પ્રેરિતોનાં કાર્યો ૫:૧-૪૨

  • અનાન્યા અને સફિરા (૧-૧૧)

  • પ્રેરિતો ઘણા ચમત્કારો કરે છે (૧૨-૧૬)

  • કેદમાં ગયા; પછી આઝાદ કરવામાં આવ્યા (૧૭-૨૧ક)

  • ફરીથી યહૂદી ન્યાયસભા આગળ લાવવામાં આવ્યા (૨૧ખ-૩૨)

    • “માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું” (૨૯)

  • ગમાલિયેલની સલાહ (૩૩-૪૦)

  • ઘરે ઘરે ખુશખબર જાહેર કરવામાં આવી (૪૧, ૪૨)

 અનાન્યા નામે એક માણસ હતો. તેણે અને તેની પત્ની સફિરાએ પોતાની અમુક સંપત્તિ વેચી દીધી. ૨  પણ તેણે છૂપી રીતે અમુક પૈસા પોતાની પાસે રાખી લીધા. એ વાત તેની પત્ની જાણતી હતી. અનાન્યાએ બાકીના પૈસા લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યા.+ ૩  ત્યારે પિતરે કહ્યું: “અનાન્યા, તેં કેમ શેતાનને તારા દિલ પર કાબૂ કરવા દીધો? તું કેમ પવિત્ર શક્તિ વિરુદ્ધ+ જૂઠું બોલ્યો?+ તેં કેમ જમીનના અમુક પૈસા છૂપી રીતે પોતાની પાસે રાખી લીધા? ૪  જ્યાં સુધી એ જમીન તારી પાસે હતી, ત્યાં સુધી શું એ તારી ન હતી? એને વેચી નાખ્યા પછી પણ શું એ પૈસા પર તારો અધિકાર ન હતો? તો પછી, આવું દુષ્ટ કામ કરવાનો વિચાર પણ તારા મનમાં કઈ રીતે આવ્યો? તું માણસો વિરુદ્ધ નહિ, ઈશ્વર વિરુદ્ધ જૂઠું બોલ્યો છે.” ૫  એ સાંભળીને અનાન્યા ઢળી પડ્યો અને મરી ગયો. જેઓને આ વાતની ખબર પડી, તેઓ ઘણા ડરી ગયા. ૬  પછી જુવાન માણસો ઊભા થયા અને તેને કપડાંમાં વીંટાળીને લઈ ગયા અને તેને દફનાવ્યો. ૭  ત્રણેક કલાક પછી તેની પત્ની આવી. જે બન્યું હતું એની તેને જાણ ન હતી. ૮  પિતરે તેને કહ્યું: “શું તમે બંનેએ આટલા પૈસામાં જમીન વેચી હતી?” તેણે કહ્યું: “હા, આટલામાં વેચી હતી.” ૯  પિતરે તેને કહ્યું: “તમે બંનેએ કેમ યહોવાની* શક્તિની કસોટી કરવાનું વિચાર્યું? જો! તારા પતિને દફનાવવા ગયેલા લોકો દરવાજા પાસે છે અને તેઓ તને પણ લઈ જશે.” ૧૦  તરત જ, તે પિતરના પગ આગળ ઢળી પડી અને મરી ગઈ. જુવાન માણસો અંદર આવ્યા ત્યારે તેઓએ તેને મરેલી જોઈ, એટલે તેઓ તેને ઊંચકીને લઈ ગયા અને તેના પતિની બાજુમાં તેને દફનાવી. ૧૧  આખા મંડળ પર અને જેઓએ આ વાત સાંભળી, તેઓ પર ઘણો ડર છવાઈ ગયો. ૧૨  પ્રેરિતો લોકો વચ્ચે ઘણા ચમત્કારો અને અદ્‍ભુત કામો કરતા હતા.+ બધા પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા મળતા હતા.+ ૧૩  પણ શિષ્યો સાથે જોડાવાની કોઈનામાં હિંમત ન હતી. છતાં લોકો તેઓ વિશે સારું બોલતા હતા. ૧૪  એટલું જ નહિ, આપણા માલિક પર શ્રદ્ધા મૂકનારાઓમાં વધારે ને વધારે સ્ત્રી-પુરુષો ઉમેરાતાં ગયાં.+ ૧૫  તેઓ બીમાર લોકોને મુખ્ય રસ્તાઓ પર લાવતાં અને ખાટલા તથા ચટાઈ પર મૂકતાં, જેથી પિતર ત્યાંથી પસાર થાય ત્યારે, કંઈ નહિ તો તેનો પડછાયો અમુક પર પડે અને તેઓ સાજા થાય.+ ૧૬  યરૂશાલેમની આજુબાજુનાં શહેરોમાંથી લોકોનાં ટોળેટોળાં આવતાં અને પોતાની સાથે બીમારોને અને દુષ્ટ દૂતોથી* હેરાન થયેલા લોકોને લાવતાં. તેઓ બધાને સાજા કરવામાં આવતાં. ૧૭  પણ પ્રમુખ યાજક* અને તેની સાથેના બધા જેઓ સાદુકી પંથના હતા, તેઓ ઈર્ષાથી સળગી ઊઠ્યા અને ગુસ્સામાં ઊભા થયા. ૧૮  તેઓએ પ્રેરિતોને પકડ્યા અને કેદમાં નાખ્યા.+ ૧૯  પણ રાતે યહોવાના* દૂતે* કેદના દરવાજા ખોલી નાખીને+ તેઓને બહાર કાઢ્યા અને કહ્યું: ૨૦  “મંદિરમાં જાઓ અને બધા લોકોને જીવનનો* સંદેશો જણાવતા રહો.” ૨૧  એ સાંભળીને પ્રેરિતો સવાર થતાં જ મંદિરે ગયા અને શીખવવા લાગ્યા. પ્રમુખ યાજક અને તેની સાથેના લોકો આવ્યા ત્યારે, તેઓએ યહૂદી ન્યાયસભા અને ઇઝરાયેલીઓના બધા વડીલોને ભેગા કર્યા. તેઓએ પ્રેરિતોને કેદમાંથી લઈ આવવા સિપાઈઓ મોકલ્યા. ૨૨  પણ સિપાઈઓ ત્યાં પહોંચ્યા ત્યારે કેદમાં તેઓને પ્રેરિતો મળ્યા નહિ. તેથી તેઓએ પાછા આવીને ખબર આપી ૨૩  અને કહ્યું: “કેદના દરવાજે તાળાં મારેલાં હતાં અને પહેરેદારો દરવાજા પાસે ઊભા હતા, પણ અમે દરવાજા ખોલીને જોયું તો, અંદર કોઈ ન હતું.” ૨૪  જ્યારે મંદિરના રક્ષકોના અધિકારીએ અને મુખ્ય યાજકોએ એ વાત સાંભળી, ત્યારે તેઓને ચિંતા થઈ કે આનું શું પરિણામ આવશે. ૨૫  એવામાં કોઈકે આવીને તેઓને કહ્યું: “જુઓ! જે માણસોને તમે કેદમાં નાખ્યા હતા, તેઓ મંદિરમાં ઊભા રહીને લોકોને શીખવી રહ્યા છે.” ૨૬  પછી એ અધિકારી પોતાના સિપાઈઓ સાથે ગયો અને તેઓ પ્રેરિતોને લઈ આવ્યા. તેઓએ પ્રેરિતો સાથે કોઈ જબરજસ્તી ન કરી, કેમ કે તેઓને ડર હતો કે લોકો તેઓને પથ્થરે મારશે.+ ૨૭  તેઓએ પ્રેરિતોને લાવીને યહૂદી ન્યાયસભા આગળ ઊભા કર્યા. પછી પ્રમુખ યાજકે તેઓની પૂછપરછ કરી. ૨૮  તેણે કહ્યું: “અમે તમને સખત મના કરી હતી કે એ નામે* કંઈ શીખવવું નહિ.+ છતાં જુઓ, તમે આખા યરૂશાલેમને તમારા શિક્ષણથી ગજવી મૂક્યું છે અને એ માણસના લોહીનો આરોપ અમારા માથે નાખવા ચાહો છો.”+ ૨૯  જવાબમાં પિતરે અને બીજા પ્રેરિતોએ કહ્યું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.+ ૩૦  જે ઈસુને તમે વધસ્તંભે* જડીને મારી નાખ્યા,+ તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે જીવતા કર્યા છે. ૩૧  ઈશ્વરે તેમને મુખ્ય આગેવાન*+ અને બચાવનાર+ તરીકે ઊંચા કર્યા છે અને પોતાના જમણા હાથે બેસાડ્યા છે.+ ઇઝરાયેલીઓ પસ્તાવો કરે અને પાપોની માફી મેળવે,+ એટલે ઈશ્વરે આમ કર્યું છે. ૩૨  અમે અને પવિત્ર શક્તિ એ વાતના સાક્ષી છીએ.+ ઈશ્વરે એ પવિત્ર શક્તિ+ એવા લોકોને આપી છે, જેઓ તેમને રાજા માનીને તેમની આજ્ઞા પાળે છે.” ૩૩  ન્યાયસભાના સભ્યોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ગુસ્સાથી સળગી ઊઠ્યા. તેઓ પ્રેરિતોને મારી નાખવા માંગતા હતા. ૩૪  પણ ગમાલિયેલ+ નામનો એક ફરોશી* ન્યાયસભામાં ઊભો થયો. તે નિયમશાસ્ત્રનો* શિક્ષક હતો અને લોકો તેને માન આપતા હતા. તેણે પ્રેરિતોને થોડો સમય બહાર લઈ જવાની આજ્ઞા કરી. ૩૫  પછી તેણે કહ્યું: “ઓ ઇઝરાયેલના લોકો, આ માણસો વિરુદ્ધ તમે જે કંઈ પગલાં ભરો, એ સમજી-વિચારીને ભરજો. ૩૬  દાખલા તરીકે, અમુક સમય પહેલાં થિયુદાસ નામનો માણસ ઊભો થયો હતો. તે પોતાને મહાન આગેવાન માનતો હતો. ઘણા માણસો, આશરે ૪૦૦ માણસો તેની સાથે જોડાયા હતા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જેઓ તેની પાછળ ગયા હતા, તેઓ વિખેરાઈ ગયા અને કંઈ કરી શક્યા નહિ. ૩૭  તેના પછી, નોંધણીના સમયે ગાલીલનો યહૂદા પણ ઊભો થયો હતો અને તેણે લોકોને પોતાની તરફ ખેંચ્યા હતા. તેનો પણ નાશ થયો અને તેની પાછળ ગયેલા લોકો વિખેરાઈ ગયા. ૩૮  તેથી આ સંજોગો જોઈને હું તમને કહું છું કે આ માણસોના કામમાં માથું ન મારો, પણ તેઓને જવા દો. કેમ કે જો આ યોજના અથવા કામ માણસો તરફથી હશે, તો એ પડી ભાંગશે. ૩૯  પણ જો એ ઈશ્વર તરફથી હશે, તો તમે એને અટકાવી નહિ શકો.+ એવું ન બને કે તમે ઈશ્વરની સામે લડનારા સાબિત થાઓ.”+ ૪૦  તેઓએ ગમાલિયેલની સલાહ સ્વીકારી. પછી તેઓએ પ્રેરિતોને બોલાવ્યા અને માર માર્યો.*+ તેઓએ હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ કહેવું નહિ અને પછી તેઓને છોડી દીધા. ૪૧  ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા છે, એ જાણીને પ્રેરિતો ન્યાયસભામાંથી આનંદ કરતાં કરતાં નીકળી ગયા.+ ૪૨  તેઓએ રોજ મંદિરે અને ઘરે ઘરે+ ખ્રિસ્ત ઈસુ વિશેની ખુશખબર* જાહેર કરવાનું અને શીખવવાનું છોડ્યું નહિ.+

ફૂટનોટ

મૂળ, “આ જીવનનો.”
અહીં ઈસુના નામની વાત થઈ રહી છે.
અથવા, “ઝાડ પર.”
અથવા, “ફટકા માર્યા.”