યર્મિયા ૧૨:૧-૧૭

  • યર્મિયાની ફરિયાદ (૧-૪)

  • યહોવાનો જવાબ (૫-૧૭)

૧૨  હે યહોવા, તમે ન્યાયી ઈશ્વર છો.+ હું જ્યારે મારો મુકદ્દમો રજૂ કરુંઅને ન્યાયચુકાદા વિશે તમારી સાથે વાત કરું,ત્યારે તમે અદ્દલ ઇન્સાફ કરો છો. તો પછી દુષ્ટ માણસો કેમ સફળ થાય છે?+ કપટી લોકો કેમ સુખચેનમાં રહે છે?  ૨  તમે તેઓને રોપ્યા અને તેઓનાં મૂળ ઊંડાં ઊતર્યાં. તેઓ વધ્યા અને તેઓને ફળ લાગ્યાં. તમે તેઓના હોઠે છો, પણ હૈયામાં* નથી,તેઓને તમારી કંઈ પડી નથી.+  ૩  પણ હે યહોવા, તમે મને જુઓ છો, મને સારી રીતે ઓળખો છો.+ તમે મારું દિલ તપાસ્યું છે, તમે જોયું છે કે મારું દિલ તમને વફાદાર છે.+ કતલ માટે લઈ જવાતા ઘેટાની જેમ તેઓને જુદા પાડો,કતલના દિવસ માટે તેઓને અલગ રાખો.  ૪  દેશ ક્યાં સુધી ઉજ્જડ રહેશે? મેદાનોનાં ઝાડપાન ક્યાં સુધી સુકાયેલાં રહેશે?+ દેશના રહેવાસીઓનાં દુષ્ટ કામોને લીધે,જાનવરો જતાં રહ્યાં છે અને પક્ષીઓ ઊડી ગયાં છે. એ રહેવાસીઓ કહે છે, “ઈશ્વરને અમારી કંઈ પડી નથી!”  ૫  ઈશ્વરે મને કહ્યું: “જો માણસો સાથે દોડતા તું થાકી જાય,તો ઘોડાઓ સાથે તું કઈ રીતે દોડીશ?+ જો તને શાંતિના દેશમાં નિરાંતે રહેવાની આદત પડી હોય,તો યર્દનની ગીચ ઝાડીમાં તું શું કરીશ?  ૬  તારા પિતાના ઘરના સભ્યોએ, તારા સગા ભાઈઓએતારી વિરુદ્ધ કપટ કર્યું છે.+ તેઓએ તને શ્રાપ આપ્યો છે. ભલે તેઓ મીઠી મીઠી વાતો કરે,પણ તું તેઓનો ભરોસો ન કરતો.”  ૭  “મેં મારું ઘર છોડી દીધું છે,+ મારો વારસો* ત્યજી દીધો છે.+ મેં મારી અતિ વહાલી પ્રજાને દુશ્મનના હાથમાં સોંપી દીધી છે.+  ૮  મારો વારસો જંગલના સિંહ જેવો બની ગયો છે. તેણે મારી સામે ગર્જના કરી છે,એટલે હું તેને નફરત કરું છું.  ૯  મારો વારસો રંગીન* શિકારી પક્ષી જેવો છે,બીજાં શિકારી પક્ષીઓ એને ઘેરી વળે છે અને એના પર હુમલો કરે છે.+ હે પૃથ્વીનાં પ્રાણીઓ, તમે આવો, ભેગા થાઓ,તમે બધાં ખાવા માટે આવો.+ ૧૦  અનેક ઘેટાંપાળકોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે.+ તેઓએ જમીનના મારા હિસ્સાને પગ નીચે ખૂંદી નાખ્યો છે.+ તેઓએ મારા મનગમતા હિસ્સાને વેરાન કરી દીધો છે. ૧૧  એ ખંડેર થઈ ગયો છે, સુકાઈ ગયો છે,*એ મારી આગળ ઉજ્જડ થઈ ગયો છે.+ આખો દેશ ખેદાન-મેદાન થઈ ગયો છે,છતાં કોઈ દિલ પર લેતું નથી.+ ૧૨  વેરાન પ્રદેશના દરેક રસ્તેથી નાશ કરનારાઓ આવે છે,પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી યહોવાની તલવાર બધાનો નાશ કરે છે.+ કોઈને જરાય શાંતિ નથી. ૧૩  તેઓએ ઘઉં વાવ્યા છે, પણ કાંટા લણ્યા છે.+ તેઓ મહેનત કરી કરીને થાકી ગયા છે, પણ જરાય ફાયદો થયો નથી. યહોવાનો ગુસ્સો તેઓ પર સળગી ઊઠ્યો છે,તે તેઓને ફસલ નહિ આપે,એટલે તેઓ શરમમાં મુકાશે.” ૧૪  યહોવા કહે છે, “મારા દુષ્ટ પડોશીઓ એ વારસાને અડકે છે, જે મેં મારા ઇઝરાયેલી લોકોને આપ્યો હતો.+ જુઓ! એ દુષ્ટ પડોશીઓને હું તેઓના દેશમાંથી ઉખેડી નાખું છું.+ હું યહૂદાના ઘરને પણ તેઓમાંથી ઉખેડી નાખીશ. ૧૫  પણ તેઓને ઉખેડ્યા પછી હું ફરીથી તેઓ પર દયા કરીશ. હું દરેકને તેના વતનમાં પાછો લાવીશ અને દરેકને તેનો વારસો પાછો આપીશ.” ૧૬  “એ પ્રજાઓએ મારા લોકોને બઆલના નામે સમ ખાતાં શીખવ્યું હતું. હવે જો એ પ્રજાઓ મારા નામે સમ ખાતાં શીખે અને કહે, ‘યહોવાના સમ!’* અને જો તેઓ મારા લોકોની રીતભાત શીખે, તો હું તેઓને મારા લોકોમાં રહેવા દઈશ. ૧૭  પણ એ પ્રજાઓમાંથી જે કોઈ મારું નહિ સાંભળે, એને હું ઉખેડી નાખીશ, એનો નાશ કરી દઈશ,” એવું યહોવા કહે છે.+

ફૂટનોટ

અથવા, “ઊંડી લાગણીઓમાં.” મૂળ, “મૂત્રપિંડોમાં.”
“વારસા” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે.
અથવા, “કાબરચીતરા.”
અથવા કદાચ, “વિલાપ કરે છે.”
મૂળ, “યહોવાના જીવના સમ!”