માલાખી ૩:૧-૧૮
૩ “જુઓ! હું મારો સંદેશવાહક મોકલું છું. તે મારી આગળ રસ્તો તૈયાર કરશે.+ અને સાચા પ્રભુ જેમને તમે શોધી રહ્યા છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે.+ કરારનો સંદેશવાહક પણ આવશે, જેની તમે ખુશી ખુશી રાહ જુઓ છો. જુઓ! તે ચોક્કસ આવશે,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૨ “તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકશે? તે હાજર થશે ત્યારે તેમની આગળ કોણ ઊભું રહી શકશે? કેમ કે તે ભઠ્ઠીની આગ જેવા અને ધોબીના સાબુ*+ જેવા થશે.
૩ ધાતુ ગાળનાર અને ચાંદી શુદ્ધ કરનારની જેમ પ્રભુ બેસશે.+ તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેઓને સોના અને ચાંદીની જેમ શુદ્ધ કરશે.* તેઓ યહોવા માટે એવા લોકો બનશે, જેઓ સચ્ચાઈથી ભેટ-અર્પણ ચઢાવશે.
૪ યહોવા ફરી એક વાર યહૂદા અને યરૂશાલેમનાં ભેટ-અર્પણોથી ખુશ થશે.*+
૫ “હું તમારો ન્યાય કરવા આવીશ. જાદુટોણાં કરનાર+ અને વ્યભિચાર કરનાર વિરુદ્ધ, જૂઠા સમ ખાનાર+ અને મજૂરો સાથે બેઈમાની કરનાર+ વિરુદ્ધ, વિધવા અને અનાથને* સતાવનાર+ વિરુદ્ધ અને પરદેશીને મદદ ન કરનાર*+ વિરુદ્ધ હું તરત જ મારો ચુકાદો સંભળાવીશ.* તેઓએ મારો ડર રાખ્યો નથી,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૬ “હું યહોવા છું. હું કદી બદલાતો નથી.*+ તમે યાકૂબના દીકરાઓ છો, એટલે હજી સુધી તમારો અંત આવ્યો નથી.
૭ તમારા બાપદાદાઓના સમયથી તમે મારા નિયમોથી ફંટાઈ ગયા છો. તમે મારા નિયમો પાળ્યા નથી.+ તમે મારી પાસે પાછા આવો અને હું તમારી પાસે પાછો આવીશ,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
તમે કહો છો: “અમે કઈ રીતે તમારી પાસે પાછા આવીએ?”
૮ “શું મામૂલી માણસ ઈશ્વરને લૂંટી શકે? પણ તમે મને લૂંટી રહ્યા છો.”
તમે કહો છો: “અમે તમને કઈ રીતે લૂંટ્યા છે?”
“દસમો ભાગ* અને દાનો ન આપીને.
૯ સાચે જ, તમારા પર શ્રાપ ઊતરી આવ્યો છે,* કેમ કે તમે મને લૂંટી રહ્યા છો. ફક્ત તમે જ નહિ, આખી પ્રજા મને લૂંટી રહી છે.
૧૦ તમારો પૂરો દસમો ભાગ* ભંડારમાં લાવો,+ જેથી મારા ઘરમાં ખોરાકની અછત ન રહે.+ મારું પારખું તો કરી જુઓ, હું તમારા માટે આકાશના દરવાજા ખોલી દઉં છું કે નહિ.+ હું તમારા પર એટલો બધો આશીર્વાદ વરસાવીશ* કે તમને કશાની ખોટ નહિ પડે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૧ “હું નાશ કરનારને* ધમકાવીશ અને તે તમારા દેશની ઊપજ નષ્ટ કરશે નહિ. તમારા દ્રાક્ષાવેલા ફળ વગરના રહેશે નહિ,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૨ “ત્યારે બધી પ્રજાઓ તમને સુખી કહેશે+ અને તમારો દેશ* ખુશીનો દેશ બનશે,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૩ યહોવા કહે છે: “તમે મારી વિરુદ્ધ કઠોર શબ્દો બોલ્યા છો.”
પણ તમે કહો છો: “અમે તમારી વિરુદ્ધ એવું તો શું બોલ્યા છીએ?”+
૧૪ “તમે કહો છો, ‘ઈશ્વરને ભજવાનો કોઈ ફાયદો નથી.+ તેમના નિયમો પાળીને આપણને શું મળ્યું? સૈન્યોના ઈશ્વર યહોવા આગળ પાપોનો પસ્તાવો કરીને આપણને શું મળ્યું?
૧૫ અમને તો લાગે છે કે ઘમંડી લોકો સુખી છે. દુષ્ટ કામો કરનાર સફળ થાય છે.+ તેઓની હિંમત તો જુઓ, તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે અને તેઓને કંઈ પણ થતું નથી.’”
૧૬ ત્યારે યહોવાનો ડર* રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી. દરેકે પોતાના સાથી જોડે વાત કરી. યહોવા એ સાંભળતા હતા અને તેઓ પર ધ્યાન આપતા હતા. પછી તેમની આગળ યાદગીરીના પુસ્તકમાં યહોવાનો ડર રાખનારા અને તેમના નામનું મનન કરનારાઓનાં* નામ લખવામાં આવ્યાં.+
૧૭ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “જે દિવસે હું તેઓને મારી ખાસ સંપત્તિ* બનાવીશ,+ એ દિવસે તેઓ મારા લોકો થશે.+ જેમ એક પિતા તેનું કહેવું માનનાર દીકરાને કરુણા બતાવે છે, તેમ હું તેઓને કરુણા બતાવીશ.+
૧૮ તમે ફરીથી નેક* અને દુષ્ટ વચ્ચેનો ફરક+ અને ઈશ્વરની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક જોશો.”
ફૂટનોટ
^ અથવા, “ક્ષાર.” રાખથી બનાવેલો એક પ્રકારનો સાબુ.
^ અથવા, “જેમ ગાળશે.”
^ અથવા, “સંતોષ મળશે.”
^ અથવા, “સાક્ષી પૂરીશ.”
^ અથવા, “હક ન આપનાર.”
^ અથવા, “પિતા વગરના બાળકને.”
^ અથવા, “હું બદલાયો નથી.”
^ અથવા કદાચ, “શ્રાપથી તમે મને શ્રાપ આપો છો.”
^ અથવા, “બધા દસમા ભાગ.”
^ મૂળ, “ખાલી કરી દઈશ.”
^ દેખીતું છે, એ જીવડાંની આફતને બતાવે છે.
^ મૂળ, “તમે લોકો.”
^ શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.
^ અથવા, “વિચાર કરનારાઓનાં.” અથવા કદાચ, “સંઘરી રાખનારાઓનાં.”
^ અથવા, “ખાસ પ્રજા.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.