું એ વિશે તે જાણતા હતા કે, ઈશ્વર તેમના વંશજોમાંના એકને તેમની રાજગાદી પર બેસાડશે.+ ૩૧  દાઉદ અગાઉથી જાણતા હતા કે ખ્રિસ્તને* મરણમાંથી જીવતા કરવામાં આવશે, એટલે તેમણે કહ્યું કે ઈશ્વરે ખ્રિસ્તને કબરમાં* ત્યજી દીધા નહિ અને તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ.+ ૩૨  ઈશ્વરે ઈસુને જીવતા કર્યા અને એના અમે બધા સાક્ષી છીએ.+ ૩૩  તેમને ઊંચું સ્થાન આપીને ઈશ્વરના જમણા હાથે બેસાડવામાં આવ્યા+ અને વચન પ્રમાણે તેમને પિતા પાસેથી પવિત્ર શક્તિ* મળી.+ એ જ શક્તિ તેમણે આપણા પર રેડી છે, જેને કામ કરતા તમે જુઓ છો અને સાંભળો છો. ૩૪  ખરું કે દાઉદ સ્વર્ગમાં ગયા ન હતા, પણ તે કહે છે, ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: ૩૫  “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું+ ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’ ૩૬  તેથી ઇઝરાયેલની આખી પ્રજા આ વાત નક્કી જાણી લે કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા,+ તેમને ઈશ્વરે આપણા માલિક+ અને ખ્રિસ્ત બનાવ્યા છે.” ૩૭  હવે તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓનાં હૃદય વીંધાઈ ગયાં અને તેઓએ પિતર અને બીજા પ્રેરિતોને કહ્યું: “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?” ૩૮  પિતરે તેઓને કહ્યું: “તમે પસ્તાવો કરો+ અને તમારાં પાપોની માફી માટે+ ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લો+ અને તમને પવિત્ર શક્તિની ભેટ મળશે. ૩૯  કેમ કે એ વચન+ તમને, તમારાં બાળકોને અને દૂર દૂરના એ બધા લોકોને આપવામાં આવ્યું છે, જેઓને આપણા ઈશ્વર યહોવા* પસંદ કરશે.”+ ૪૦  બીજી ઘણી વાતોથી પિતરે તેઓને પૂરેપૂરી સાક્ષી આપી અને તેઓને શિખામણ આપી: “આ આડી પેઢીથી બચો.”+ ૪૧  જેઓએ તેની વાતો ખુશીથી સાંભળી, તેઓએ બાપ્તિસ્મા લીધું.+ એ દિવસે આશરે ૩,૦૦૦ લોકો ઉમેરાયા.+ ૪૨  તેઓએ પ્રેરિતો પાસેથી શીખવાનું, એકબીજા સાથે ભેગા મળવાનું,* સાથે ખાવાનું+ અને પ્રાર્થના કરવાનું+ ચાલુ રાખ્યું. ૪૩  હકીકતમાં, બધા લોકો પર ડર છવાઈ ગયો અને પ્રેરિતોએ અનેક અદ્‍ભુત કામો અને ચમત્કારો કર્યાં.+ ૪૪  જેઓ નવા શિષ્યો બન્યા, તેઓ એક થઈને રહેતા અને દરેક વસ્તુ એકબીજા સાથે વહેંચતા. ૪૫  તેઓ પોતાની જમીન અને માલ-મિલકત વેચી દેતા+ અને મળેલી રકમને દરેકની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપતા.+ ૪૬  તેઓ દરરોજ એકમનના થઈને મંદિરમાં હાજર રહેતા. તેઓ એકબીજાના ઘરે ભોજન લેતા અને પૂરા આનંદથી અને સાચા દિલથી પોતાનો ખોરાક વહેંચીને ખાતા. ૪૭  તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેઓથી ખુશ હતા. યહોવા* દરરોજ લોકોને શિષ્યો બનવા દોરી લાવતા અને તેઓને બચાવતા હતા.+

ફૂટનોટ

શબ્દસૂચિમાં “કાપણીનો તહેવાર” જુઓ.
અથવા, “જિલ્લા.”
અથવા, “મિસરના.”
અથવા, “મીઠા દ્રાક્ષદારૂના.”
મૂળ, “ત્રીજો કલાક.” આ સમય સૂર્યોદયથી ગણાતો.
અથવા, “હેતુ.”
અથવા કદાચ, “બંધનમાંથી.”
મૂળ, “મારું શરીર.”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
અથવા, “એકબીજા સાથે વહેંચવાનું.”