મીખાહ ૧:૧-૧૬

  • સમરૂન અને યહૂદા વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૬)

    • પાપ અને ગુનાને લીધે મુશ્કેલીઓ ()

 મોરેશેથના વતની મીખાહને*+ યહોવાનો* સંદેશો મળ્યો. તેને એ સંદેશો યહૂદાના રાજા+ યોથામ,+ આહાઝ+ અને હિઝકિયાના+ દિવસોમાં મળ્યો. મીખાહને સમરૂન અને યરૂશાલેમ વિશે આ દર્શન મળ્યું:  ૨  “હે સર્વ લોકો, તમે સાંભળો! હે પૃથ્વી અને એમાં રહેનારાઓ, તમે ધ્યાન આપો! યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. વિશ્વના માલિક* યહોવા તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે.+  ૩  જુઓ! યહોવા પોતાના રહેઠાણમાંથી બહાર નીકળી રહ્યા છે. તે નીચે ઊતરશે અને પૃથ્વીની ઊંચી ઊંચી જગ્યાઓ પર ચાલશે.  ૪  જેમ આગ સામે મીણ પીગળી જાય છેઅને ઢોળાવ પરથી પાણી વહી જાય છે,તેમ પર્વતો તેમના પગ નીચે પીગળી જશે+અને ખીણો* ચિરાઈ જશે.  ૫  એ બધું યાકૂબના ગુનાને* લીધે થશે,ઇઝરાયેલના વંશજોનાં* પાપને લીધે થશે.+ યાકૂબના ગુના માટે કોણ જવાબદાર છે? શું એ સમરૂન નથી?+ યહૂદાનાં ભક્તિ-સ્થળો* માટે કોણ જવાબદાર છે?+ શું એ યરૂશાલેમ નથી?  ૬  હું સમરૂનને પથ્થરોનો ઢગલો બનાવી દઈશ. તેને દ્રાક્ષાવેલા રોપવાની જગ્યા બનાવી દઈશ. હું તેના પથ્થરોને ખીણમાં ધકેલી દઈશ અને તેના પાયા ઉઘાડા કરી નાખીશ.  ૭  તેની બધી કોતરેલી મૂર્તિઓના ચૂરેચૂરા કરી નાખવામાં આવશે,+તેણે વ્યભિચારથી મેળવેલી ભેટોને આગમાં બાળી નાખવામાં આવશે.+ હું તેની બધી મૂર્તિઓનો નાશ કરી દઈશ. વ્યભિચારના વેતનથી તેણે જે કંઈ ભેગું કર્યું છે,એ બીજી વેશ્યાઓને વેતન તરીકે આપવામાં આવશે.”  ૮  હું વિલાપ કરીશ અને પોક મૂકીને રડીશ.+ હું ઉઘાડા શરીરે અને ઉઘાડા પગે ચાલીશ.+ હું શિયાળની જેમ રડીશઅને શાહમૃગની જેમ શોક કરીશ.  ૯  કેમ કે તેના ઘા રુઝાય એમ નથી,+એ ઘાની અસર છેક યહૂદા સુધી પહોંચી છે.+ તેની બીમારી મારા લોકોના દરવાજા સુધી, છેક યરૂશાલેમ સુધી ફેલાઈ છે.+ ૧૦  “ગાથમાં એ જાહેર કરશો નહિ,તમે જરાય વિલાપ કરશો નહિ. હે બેથ-આફ્રાહના* રહેવાસીઓ, ધૂળમાં આળોટો. ૧૧  હે શાફીરના રહેવાસીઓ, નગ્‍ન અને શરમજનક હાલતમાં પેલે પાર જાઓ. સાઅનાન નગરના રહેવાસીઓ બહાર આવ્યા નથી. બેથ-એસેલ તમારો સહારો હતો, પણ હવે તે પોતે વિલાપ કરશે. ૧૨  મારોથના રહેવાસીઓ કંઈક સારું થવાની આશા રાખતા હતા,પણ યહોવાએ યરૂશાલેમના દરવાજે આફત મોકલી છે. ૧૩  હે લાખીશના+ રહેવાસીઓ, રથને ઘોડા જોડો. તમારાથી જ સિયોનની દીકરીનું પાપ શરૂ થયું છે,તારામાં* ઇઝરાયેલના ગુના જોવા મળ્યા છે.+ ૧૪  તું ભેટ-સોગાદો આપીને મોરેશેથ-ગાથને વિદાય કરીશ. આખ્ઝીબના રહેવાસીઓએ*+ ઇઝરાયેલના રાજાઓને દગો દીધો છે. ૧૫  હે મારેશાહના રહેવાસીઓ,+ હું તમારા પર એક વિજેતા* મોકલીશ, જે તમને જીતી લેશે.+ છેક અદુલ્લામ+ સુધી ઇઝરાયેલનું ગૌરવ છવાઈ જશે. ૧૬  તમે વાળ કપાવીને માથું મૂંડાવો, કેમ કે તમારાં વહાલાં બાળકો પર આફત આવી પડશે. તમે ગરુડની જેમ બોડા થઈ જાઓ,કેમ કે તમારાં બાળકોને ગુલામીમાં* લઈ જવામાં આવ્યાં છે.”+

ફૂટનોટ

મિખાયેલનું ટૂંકું રૂપ (અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”) અથવા મીખાયાહનું ટૂંકું રૂપ (અર્થ, “યહોવા જેવું કોણ છે?”).
અથવા, “નીચાણ પ્રદેશો.”
અથવા, “બંડને.”
અથવા, “ઇઝરાયેલના ઘરનાં.”
મૂળ, “ઉચ્ચ સ્થાનો.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “આફ્રાહના ઘરના.”
કદાચ એ સિયોનની દીકરીને રજૂ કરે છે.
મૂળ, “આખ્ઝીબનાં ઘરોએ.”
અથવા, “કબજે કરનાર માણસ.”