માથ્થી ૨૮:૧-૨૦

  • ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા (૧-૧૦)

  • જૂઠું બોલવા ચોકીદારોને લાંચ આપવામાં આવી (૧૧-૧૫)

  • ઈસુએ શિષ્યો બનાવવાનું કામ સોંપ્યું (૧૬-૨૦)

૨૮  સાબ્બાથ પછી અઠવાડિયાના પહેલા દિવસે* સવાર થતાં જ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ કબર જોવા આવી.+ ૨  જુઓ! મોટો ધરતીકંપ થયો હતો, કેમ કે યહોવાનો* દૂત સ્વર્ગમાંથી નીચે ઊતર્યો હતો. તેણે કબરનો પથ્થર ગબડાવી દીધો હતો અને એના પર બેઠો હતો.+ ૩  તેનો દેખાવ વીજળી જેવો હતો. તેનાં કપડાં બરફ જેવા સફેદ હતાં.+ ૪  તેને જોઈને ચોકીદારો ડરી ગયા. તેઓ ધ્રૂજી ઊઠ્યા અને મરેલા જેવા થઈ ગયા. ૫  પણ એ દૂતે સ્ત્રીઓને કહ્યું: “ગભરાશો નહિ! હું જાણું છું કે તમે ઈસુને શોધો છો, જેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા.+ ૬  તે અહીં નથી. તેમણે કહ્યું હતું એમ, તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ આવો, તેમનું શબ જ્યાં હતું એ જગ્યા જુઓ. ૭  જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો: ‘તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. જુઓ, તે તમારી આગળ ગાલીલ જાય છે.+ તમે તેમને ત્યાં જોશો.’ હું તમને એ જ કહેવા આવ્યો છું.”+ ૮  તેઓ કબર છોડીને ઝડપથી નીકળી અને તેમના શિષ્યોને ખબર આપવા દોડી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પણ તેઓની ખુશી સમાતી ન હતી.+ ૯  અચાનક ઈસુ તેઓને રસ્તામાં મળ્યા. તેમણે કહ્યું: “સલામ!” તેઓએ તેમના પગ પકડી લીધા અને તેમને પ્રણામ કર્યા. ૧૦  ઈસુએ કહ્યું: “ડરો નહિ! જાઓ, મારા ભાઈઓને ખબર આપો કે તેઓ ગાલીલ જાય. ત્યાં તેઓ મને જોશે.” ૧૧  તેઓ જતી હતી ત્યારે અમુક ચોકીદારો શહેરમાં ગયા.+ જે કંઈ બન્યું હતું એ બધું ચોકીદારોએ મુખ્ય યાજકોને જણાવ્યું. ૧૨  મુખ્ય યાજકોએ વડીલો સાથે ચર્ચા કરી. તેઓએ સૈનિકોને ચાંદીના ઘણા સિક્કા આપ્યા ૧૩  અને કહ્યું: “તમે કહેજો કે ‘રાતે અમે ઊંઘતા હતા ત્યારે તેના શિષ્યો આવ્યા અને તેનું શબ ચોરી ગયા.’+ ૧૪  જો આ વાત રાજ્યપાલને કાને પડશે, તો અમે તેમને સમજાવી દઈશું.* તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.” ૧૫  સૈનિકોએ ચાંદીના સિક્કા લીધા અને જેમ તેઓને કહેવામાં આવ્યું હતું એમ કર્યું. આ વાત આજ સુધી યહૂદીઓમાં ચારે બાજુ ફેલાયેલી છે. ૧૬  ઈસુએ જણાવ્યું હતું+ તેમ, ૧૧ શિષ્યો તેમને મળવા ગાલીલમાં પહાડ પર ગયા.+ ૧૭  જ્યારે શિષ્યોએ તેમને જોયા ત્યારે ઘૂંટણિયે પડ્યા, પણ અમુકે શંકા કરી. ૧૮  ઈસુએ તેઓની પાસે આવીને કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.+ ૧૯  એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+ ૨૦  મેં તમને જે આજ્ઞાઓ આપી છે,+ એ બધી પાળવાનું તેઓને શીખવો. જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”+

ફૂટનોટ

આ દિવસને આપણે રવિવાર કહીએ છીએ. યહૂદીઓ માટે એ અઠવાડિયાનો પહેલો દિવસ હતો.
મૂળ, “કારણ આપીને મનાવીશું.”