મીખાહ ૬:૧-૧૬

  • ઇઝરાયેલ વિરુદ્ધ ઈશ્વરનો મુકદ્દમો (૧-૫)

  • યહોવા શું માંગે છે? (૬-૮)

    • ન્યાય, વફાદારી અને મર્યાદા ()

  • ઇઝરાયેલનો ગુનો અને સજા (૯-૧૬)

 હે લોકો, યહોવાની વાત સાંભળો. ઊભા થાઓ અને પર્વતો આગળ તમારી ફરિયાદ* રજૂ કરો,ડુંગરો તમારી ફરિયાદ સાંભળશે.+  ૨  હે પર્વતો અને પૃથ્વીના અડગ પાયા,યહોવાનો મુકદ્દમો સાંભળો.+ યહોવાને પોતાના લોકો વિરુદ્ધ ફરિયાદ છે. તે ઇઝરાયેલ સામે પોતાનો પક્ષ રજૂ કરશે અને પૂછશે:+  ૩  “હે મારા લોકો, મેં એવું તો શું કર્યું છે? મેં તમને શું દુઃખ આપ્યું છે?+ મારી વિરુદ્ધ જે કંઈ હોય એ કહી દો.  ૪  મેં તમને ઇજિપ્ત* દેશમાંથી બહાર કાઢ્યા+અને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા.+ મેં તમારી પાસે મૂસા, હારુન અને મરિયમને+ મોકલ્યાં.  ૫  હે મારા લોકો, યાદ કરો, મોઆબના રાજા બાલાકે કેવું કાવતરું ઘડ્યું હતું,+અને બયોરના દીકરા બલામે તેને કેવો જવાબ આપ્યો હતો.+ શિટ્ટીમથી+ લઈને ગિલ્ગાલ+ સુધી શું બન્યું હતું એ યાદ કરો,જેથી તમે યહોવાનાં નેક કામ જાણી શકો.”  ૬  શું લઈને હું યહોવા આગળ જઉં? શું લઈને હું ઊંચે બિરાજનાર ઈશ્વરને નમન કરવા જઉં? શું અગ્‍નિ-અર્પણ* લઈને તેમની આગળ જાઉં? શું એક વર્ષના વાછરડાનું બલિદાન ચઢાવું?+  ૭  શું યહોવા હજારો ઘેટાંથી ખુશ થશે? શું તેલની લાખો નદીઓથી તે રાજી થશે?+ શું મારા અપરાધ* માટે મારા પ્રથમ જન્મેલા* દીકરાનું અર્પણ કરું? શું મારા પાપ માટે મારા બાળકનો બલિ ચઢાવું?+  ૮  હે મનુષ્ય, સારું શું છે, એ તેમણે તને જણાવ્યું છે. તું ન્યાયથી* વર્તે,+ વફાદારીને વળગી રહે,*+ અને મર્યાદામાં રહીને+ તારા ઈશ્વર સાથે ચાલે,+એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?  ૯  યહોવા શહેરને પોકાર કરે છે,(સમજુ* માણસો તમારા* નામનો ડર રાખશે) “સજાની સોટી પર અને સજા લાવનાર પર ધ્યાન આપો.”+ ૧૦  શું દુષ્ટના ઘરમાં હજી પણ દુષ્ટતાથી મેળવેલી મિલકત છે? શું તેની પાસે હજી પણ એવાં ખોટાં એફાહ માપ* છે, જેને ઈશ્વર ધિક્કારે છે? ૧૧  ખોટાં ત્રાજવાં અને પથ્થરનાં જૂઠાં વજનિયાં રાખીને,+શું હું નિર્દોષ* રહી શકું? ૧૨  તેના અમીર માણસો જોરજુલમ કરે છે,તેના રહેવાસીઓ જૂઠું બોલે છે.+ તેઓની જીભ કપટી વાતો કરે છે.+ ૧૩  “એટલે હું તને સખત સજા કરીશ,+તારાં પાપોને લીધે હું તને ઉજ્જડ કરી દઈશ. ૧૪  તું ખાઈશ, પણ ધરાઈશ નહિ,તું ભૂખ્યો ને ભૂખ્યો જ રહીશ.+ તું તારી વસ્તુઓ સલામત જગ્યાએ લઈ જવાની કોશિશ કરીશ,પણ તું સફળ થઈશ નહિ. અને જો તું સફળ થાય પણ ખરો,તો હું એ બધું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. ૧૫  તું બી વાવીશ, પણ પાક લણીશ નહિ. તું જૈતૂનનાં ફળ ખૂંદીશ, પણ એનું તેલ વાપરી શકીશ નહિ. તું નવો દ્રાક્ષદારૂ બનાવીશ, પણ એ પી શકીશ નહિ.+ ૧૬  તું ઓમ્રીના નિયમો પાળે છે,આહાબ અને તેના વંશજો જેવાં કામો કરે છે.+ તું તેઓની સલાહ પ્રમાણે ચાલે છે. એટલે હું તારા એવા હાલ કરીશ કે લોકો તને જોઈને ધ્રૂજી ઊઠશે. લોકો સીટી વગાડીને શહેરના રહેવાસીઓની મજાક ઉડાવશે+અને તારે લોકોનાં મહેણાં સાંભળવાં પડશે.”+

ફૂટનોટ

અથવા, “મુકદ્દમો.”
અથવા, “મિસર.”
અથવા, “બંડ.”
અથવા, “કૃપાળુ બને અને પ્રેમમાં વફાદારી નિભાવે.” મૂળ, “અતૂટ પ્રેમને પ્રેમ કરે.”
અથવા, “સચ્ચાઈથી.”
અથવા, “વ્યવહારુ બુદ્ધિ ધરાવતા.”
મૂળ, “તેમના.”
અથવા, “નૈતિક રીતે શુદ્ધ.”