યર્મિયાનો વિલાપ ૫:૧-૨૨

  • બધું પહેલાંના જેવું થઈ જાય એ માટે લોકોની પ્રાર્થના

    • “ધ્યાન આપો, અમારી કેવી દશા થઈ છે” ()

    • ‘ધિક્કાર છે અમને, અમે પાપ કર્યું છે’ (૧૬)

    • “હે યહોવા, અમને તમારી પાસે બોલાવો” (૨૧)

    • “અમારા જૂના દિવસો પાછા આપો” (૨૧)

 હે યહોવા, ધ્યાન આપો, અમારી કેવી દશા થઈ છે. જુઓ, અમારું કેવું અપમાન થયું છે!+  ૨  અમારો વારસો પારકાઓના હાથમાં ગયો છે, અમારાં ઘરો પરદેશીઓને સોંપવામાં આવ્યાં છે.+  ૩  અમે અનાથ થયા છીએ, અમારા માથે પિતાનો હાથ રહ્યો નથી,* અમારી મા વિધવા થઈ છે.*+  ૪  અમારું જ પાણી પીવા અમારે પૈસા આપવા પડે છે,+અમારાં જ લાકડાં માટે અમારે કિંમત ચૂકવવી પડે છે.  ૫  પીછો કરનારાઓનો હાથ અમારા ગળા સુધી પહોંચી ગયો છે. અમે થાકી ગયા છીએ, પણ અમને જરાય આરામ નથી.+  ૬  અમારી ભૂખ દૂર કરવા અમે ઇજિપ્ત*+ અને આશ્શૂર આગળ હાથ ફેલાવ્યા છે.+  ૭  અમારા બાપદાદાઓ તો ગયા, પણ તેઓનાં પાપની સજા અમારે ભોગવવી પડે છે.  ૮  ચાકરો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને છોડાવનાર કોઈ નથી.  ૯  વેરાન પ્રદેશમાં તલવારનો ખતરો છે, અમારે જીવના જોખમે રોટલી લાવવી પડે છે.+ ૧૦  ભૂખની આગને લીધે અમારી ચામડી ધગધગતી ભઠ્ઠી જેવી થઈ ગઈ છે.+ ૧૧  સિયોનમાં તેઓએ પરણેલી સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો છે અને યહૂદાનાં શહેરોમાં કુંવારી છોકરીઓની આબરૂ લૂંટી છે.+ ૧૨  શાસકોના હાથ બાંધીને તેઓને લટકાવવામાં આવ્યા છે+ અને વડીલોને કોઈ માન આપતું નથી.+ ૧૩  યુવાનો ઘંટી ઊંચકે છે અને લાકડાંના ભારથી છોકરાઓ લથડિયાં ખાય છે. ૧૪  વડીલો હવે શહેરના દરવાજે ફરકતા નથી,+ યુવાનો હવે સંગીત વગાડતા નથી.+ ૧૫  અમારા દિલની ખુશી ખોવાઈ ગઈ છે, અમારાં નાચ-ગાન વિલાપમાં ફેરવાઈ ગયાં છે.+ ૧૬  અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. ધિક્કાર છે અમને, કેમ કે અમે પાપ કર્યું છે! ૧૭  એ બધાને લીધે અમારું દિલ રિબાય છે,+અમારી આંખો ઝાંખી પડી ગઈ છે.+ ૧૮  સિયોન પર્વત ઉજ્જડ થઈ ગયો છે,+ એ શિયાળોનો અડ્ડો બની ગયો છે. ૧૯  પણ હે યહોવા, તમે કાયમ માટે તમારી રાજગાદી પર બિરાજો છો. તમારી રાજગાદી પેઢી દર પેઢી રહે છે.+ ૨૦  તમે કેમ અમને કાયમ માટે ભૂલી ગયા છો? કેમ આટલા લાંબા સમયથી અમને ત્યજી દીધા છે?+ ૨૧  હે યહોવા, અમને તમારી પાસે બોલાવો અને અમે રાજીખુશીથી તમારી પાસે પાછા આવીશું.+ અમારા જૂના દિવસો પાછા આપો, બધું પહેલાંના જેવું કરી દો.+ ૨૨  પણ તમે તો અમને ઠોકર મારી દીધી છે. તમે હજીયે અમારા પર ખૂબ ગુસ્સે ભરાયેલા છો.+

ફૂટનોટ

અથવા, “અમે પિતા વગરનાં બાળકો થયા છીએ.”
મૂળ, “વિધવા જેવી થઈ છે.”
અથવા, “મિસર.”