માથ્થી ૧૯:૧-૩૦
૧૯ એ વાતો કહી રહ્યા પછી, ઈસુ ગાલીલથી નીકળ્યા અને યર્દન પાર કરીને યહૂદિયાની સરહદમાં આવી પહોંચ્યા.+
૨ લોકોનાં ટોળેટોળાં પણ તેમની પાછળ પાછળ આવ્યાં અને તેમણે તેઓને સાજા કર્યાં.
૩ ફરોશીઓ ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “પુરુષ પોતાની પત્નીને કોઈ પણ કારણથી છૂટાછેડા આપે, એ યોગ્ય છે કે નહિ?”+
૪ ઈસુએ કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં+
૫ અને કહ્યું: ‘એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે’?+
૬ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. તેથી ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”+
૭ તેઓએ કહ્યું: “તો પછી મૂસાએ કેમ કહ્યું કે છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપી શકાય?”+
૮ તેમણે તેઓને કહ્યું: “મૂસાએ તમારાં દિલ કઠણ હોવાને લીધે તમારી પત્નીઓને છૂટાછેડા આપવાની રજા આપી હતી.+ પણ શરૂઆતથી એવું ન હતું.+
૯ હું તમને કહું છું કે જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર* સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+
૧૦ શિષ્યોએ તેમને કહ્યું: “જો પતિ-પત્ની વચ્ચે આવું થતું હોય, તો ન પરણવું વધારે સારું.”
૧૧ તેમણે કહ્યું, “સર્વથી એ વાત પળાતી નથી, પણ જેઓને ઈશ્વર મદદ કરે છે* તેઓ જ એ પાળી શકે છે.+
૧૨ અમુક એવા છે જેઓ જન્મથી જ નપુંસક* છે. અમુક એવા છે જેઓને માણસોએ નપુંસક બનાવી દીધા છે. અમુક એવા છે જેઓ સ્વર્ગના રાજ્યને લીધે લગ્ન કરતા નથી.* આ વાત જે પાળી શકે એ પાળે.”+
૧૩ પછી લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે* અને પ્રાર્થના કરે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.+
૧૪ ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.”+
૧૫ પછી તેમણે તેઓ પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી નીકળી ગયા.
૧૬ હવે જુઓ! એક યુવાન તેમની પાસે આવ્યો અને પૂછ્યું: “શિક્ષક, હંમેશ માટેનું જીવન મેળવવા મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?”+
૧૭ ઈસુએ કહ્યું: “સારાં કામો કયાં છે એ તું મને શા માટે પૂછે છે? ફક્ત ઈશ્વર જ સારા છે.*+ જો તારે જીવન મેળવવું હોય તો ઈશ્વરની આજ્ઞાઓ પાળતો રહે.”+
૧૮ તેણે પૂછ્યું: “કઈ આજ્ઞાઓ?” ઈસુએ કહ્યું: “તમે ખૂન ન કરો,+ તમે વ્યભિચાર ન કરો,+ તમે ચોરી ન કરો,+ તમે જૂઠી સાક્ષી ન પૂરો,+
૧૯ તમારાં માતા-પિતાને માન આપો+ અને તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.”+
૨૦ પેલા યુવાને તેમને કહ્યું: “આ બધું તો હું પાળતો આવ્યો છું, હજુ મારે શું કરવાની જરૂર છે?”
૨૧ ઈસુએ તેને કહ્યું: “જો તું સંપૂર્ણ* થવા ચાહતો હોય, તો જઈને તારી બધી માલ-મિલકત વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે.+ આવ, મારો શિષ્ય બન.”+
૨૨ એ સાંભળીને એ યુવાન બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+
૨૩ ઈસુએ શિષ્યોને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ધનવાન માણસ માટે સ્વર્ગના રાજ્યમાં જવું બહુ અઘરું થશે.+
૨૪ હું તમને ફરીથી કહું છું: ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”+
૨૫ એ સાંભળીને શિષ્યો બહુ જ નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા: “તો પછી કોઈ બચી શકે ખરું?”+
૨૬ ઈસુએ તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે.”+
૨૭ પછી પિતરે તેમને કહ્યું: “જુઓ! અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે?”+
૨૮ ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, બધું નવું બનાવવામાં આવશે ત્યારે માણસનો દીકરો પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે. એ વખતે મારી પાછળ આવનારા તમે ૧૨ રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરશો.+
૨૯ જે કોઈએ મારા નામને લીધે ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તે એ બધું સો ગણું વધારે મેળવશે. તે હંમેશ માટેના જીવનનો વારસો પણ મેળવશે.+
૩૦ “પણ ઘણા જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે, જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે.+
ફૂટનોટ
^ અથવા, “જેઓને એ ભેટ મળી છે.”
^ મૂળ, “નપુંસક રહે છે.”
^ મૂળ, “તેઓ પર હાથ મૂકે.”
^ એટલે કે, તે જ નક્કી કરે છે કે શું સારું છે.
^ અથવા, “ખામી વગરનો.”