માથ્થી ૪:૧-૨૫

  • શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું (૧-૧૧)

  • ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૨-૧૭)

  • પહેલા શિષ્યોને બોલાવવામાં આવ્યા (૧૮-૨૨)

  • ઈસુ પ્રચાર કરે છે, શીખવે છે અને સાજા કરે છે (૨૩-૨૫)

 પછી પવિત્ર શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં લઈ ગઈ. ત્યાં શેતાને*+ તેમનું પરીક્ષણ કર્યું.+ ૨  ઈસુએ ૪૦ દિવસ અને ૪૦ રાત ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. ૩  એ સમયે પરીક્ષણ કરનાર શેતાન+ આવ્યો અને ઈસુને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય.” ૪  પણ તેમણે જવાબમાં કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના* મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.’”+ ૫  પછી શેતાન તેમને પવિત્ર શહેરમાં લઈ ગયો+ અને મંદિરની દીવાલની ટોચ* પર ઊભા રાખ્યા.+ ૬  તેણે તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે કૂદકો માર. કેમ કે એમ લખેલું છે કે ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે’ અને ‘તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’”+ ૭  ઈસુએ તેને કહ્યું: “એમ પણ લખેલું છે કે ‘તું તારા ઈશ્વર યહોવાની* કસોટી ન કર.’”+ ૮  ત્યાર બાદ શેતાન તેમને બહુ ઊંચા પહાડ પર લઈ ગયો. તેણે ઈસુને દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં.+ ૯  તેણે તેમને કહ્યું: “જો તું એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે, તો હું તને આ બધું આપી દઈશ.” ૧૦  પણ ઈસુએ તેને કહ્યું: “અહીંથી ચાલ્યો જા શેતાન!* એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર+ અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’”+ ૧૧  એટલે શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો.+ ત્યાર બાદ દૂતો આવીને ઈસુને મદદ કરવા લાગ્યા.+ ૧૨  જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યો છે,+ ત્યારે તે ગાલીલ જવા નીકળી ગયા.+ ૧૩  પછી નાઝરેથથી નીકળીને તે કાપરનાહુમ ગયા+ અને ત્યાં રહ્યા. એ સરોવરને કિનારે આવેલું છે, જે સરોવર ઝબુલોન અને નફતાલી જિલ્લાઓમાં છે. ૧૪  આ રીતે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: ૧૫  “ઓ બીજી પ્રજાઓના ગાલીલ! ઓ ઝબુલોન અને નફતાલીના વિસ્તારો! સમુદ્ર તરફ જતા રસ્તે અને યર્દનની પશ્ચિમે રહેનારા લોકો! ૧૬  અંધકારમાં બેઠેલા લોકોએ મોટો પ્રકાશ જોયો. મરણની છાયામાં બેઠેલા લોકો પર પ્રકાશ ઝળહળી ઊઠ્યો.”+ ૧૭  એ સમયથી ઈસુ પ્રચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”+ ૧૮  એકવાર ઈસુ ગાલીલ સરોવરને* કિનારે ચાલતા હતા. તેમણે સિમોન, જે પિતર કહેવાય છે+ તેને અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. તેઓ માછીમાર હતા.+ ૧૯  ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.”+ ૨૦  તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.+ ૨૧  આગળ ગયા પછી ઈસુએ બીજા બે ભાઈઓને, એટલે કે ઝબદીના દીકરા, યાકૂબ અને યોહાનને જોયા.+ તેઓ પોતાના પિતા ઝબદી સાથે હોડીમાં જાળ સાંધતા હતા. ઈસુએ તેઓને બોલાવ્યા.+ ૨૨  તેઓ તરત જ હોડી અને પોતાના પિતાને છોડીને તેમની પાછળ ગયા. ૨૩  પછી ઈસુ આખા ગાલીલમાં+ ફરીને ત્યાંનાં સભાસ્થાનોમાં*+ શીખવવા લાગ્યા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા. લોકોને જે કોઈ રોગ હોય, જે કોઈ કમજોરી હોય એમાંથી તેઓને સાજા કર્યા.+ ૨૪  તેમના વિશેની ખબર આખા સિરિયામાં ફેલાઈ ગઈ. દુઃખ-દર્દ અને રોગોથી પીડાતા+ સર્વને લોકો ઈસુ પાસે લઈ આવ્યા. તેઓમાં એવા લોકો પણ હતા, જેઓ દુષ્ટ દૂતોના* વશમાં હતા,+ જેઓ ખેંચથી* પીડાતા હતા+ અને જેઓને લકવો થયેલો હતો. તેમણે બધાને સાજા કર્યા. ૨૫  એટલે ગાલીલ, દકાપોલીસ,* યરૂશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની આ બાજુથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ ગયાં.

ફૂટનોટ

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા, “પાળી; સૌથી ઊંચી જગ્યા.”
બાઇબલમાં એને ગન્‍નેસરેત સરોવર અને તિબેરિયાસ સરોવર પણ કહેવામાં આવ્યું છે.
ગ્રીક, સિનેગોગ. શબ્દસૂચિ જુઓ.
આને “ફેફરાંની બીમારી” કહેવાય છે.