યર્મિયા ૧૪:૧-૨૨

  • દુકાળ અને તલવાર (૧-૧૨)

  • જૂઠા પ્રબોધકોને સજા થઈ (૧૩-૧૮)

  • યર્મિયા લોકોનાં પાપ કબૂલ કરે છે (૧૯-૨૨)

૧૪  દુકાળ વિશે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+  ૨  યહૂદા શોક કરે છે,+ એના દરવાજા ભાંગી પડ્યા છે. નિરાશ થઈને એ જમીન પર ઢળી પડ્યા છે. યરૂશાલેમથી રડારોળ સંભળાય છે.  ૩  માલિકો પોતાના ચાકરોને* પાણી ભરવા મોકલે છે. ચાકરો ઘડા લઈને પાણીના ટાંકા* પાસે જાય છે,પણ તેઓને ટીપુંય પાણી મળતું નથી. તેઓ ખાલી હાથે પાછા ફરે છે. તેઓ નિરાશ થઈ ગયા છે, શરમમાં મુકાયા છે,તેઓ પોતાનું માથું ઢાંકે છે.  ૪  દેશમાં વરસાદ પડ્યો નથી,+જમીનમાં તિરાડો પડી ગઈ છે. ખેડૂતો હતાશ થઈ ગયા છે,તેઓ પોતાનું માથું ઢાંકે છે.  ૫  મેદાનોમાં જરાય ઘાસ નથી,એટલે હરણી પોતાના તાજા જન્મેલા બચ્ચાને છોડી દે છે.  ૬  જંગલી ગધેડાં ડુંગરો પર ઊભાં છે,તેઓ શિયાળની જેમ શ્વાસ લેવા હાંફે છે. લીલોતરી માટે ફાંફાં મારીને તેઓની આંખે અંધારાં આવી ગયાં છે.+  ૭  અમારા અપરાધો સાક્ષી પૂરે છે કે અમે દોષિત છીએ,છતાં હે યહોવા, તમારા નામને લીધે કંઈક કરો.+ અમે અનેક વાર તમને બેવફા બન્યા છીએ.+ અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.  ૮  હે ઇઝરાયેલની આશા, હે સંકટ સમયે છોડાવનાર,+તમે આ દેશમાં અજાણ્યા માણસ જેવા કેમ થઈ ગયા છો? એક રાત માટે રોકાયેલા મુસાફર જેવા કેમ થઈ ગયા છો?  ૯  તમે મૂંઝાઈ ગયેલા માણસ જેવા કેમ થઈ ગયા છો? શક્તિશાળી હોવા છતાં તમે અમને કેમ બચાવતા નથી? હે યહોવા, તમે અમારી વચ્ચે છો,+અમે તમારા નામથી ઓળખાઈએ છીએ,+અમને ત્યજી ન દો. ૧૦  યહોવા પોતાના લોકો વિશે કહે છે: “તેઓને આમતેમ રખડવું બહુ ગમે છે.+ તેઓએ પોતાના પગોને રોક્યા નથી.+ એટલે હું યહોવા તેઓથી ખુશ નથી.+ હું તેઓના અપરાધો યાદ કરીશ અને તેઓનાં પાપોનો હિસાબ લઈશ.”+ ૧૧  યહોવાએ મને કહ્યું: “આ લોકોના ભલા માટે તું મને પ્રાર્થના ન કર.+ ૧૨  તેઓ ઉપવાસ કરીને મને કાલાવાલા કરે છે, પણ હું એ સાંભળતો નથી.+ તેઓ મને અગ્‍નિ-અર્પણો અને અનાજ-અર્પણો* ચઢાવે છે, પણ હું એનાથી ખુશ થતો નથી.+ હું તલવારથી, દુકાળથી અને રોગચાળાથી* તેઓનો નાશ કરીશ.”+ ૧૩  મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, પ્રબોધકો લોકોને કહે છે, ‘તમારા પર તલવાર આવી નહિ પડે. તમારે દુકાળ જોવો નહિ પડે. ઈશ્વર તમને આ જગ્યાએ સાચી શાંતિ આપશે.’”+ ૧૪  પણ યહોવાએ મને કહ્યું: “એ પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણીઓ કરે છે.+ મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને કોઈ આજ્ઞા આપી નથી કે તેઓ સાથે કોઈ વાત કરી નથી.+ તેઓ તમને ખોટાં દર્શનો જણાવે છે, જાદુવિદ્યાથી નકામી ભવિષ્યવાણીઓ કરે છે અને પોતે ઉપજાવી કાઢેલી વાતો* સંભળાવે છે.+ ૧૫  જે પ્રબોધકો મારા નામે ભવિષ્યવાણી કરે છે, જેઓને મેં મોકલ્યા નથી અને જેઓ કહે છે, તલવારથી કે દુકાળથી આ દેશનો નાશ નહિ થાય, એ પ્રબોધકો વિશે યહોવા કહે છે: ‘તેઓ તલવાર અને દુકાળથી માર્યા જશે.+ ૧૬  અને જે લોકો તેઓનું સાંભળે છે, તેઓ પણ તલવાર અને દુકાળથી માર્યા જશે. તેઓની લાશો યરૂશાલેમની શેરીઓમાં ફેંકી દેવામાં આવશે. તેઓને, તેઓની પત્નીઓને, તેઓનાં દીકરા-દીકરીઓને દાટવા કોઈ નહિ આવે.+ હું તેઓ પર મોટી આફત લાવીશ, કેમ કે તેઓ એને જ લાયક છે.’+ ૧૭  “તું તેઓને કહે,‘રાત-દિવસ મારી આંખોમાંથી આંસુની નદીઓ વહેવા દો,મારાં આંસુ રોકાવા ન દો.+ કેમ કે મારા લોકોની કુંવારી દીકરી કચડાઈ ગઈ છે, તેના ચૂરેચૂરા થઈ ગયા છે.+ તેને મરણતોલ ફટકો પડ્યો છે. ૧૮  હું શહેરની બહાર જાઉં ત્યારે,મને તલવારથી કતલ થયેલા લોકોની લાશો દેખાય છે!+ હું શહેરની અંદર આવું ત્યારે,દુકાળથી પીડાતા લોકો નજરે પડે છે!+ કેમ કે પ્રબોધકો અને યાજકો અજાણ્યા દેશમાં ભટકે છે.’”+ ૧૯  હે ઈશ્વર, શું તમે યહૂદાને તરછોડી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો?+ તમે કેમ અમારા પર ઘા કર્યો છે? જુઓ, અમને સાજા કરનાર કોઈ નથી!+ અમે તો શાંતિની આશા રાખતા હતા, પણ કંઈ સારું થયું નહિ! સાજા થવાની રાહ જોતા હતા, પણ આતંક છવાઈ ગયો છે!+ ૨૦  હે યહોવા, અમે અમારાં દુષ્ટ કામો કબૂલ કરીએ છીએ,અમારા બાપદાદાઓના અપરાધ સ્વીકારીએ છીએ,કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ ૨૧  તમારા નામને લીધે અમને ત્યજી દેશો નહિ.+ તમારી ભવ્ય રાજગાદીને ધિક્કારશો નહિ. તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો, એને તોડશો નહિ.+ ૨૨  શું પ્રજાઓની નકામી મૂર્તિઓ વરસાદ લાવી શકે? શું આકાશ પોતાની મેળે વરસાદ વરસાવી શકે? હે અમારા ઈશ્વર યહોવા, ફક્ત તમે જ એ કરી શકો છો!+ અમે તમારા પર આશા રાખીએ છીએ,કેમ કે તમે એકલા જ એ બધું કરી શકો છો!

ફૂટનોટ

અથવા, “મામૂલી લોકોને.”
અથવા, “ખાડા.”
અથવા, “બીમારીથી.”
મૂળ, “પોતાનાં હૃદયની કપટી વાતો.”