માથ્થી ૧૧:૧-૩૦

  • બાપ્તિસ્મા આપનાર યોહાનને શાબાશી (૧-૧૫)

  • પસ્તાવો ન કરનારી પેઢીને સખત ઠપકો (૧૬-૨૪)

  • પિતાએ નમ્ર પર કૃપા કરી અને ઈસુએ પિતાની સ્તુતિ કરી (૨૫-૨૭)

  • ઈસુની ઝૂંસરી તાજગી આપનારી (૨૮-૩૦)

૧૧  ઈસુ પોતાના ૧૨ શિષ્યોને માર્ગદર્શન આપી રહ્યા પછી, બીજાં શહેરોમાં શીખવવા અને પ્રચાર કરવા ગયા.+ ૨  યોહાને કેદખાનામાં+ ખ્રિસ્તનાં કામો વિશે સાંભળીને પોતાના શિષ્યોને તેમની પાસે મોકલ્યા.+ ૩  તેઓએ ઈસુને પૂછ્યું: “જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”+ ૪  ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું કે “જાઓ, તમે જે જુઓ છો અને સાંભળો છો, એ વિશે યોહાનને જણાવો:+ ૫  આંધળા જુએ છે,+ લંગડા ચાલે છે, રક્તપિત્તિયા* લોકો શુદ્ધ કરાય છે,+ બહેરા સાંભળે છે, ગુજરી ગયેલા જીવતા કરાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.+ ૬  જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”+ ૭  યોહાનના શિષ્યો ત્યાંથી જવા નીકળ્યા. પછી ઈસુ ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા?+ પવનથી ડોલતા બરુને?*+ ૮  તમે શું જોવા ગયા હતા? શું રેશમી* કપડાં પહેરેલા માણસને? જેઓ રેશમી કપડાં પહેરે છે, તેઓ તો રાજાઓના મહેલોમાં છે. ૯  તમે શા માટે ગયા હતા? શું પ્રબોધકને જોવા? હા, હું તમને કહું છું કે પ્રબોધકથી પણ જે મહાન છે તેને જોવા.+ ૧૦  આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’+ ૧૧  હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં બાપ્તિસ્મા આપનાર યોહાન કરતાં મહાન બીજું કોઈ નથી. પણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે.+ ૧૨  બાપ્તિસ્મા આપનાર યોહાનના દિવસોથી તે આજ સુધી, લોકો સ્વર્ગનું રાજ્ય મેળવવા સખત પ્રયત્ન કરે છે. જેઓ હિંમત હારતા નથી તેઓ એ મેળવે છે.*+ ૧૩  યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધકો અને નિયમશાસ્ત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું બનશે.+ ૧૪  તમે માનો કે ન માનો, પણ આ એ જ ‘એલિયા છે જે આવનાર છે.’+ ૧૫  જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે. ૧૬  “આ પેઢીને હું કોની સાથે સરખાવું?+ એ તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ બીજાં બાળકોને કહે છે: ૧૭  ‘અમે તમારાં માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યાં નહિ. અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.’ ૧૮  એ જ રીતે, યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેનામાં દુષ્ટ દૂત છે.’ ૧૯  માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો,+ તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’+ પણ જ્ઞાન પોતાનાં કાર્યોથી* ખરું સાબિત થાય છે.”+ ૨૦  ઈસુએ જે શહેરોમાં મોટાં મોટાં કામો કર્યાં હતાં, ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો ન હતો. એટલે તેમણે એ શહેરોને સખત ઠપકો આપ્યો: ૨૧  “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! જો તમારાંમાં થયેલાં શક્તિશાળી કામો તૂર અને સિદોનમાં* થયાં હોત, તો તેઓએ ઘણા સમય પહેલાં કંતાન ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.+ ૨૨  પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારાં કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે.+ ૨૩  ઓ કાપરનાહુમ,+ શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે,+ કેમ કે તારામાં થયેલાં મોટાં મોટાં કામો જો સદોમમાં થયાં હોત, તો એ આજ સુધી રહ્યું હોત. ૨૪  પણ હું તમને કહું છું: ન્યાયના દિવસે તારા કરતાં સદોમની દશા વધારે સારી હશે.”+ ૨૫  એ પછી ઈસુએ કહ્યું: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું. તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી સંતાડી રાખી છે, પણ નાનાં બાળકો જેવા નમ્ર લોકોને જણાવી છે.+ ૨૬  હા પિતા, એમ કરવું તમને પસંદ પડ્યું છે. ૨૭  મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે.+ પિતા સિવાય બીજું કોઈ દીકરાને પૂરી રીતે જાણતું નથી.+ પિતાને પણ કોઈ પૂરી રીતે જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે, તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.+ ૨૮  ઓ થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકો! તમે બધા મારી પાસે આવો અને હું તમને તાજગી* આપીશ. ૨૯  મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે. ૩૦  મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હલકો છે.”

ફૂટનોટ

અથવા, “કોઢિયા.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “મુલાયમ.”
મૂળ, “પકડે છે.”
અથવા, “પરિણામોથી.”
એ યહૂદી શહેરો ન હતાં.
અથવા, “વિસામો.”