યર્મિયાનો વિલાપ ૨:૧-૨૨

  • યરૂશાલેમ પર યહોવાનો ગુસ્સો

    • યહોવાએ જરાય દયા બતાવી નથી ()

    • યહોવા તેના માટે દુશ્મન જેવા છે ()

    • યર્મિયાએ સિયોન માટે આંસુ વહાવ્યાં (૧૧-૧૩)

    • મુસાફરો એક વખતની અતિ સુંદર નગરીની મજાક ઉડાવે છે (૧૫)

    • સિયોનની પડતીથી દુશ્મનો ખુશ થાય છે (૧૭)

א [આલેફ]  જુઓ, યહોવાએ ગુસ્સે ભરાઈને સિયોનની દીકરીને વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયેલની શોભા આકાશમાંથી પૃથ્વી પર ફેંકી દીધી છે.+ તેમણે ક્રોધના દિવસે પોતાના પગના આસનને+ યાદ કર્યું નથી. ב [બેથ]  ૨  યહોવા યાકૂબનાં રહેઠાણો ગળી ગયા છે, તેમણે જરાય દયા બતાવી નથી. રોષે ભરાઈને તેમણે યહૂદાની દીકરીના કિલ્લાઓ તોડી પાડ્યા છે.+ તેમણે રાજ્ય+ અને પ્રધાનોને+ પાડી નાખ્યાં છે, તેઓની આબરૂ ધૂળમાં મેળવી છે. ג [ગિમેલ]  ૩  ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે ઇઝરાયેલનું બળ ખતમ કરી નાખ્યું.* દુશ્મન આવ્યો ત્યારે તેમણે પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો.+ આગની જેમ તેમનો કોપ યાકૂબ પર સળગતો રહ્યો અને એની આસપાસનું બધું ભસ્મ કરી દીધું.+ ד [દાલેથ]  ૪  દુશ્મનની જેમ તેમણે કમાન ખેંચી છે,વેરીની જેમ હુમલો કરવા તેમણે જમણો હાથ તૈયાર રાખ્યો છે.+ અમારી આંખોને જેઓ પ્રિય છે, તેઓને તે મારી નાખે છે.+ સિયોનની દીકરીના તંબુ પર+ તે ક્રોધની આગ વરસાવે છે.+ ה [હે]  ૫  યહોવા એક દુશ્મન બન્યા છે.+ તે ઇઝરાયેલને ગળી ગયા છે. તેમણે તેના મિનારાઓ જમીનદોસ્ત કર્યા છે. તેમણે તેના કિલ્લાઓ ભોંયભેગા કર્યા છે. તેમણે યહૂદાની દીકરીનો શોક અને વિલાપ વધાર્યો છે. ו [વાવ]  ૬  બાગની ઝૂંપડીની જેમ તેમણે પોતાનો માંડવો તોડી પાડ્યો છે.+ તે તહેવારનો અંત લાવ્યા છે.+ યહોવાએ સિયોનમાંથી તહેવાર અને સાબ્બાથની* યાદ ભૂંસી નાખી છે. તેમણે ગુસ્સે ભરાઈને રાજા અને યાજકને ત્યજી દીધા છે.+ ז [ઝાયિન]  ૭  યહોવાએ પોતાની વેદીનો* નકાર કર્યો છે. તેમણે પોતાની પવિત્ર જગ્યાનો ત્યાગ કર્યો છે.+ તેમણે કિલ્લાઓને દુશ્મનના હાથમાં સોંપી દીધા છે.+ તેઓએ યહોવાના મંદિરમાં કોલાહલ કર્યો છે,+ જાણે કોઈ તહેવાર હોય. ח [હેથ]  ૮  યહોવાએ સિયોનની દીકરીની દીવાલ તોડવાનું નક્કી કર્યું છે.+ તેમણે માપવાની દોરી લંબાવી છે.+ તેમણે વિનાશ કરવાથી પોતાનો હાથ પાછો રાખ્યો નથી. તેમના લીધે કોટ અને ઢોળાવ વિલાપ કરે છે,એ બંને કમજોર થઈ ગયા છે. ט [ટેથ]  ૯  તેના દરવાજા જમીનમાં ધસી ગયા છે.+ તેમણે તેની ભૂંગળો તોડીને નષ્ટ કરી છે. તેના રાજા અને પ્રધાનો બીજા દેશોની ગુલામીમાં ગયા છે.+ તેના પ્રબોધકોને* યહોવા તરફથી કોઈ દર્શન મળતું નથી,+કોઈને નિયમોની* પડી નથી. י [યોદ] ૧૦  સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને જમીન પર બેસે છે.+ તેઓ પોતાના માથા પર ધૂળ નાખે છે અને કંતાન પહેરે છે.*+ યરૂશાલેમની કુંવારી છોકરીઓએ* જમીન સુધી માથાં નમાવ્યાં છે. כ [કાફ] ૧૧  રડી રડીને મારી આંખો થાકી ગઈ છે.+ મારી આંતરડી કકળે છે. મારું કાળજું કપાઈ ગયું છે,* કેમ કે મારા લોકોની દીકરીની* પડતી થઈ છે,+બાળકો અને ધાવણાં બાળકો નગરના ચોકમાં બેભાન થઈ રહ્યાં છે.+ ל [લામેદ] ૧૨  તેઓ શહેરના ચોકમાં પડેલા ઘાયલ માણસની જેમ ધીરે ધીરે બેહોશ થઈ રહ્યાં છે. તેઓ પોતાની માને કરગરે છે, “મા, મા, મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે.”*+ એવું કહેતાં કહેતાં તેઓ માના ખોળામાં છેલ્લો શ્વાસ લે છે. מ [મેમ] ૧૩  હે યરૂશાલેમની દીકરી, હું તને કોનો દાખલો આપું? હું તને કોની ઉપમા આપું? હે સિયોનની કુંવારી દીકરી, તને આશ્વાસન આપવા કોની સાથે સરખાવું? તારો જખમ સાગર જેવો વિશાળ છે,+ કોણ તને સાજી કરી શકે?+ נ [નૂન] ૧૪  તારા પ્રબોધકોએ તને જૂઠાં અને નકામાં દર્શનો કહ્યાં છે.+ તેઓએ તારો અપરાધ ખુલ્લો પાડ્યો નહિ, તને ગુલામીમાં જતા બચાવી નહિ.+ તેઓ તને ખોટાં અને છેતરામણાં દર્શનો જણાવતા રહ્યા છે.+ ס [સામેખ] ૧૫  રસ્તે આવજા કરનારા તાળીઓ પાડીને તારી મજાક ઉડાવે છે.+ તેઓ દંગ રહી ગયા છે, સીટીઓ મારે છે,+માથું હલાવીને યરૂશાલેમની દીકરી વિશે કહે છે: “શું આ એ જ નગરી છે, જેના વિશે લોકો કહેતા હતા, ‘વાહ! અતિ સુંદર! આખી દુનિયાને આનંદ આપતી નગરી’?”+ פ [પે] ૧૬  તને જોઈને તારા દુશ્મનોએ મોં ખોલ્યું છે. તેઓ સીટી મારે છે અને દાંત પીસીને કહે છે: “આપણે તેને ગળી ગયા છીએ.+ આપણે આ દિવસની જ રાહ જોતા હતા.+ એ દિવસ આવી પહોંચ્યો છે, આપણને એ જોવા મળ્યો છે!”+ ע [આયિન] ૧૭  યહોવાએ જે નક્કી કર્યું હતું એ પાર પાડ્યું છે,+વર્ષો પહેલાં તેમણે જે કહ્યું હતું+ એ પૂરું કર્યું છે.+ તેમણે તને તબાહ કરી દીધી છે, જરાય દયા બતાવી નથી.+ તારા પર જીત અપાવીને તેમણે દુશ્મનને ખુશ કર્યો છે. તેમણે તારા વેરીઓનું બળ વધાર્યું છે.* צ [સાદે] ૧૮  હે સિયોનની દીકરીની દીવાલ, લોકોનું દિલ યહોવાને પોકારે છે. તું રાત-દિવસ આંસુની નદીઓ વહેવા દે. તું બે ઘડી પણ આરામ ન લે, તારાં આંસુઓ સુકાવા ન દે. ק [કોફ] ૧૯  ઊભી થા, આખી રાત રડ્યા કર, સવારના પહોર સુધી રડ્યા કર. યહોવા આગળ પાણીની જેમ તારું દિલ ઠાલવી દે. દુકાળને લીધે તારાં બાળકો દરેક ગલીને નાકે બેભાન થઈ રહ્યાં છે,+તેઓનો જીવ બચાવવા ઈશ્વર આગળ હાથ ફેલાવ. ר [રેશ] ૨૦  હે યહોવા, જુઓ, તમે તમારા લોકોના કેવા હાલ કર્યા છે. ક્યાં સુધી સ્ત્રીઓ પોતાનાં બાળકોને, પોતાનાં તંદુરસ્ત બાળકોને ખાયા કરશે?+ ક્યાં સુધી યહોવાની પવિત્ર જગ્યામાં યાજકો અને પ્રબોધકો માર્યા જશે?+ ש [શીન] ૨૧  શેરીઓમાં યુવાન છોકરાઓની અને વૃદ્ધ માણસોની લાશો પડી છે.+ મારી કુંવારી છોકરીઓ* અને યુવાન પુરુષો તલવારથી માર્યા ગયા છે.+ તમે ક્રોધના દિવસે તેઓનો સંહાર કર્યો છે, તમે નિર્દય બનીને તેઓની કતલ કરી છે.+ ת [તાવ] ૨૨  તમે ચારે બાજુથી આતંક બોલાવ્યો છે, જાણે તહેવાર+ માટે લોકોને બોલાવતા હો. યહોવાના ક્રોધના દિવસે કોઈ બચી શક્યું નથી કે છટકી શક્યું નથી.+ જેઓને મેં જન્મ આપ્યો અને લાડથી ઉછેર્યા, તેઓને મારા દુશ્મને મારી નાખ્યા છે.+

ફૂટનોટ

મૂળ, “દરેક શિંગ કાપી નાખ્યું.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.
અથવા, “સૂચનોની.”
શબ્દસૂચિમાં “શોક” જુઓ.
એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.
આ કાવ્યાત્મક વર્ણન છે, જે કદાચ લાચારી અથવા સહાનુભૂતિ બતાવે છે.
મૂળ, “મારું કાળજું જમીન પર રેડાઈ ગયું છે.”
મૂળ, “અનાજ અને દ્રાક્ષદારૂ ક્યાં છે?”
મૂળ, “શિંગ ઊંચું કર્યું છે.”
એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.