યર્મિયાનો વિલાપ ૩:૧-૬૬

  • યર્મિયાની લાગણી અને આશા

    • ‘હું ધીરજથી રાહ જોઈશ’ (૨૧)

    • ઈશ્વર રોજ સવારે દયા વરસાવે છે (૨૨, ૨૩)

    • જે માણસ ઈશ્વરમાં આશા રાખે છે, તેના માટે તે ભલા છે (૨૫)

    • યુવાનીમાં ઝૂંસરી ઉપાડવી સારું છે (૨૭)

    • વાદળથી પોતાને ઢાંકીને ઈશ્વરે દરેક રસ્તો બંધ કર્યો છે (૪૩, ૪૪)

א [આલેફ]  હું એવો માણસ છું, જેણે ઈશ્વરના ક્રોધની સોટીને લીધે લોકોને દુઃખી થતા જોયા છે.  ૨  તેમણે મને તગેડી મૂક્યો છે. તે મને રોશનીમાં નહિ, પણ અંધકારમાં ચલાવે છે.+  ૩  આખો દિવસ તે વારંવાર મને ફટકા મારે છે.+ ב [બેથ]  ૪  તેમણે મારી ચામડી ઉખેડી નાખી છે, મારું માંસ ખેંચી કાઢ્યું છે. તેમણે મારાં હાડકાં તોડી નાખ્યાં છે.  ૫  તેમણે મને ઘેરી લીધો છે. ઝેરી કડવાશે+ અને વિપત્તિએ ચારે બાજુથી મને સકંજામાં લીધો છે.  ૬  વર્ષો અગાઉ મરેલા માણસની જેમ તેમણે મને અંધકારમાં રહેવાની ફરજ પાડી છે. ג [ગિમેલ]  ૭  તેમણે મારી ફરતે દીવાલ ચણી છે, જેથી હું છટકી ન શકું. તેમણે મને તાંબાની ભારે બેડીઓથી બાંધી દીધો છે.+  ૮  જ્યારે હું લાચાર થઈને મદદ માટે કાલાવાલા કરું છું, ત્યારે તે મારી પ્રાર્થનાઓ સાંભળતા નથી.*+  ૯  તેમણે પથ્થરોથી મારા માર્ગો રોકી દીધા છે,મારા રસ્તાઓ વાંકાચૂકા કરી દીધા છે.+ ד [દાલેથ] ૧૦  સંતાયેલા રીંછની જેમ તે મારી રાહ જુએ છે,સિંહની જેમ છુપાઈને તે મારા પર તરાપ મારે છે.+ ૧૧  તેમણે મને માર્ગમાંથી ખસેડી નાખ્યો છે, મારા ટુકડે-ટુકડા કરી નાખ્યા છે.* તેમણે મને એકલો-અટૂલો કરી દીધો છે.+ ૧૨  તેમણે પોતાની કમાન ખેંચી છે, તેમણે મને બાણનું નિશાન બનાવ્યો છે. ה [હે] ૧૩  તેમણે પોતાના ભાથાનાં બાણોથી મારું કાળજું* વીંધી નાખ્યું છે. ૧૪  બધા લોકો મારી ઠેકડી ઉડાવે છે, આખો દિવસ ગીતો ગાઈને મારી મશ્કરી કરે છે. ૧૫  તેમણે મને કડવી વસ્તુઓથી ભરી દીધો છે, કડવા છોડનો* રસ પિવડાવ્યો છે.+ ו [વાવ] ૧૬  તે કાંકરાથી મારા દાંત તોડે છે. તે મને રાખમાં રગદોળે છે.+ ૧૭  તમે મારી શાંતિ છીનવી લીધી છે, સુખ* કોને કહેવાય એ હું ભૂલી ગયો છું. ૧૮  એટલે મેં કહ્યું: “મારો વૈભવ જતો રહ્યો છે, યહોવાથી મને ખૂબ આશા હતી, પણ હવે એ મરી પરવારી છે.” ז [ઝાયિન] ૧૯  હું કેટલા દુઃખમાં છું, હું ઘરબાર વગરનો થઈ ગયો છું, કડવો છોડ અને કડવું ઝેર ખાઈ રહ્યો છું,+ એ યાદ રાખજો.+ ૨૦  તમે મને જરૂર યાદ કરશો અને નીચા નમીને મને મદદ કરશો.+ ૨૧  હું એનો વિચાર કરીશ અને ધીરજથી તમારી રાહ જોઈશ.*+ ח [હેથ] ૨૨  યહોવાના અતૂટ પ્રેમને* લીધે અમારો અંત આવ્યો નથી.+ તેમની દયાનો કોઈ પાર નથી.+ ૨૩  તે રોજ સવારે દયા વરસાવે છે,+ તે હંમેશાં ભરોસાપાત્ર છે.+ ૨૪  મેં કહ્યું:* “યહોવા મારો હિસ્સો છે,+ હું ધીરજથી તેમની રાહ જોઈશ.”*+ ט [ટેથ] ૨૫  જે માણસ યહોવામાં આશા રાખે છે,+ જે તેમની ભક્તિ કરે છે,*+ તેના માટે તે ભલા છે. ૨૬  યહોવા તરફથી મળતા ઉદ્ધાર માટે+ ધીરજથી* રાહ જોવી સારું છે.+ ૨૭  માણસ પોતાની યુવાનીમાં ઝૂંસરી* ઉપાડે એ તેના માટે સારું છે.+ י [યોદ] ૨૮  ઈશ્વર તેના પર બોજો મૂકે ત્યારે, તે ચૂપચાપ એકલો બેસી રહે.+ ૨૯  તે પોતાનું મોં ધૂળમાં નાખે,+ કદાચ તેના બચવાની હજી કોઈ આશા હોય.+ ૩૦  લાફો મારનારની સામે તે પોતાનો ગાલ ધરે અને પૂરેપૂરું અપમાન સહે. כ [કાફ] ૩૧  કેમ કે યહોવા આપણને હંમેશ માટે ત્યજી દેશે નહિ.+ ૩૨  ભલે તેમણે દુઃખ આપ્યું, પણ પોતાના મહાન પ્રેમને* લીધે તે આપણને જરૂર દયા બતાવશે.+ ૩૩  માણસના દીકરાઓ પર સતાવણી કે સજા લાવીને તેમને ખુશી મળતી નથી.+ ל [લામેદ] ૩૪  પૃથ્વીના બધા કેદીઓને પગ નીચે કચડી નાખવા,+ ૩૫  સર્વોચ્ચ ઈશ્વર આગળ ન્યાય મેળવવાનો કોઈનો હક છીનવી લેવો+ ૩૬  અને મુકદ્દમામાં કોઈને દગો કરવો,એ બધું યહોવા ચલાવી લેતા નથી. מ [મેમ] ૩૭  યહોવા આજ્ઞા ન આપે ત્યાં સુધી કોણ એ વિશે બોલી શકે, કોણ એને પૂરું કરી શકે? ૩૮  સર્વોચ્ચ ઈશ્વરના મોંમાંથી સારી અને ખરાબ વાતો એક સાથે નીકળતી નથી. ૩૯  જીવતા માણસે કેમ પાપનાં પરિણામની ફરિયાદ કરવી જોઈએ?+ נ [નૂન] ૪૦  ચાલો, આપણા માર્ગોની તપાસ અને પરખ કરીએ.+ ચાલો, યહોવા પાસે પાછા ફરીએ.+ ૪૧  આકાશોના ઈશ્વર તરફ હાથ ફેલાવીએ અને પૂરા દિલથી કહીએ:+ ૪૨  “અમે ભૂલ કરી છે, અમે બંડ પોકાર્યું છે+ અને તમે અમને માફ કર્યા નથી.+ ס [સામેખ] ૪૩  ગુસ્સે ભરાઈને તમે અમારો રસ્તો રોક્યો,+ જેથી અમે તમારી પાસે આવી ન શકીએ. તમે અમારો પીછો કર્યો અને નિર્દય બનીને અમને મારી નાખ્યા.+ ૪૪  તમે વાદળથી પોતાને ઢાંકીને દરેક રસ્તો બંધ કર્યો, જેથી અમારી પ્રાર્થનાઓ તમારા સુધી ન પહોંચે.+ ૪૫  તમે અમને બધા લોકોમાં કચરા અને મેલ જેવા બનાવો છો.” פ [પે] ૪૬  અમારા દુશ્મનો અમારી વિરુદ્ધ મોં ખોલે છે.+ ૪૭  ડર, ફાંદો,* દુર્દશા અને બરબાદી+ અમારો હિસ્સો છે.+ ૪૮  મારા લોકોની દીકરીની પડતી જોઈને મારાં આંસુનો ધોધ વહે છે.+ ע [આયિન] ૪૯  મારી આંખો રડ્યા કરે છે, મારાં આંસુ ત્યાં સુધી નહિ અટકે,+ ૫૦  જ્યાં સુધી યહોવા સ્વર્ગમાંથી મારા પર નજર નહિ કરે.+ ૫૧  મારા શહેરની દીકરીઓના હાલ જોઈને મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં.+ צ [સાદે] ૫૨  મારા દુશ્મનોએ કારણ વગર મારો શિકાર કર્યો છે, જાણે પક્ષીનો શિકાર કરતા હોય. ૫૩  તેઓએ મને ખાડામાં નાખીને હંમેશ માટે ચૂપ કરી દીધો. તેઓ મારા પર પથ્થરો નાખતા રહ્યા. ૫૪  પાણી મારા માથા ઉપરથી વહેવા લાગ્યું અને મેં કહ્યું: “હવે તો મારું આવી બન્યું!” ק [કોફ] ૫૫  હે યહોવા, ખાડાના ઊંડાણમાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.+ ૫૬  મારો અવાજ સાંભળો. હું મદદ માટે પોકાર કરું, રાહત માટે આજીજી કરું ત્યારે તમારો કાન બંધ ન કરો. ૫૭  મેં પોકાર કર્યો એ દિવસે તમે મારી નજીક આવ્યા. તમે કહ્યું: “તું જરાય ડરીશ નહિ.” ר [રેશ] ૫૮  હે યહોવા, તમે મારો મુકદ્દમો લડ્યા છો. તમે મારો જીવ બચાવ્યો છે.+ ૫૯  હે યહોવા, કૃપા કરીને મને ન્યાય આપો, કેમ કે મારા પર થયેલો અન્યાય તમે જોયો છે.+ ૬૦  તેઓનો વેરભાવ અને મારી વિરુદ્ધ ઘડેલાં કાવતરાં તમે જોયાં છે. ש [સીન] કે [શીન] ૬૧  હે યહોવા, તમે તેઓનાં મહેણાં અને મારી વિરુદ્ધના કાવાદાવા સાંભળ્યાં છે.+ ૬૨  આખો દિવસ તેઓ મારી વિરુદ્ધ વાતો અને ગુસપુસ કરે છે, એ પણ તમે સાંભળ્યું છે. ૬૩  તેઓને જુઓ, ઊઠતાં-બેસતાં તેઓ ગીતો ગાઈને મારી મશ્કરી કરે છે. ת [તાવ] ૬૪  હે યહોવા, તમે તેઓનાં કરતૂતોનો બદલો જરૂર વાળી આપશો. ૬૫  તમે તેઓને શ્રાપ આપશો અને તેઓનું દિલ પથ્થર જેવું કરી દેશો. ૬૬  હે યહોવા, તમે રોષે ભરાઈને તેઓનો પીછો કરશો અને પૃથ્વી પરથી તેઓનો સર્વનાશ કરશો.

ફૂટનોટ

અથવા, “રોકી દે છે.”
અથવા કદાચ, “મને નકામો પડી રહેવા દીધો છે.”
મૂળ, “મારાં મૂત્રપિંડો.”
મૂળ, “ભલાઈ.”
અથવા, “રાહ જોવાનું વલણ બતાવીશ.”
અથવા, “હું રાહ જોવાનું વલણ બતાવીશ.”
અથવા, “હું કહું છું.”
મૂળ, “જે તેમને શોધે છે.”
અથવા, “ચૂપ રહીને.”
અથવા, “અતૂટ પ્રેમને.”
અથવા, “ખાડો.”