માથ્થી ૭:૧-૨૯
૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો,+ જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે.
૨ તમે જે રીતે બીજાઓને દોષિત ઠરાવો છો, એ જ રીતે તમને દોષિત ઠરાવવામાં આવશે.+ તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ માપી આપશે.+
૩ તમે કેમ તમારા ભાઈની* આંખમાંનું તણખલું જુઓ છો, પણ તમારી આંખમાંનો ભારોટિયો* જોતા નથી?+
૪ જો તમારી આંખમાં ભારોટિયો હોય, તો તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે’?
૫ ઓ ઢોંગીઓ! પહેલા તમારી આંખમાંથી ભારોટિયો કાઢો. પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંથી તણખલું કઈ રીતે કાઢવું.
૬ “જે પવિત્ર છે એ કૂતરાઓને ન આપો અને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો.+ એવું ન થાય કે તેઓ એને પગ નીચે ખૂંદે અને સામા થઈને તમને ફાડી ખાય.
૭ “માંગતા રહો અને તમને આપવામાં આવશે.+ શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.+
૮ જે કોઈ માંગે છે તેને મળે છે,+ જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે.
૯ તમારામાં એવું કોણ છે, જેની પાસે તેનો દીકરો રોટલી માંગે તો તેને પથ્થર આપશે?
૧૦ અથવા તે માછલી માંગે તો તેને સાપ આપશે?
૧૧ તમે પાપી હોવા છતાં તમારાં બાળકોને સારી ભેટ આપો છો. તો પછી સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ માંગે છે, તેઓને તે સારી વસ્તુઓ આપશે એમાં કોઈ જ શંકા નથી.+
૧૨ “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.+ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સાર એ જ છે.+
૧૩ “સાંકડા દરવાજાથી અંદર જાઓ,+ કેમ કે પહોળો દરવાજો અને સરળ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે. ઘણા લોકો એ દરવાજામાં થઈને જાય છે.
૧૪ જ્યારે કે સાંકડો દરવાજો અને મુશ્કેલ રસ્તો જીવન તરફ લઈ જાય છે. બહુ થોડા લોકોને એ મળે છે.+
૧૫ “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો.+ તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે.+ પણ તેઓ અંદરથી તો ભૂખ્યાં અને ખતરનાક વરુઓ જેવા છે.+
૧૬ તેઓનાં કાર્યોથી* તમે તેઓને ઓળખશો. શું લોકો ક્યારેય કાંટાળા છોડ પરથી દ્રાક્ષ અથવા ઝાડી-ઝાંખરાં પરથી અંજીર તોડે છે?+
૧૭ એ જ રીતે, દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, પણ દરેક સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે.+
૧૮ સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને સડેલું ઝાડ સારાં ફળ આપી શકતું નથી.+
૧૯ જે ઝાડ સારાં ફળ આપતું નથી, એ કપાય છે અને આગમાં નંખાય છે.+
૨૦ તમે એ લોકોને તેઓનાં કાર્યોથી ઓળખશો.+
૨૧ “મને ‘માલિક, માલિક’ કહેનારા બધા લોકો સ્વર્ગના રાજ્યમાં જશે નહિ. પણ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ એમાં જશે.+
૨૨ એ દિવસે ઘણા મને કહેશે: ‘માલિક, માલિક,+ શું અમે તમારા નામે ભવિષ્યવાણી* કરી ન હતી? તમારા નામે લોકોમાંથી દુષ્ટ દૂતોને કાઢ્યા ન હતા? તમારા નામે ઘણા ચમત્કારો કર્યા ન હતા?’+
૨૩ પણ હું એ સમયે તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’+
૨૪ “એટલે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરે છે, તે સમજદાર માણસ જેવો છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.+
૨૫ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો. તોપણ એ ઘર પડ્યું નહિ, કેમ કે એનો પાયો ખડક પર નંખાયો હતો.
૨૬ પણ જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરતો નથી, તે મૂર્ખ માણસ જેવો છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.+
૨૭ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી.+ એ ઘર પડી ગયું અને એનો પૂરેપૂરો નાશ થયો.”
૨૮ ઈસુએ બોલવાનું પૂરું કર્યું ત્યારે, તેમની શીખવવાની રીતથી લોકો દંગ રહી ગયા.+
૨૯ ઈસુ તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેની પાસે અધિકાર હોય એ રીતે શીખવતા હતા.+