યર્મિયા ૩૦:૧-૨૪

  • ફરી સ્થાપના અને સાજા કરવાનાં વચનો (૧-૨૪)

૩૦  યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨  “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘હું તને જે સંદેશો આપું, એનો એકેએક શબ્દ તું પુસ્તકમાં લખી લે. ૩  યહોવા કહે છે, “જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલ અને યહૂદાના મારા લોકોને ભેગા કરીશ, જેઓ ગુલામીમાં ગયા છે.”+ યહોવા કહે છે, “હું તેઓને એ દેશમાં પાછા લાવીશ, જે મેં તેઓના બાપદાદાઓને આપ્યો હતો. તેઓ ફરીથી એ દેશનો કબજો મેળવશે.”’”+ ૪  યહોવાએ ઇઝરાયેલ અને યહૂદાને આ સંદેશો આપ્યો:  ૫  યહોવા કહે છે,“લોકોની ભયાનક ચીસો સંભળાય છે,ચારે બાજુ આતંક છે, ક્યાંય શાંતિ નથી.  ૬  જઈને પૂછો, શું કોઈ પુરુષ બાળકને જન્મ આપી શકે? તો પછી બાળકને જન્મ આપનાર સ્ત્રીની જેમ,+ દરેક બળવાન પુરુષ કેમ પેટ પકડીને ઊભો છે? દરેકનો ચહેરો કેમ ફિક્કો પડી ગયો છે?  ૭  અફસોસ! એ દિવસ ખૂબ ભયંકર છે.+ આજ સુધી એવો દિવસ આવ્યો નથી. યાકૂબ માટે એ આફતનો સમય છે,પણ તેને બચાવવામાં આવશે.” ૮  સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “એ દિવસે હું તેઓની ગરદન પરથી ઝૂંસરી ભાંગી નાખીશ. હું તેઓનાં બંધનોના* બે ટુકડા કરી નાખીશ. પરદેશીઓ* ફરી કદી તેઓને* પોતાના ગુલામ નહિ બનાવે. ૯  તેઓ પોતાના ઈશ્વર યહોવાની ભક્તિ કરશે. તેઓ પોતાના રાજા દાઉદની સેવા કરશે, જેને હું તેઓ માટે ઊભો કરીશ.”+ ૧૦  યહોવા કહે છે, “મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ. ઇઝરાયેલ, તું જરાય ડરીશ નહિ.+ હું તને દૂર દેશમાંથી છોડાવીશ,હું તારા વંશજને ગુલામીના દેશમાંથી બચાવીશ.+ યાકૂબ પાછો આવશે અને સુખ-શાંતિમાં રહેશે,તેને કોઈ હેરાન કરશે નહિ, તેને કોઈ ડરાવશે નહિ.”+ ૧૧  યહોવા કહે છે, “હું તારી સાથે છું, હું તને બચાવીશ. મેં તને જે દેશોમાં વિખેરી નાખ્યો છે, એ દેશોનો હું નાશ કરીશ,+પણ હું તારો નાશ નહિ કરું.+ હું તને શિક્ષા તો કરીશ,* પણ જેટલી જરૂરી છે એટલી જ કરીશ,હું તને સજા કર્યા વગર નહિ છોડું.”+ ૧૨  યહોવા કહે છે,“તારા* ઘાનો કોઈ ઇલાજ નથી.+ તારો જખમ રુઝાય એવો નથી. ૧૩  તારો પક્ષ લેનાર કોઈ નથી,તારું ગૂમડું મટે એવું નથી. એની કોઈ દવા નથી. ૧૪  તારા પ્રેમીઓ તને ભૂલી ગયા છે.+ તેઓ તને શોધવા આવતા નથી. તારા મોટા અપરાધ અને ઘણાં પાપને લીધે+મેં દુશ્મનની જેમ તારા પર પ્રહાર કર્યો છે,+ક્રૂર માણસની જેમ તને સજા કરી છે. ૧૫  તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે? તારી પીડાનો કોઈ ઇલાજ નથી! તારા મોટા અપરાધ અને ઘણાં પાપને લીધે+મેં તારા એવા હાલ કર્યા છે. ૧૬  એટલે જેઓ તારો નાશ કરે છે, તેઓનો નાશ થશે,+તારા બધા દુશ્મનો પણ ગુલામીમાં જશે.+ જેઓ તને લૂંટે છે, તેઓને લૂંટી લેવામાં આવશે,જેઓ તારી મિલકત છીનવે છે, તેઓની મિલકત છીનવી લેવામાં આવશે.”+ ૧૭  યહોવા કહે છે,“ભલે તેઓ કહે તું ત્યજી દેવાઈ છે અને‘ઓ સિયોન, તને પૂછનાર કોઈ નથી,’+પણ હું તને સાજી કરીશ અને તારા જખમ રુઝાવીશ.”+ ૧૮  યહોવા કહે છે,“હું યાકૂબના તંબુઓમાં જઈશ અને એના ગુલામોને ભેગા કરીશ,+હું તેના મંડપોને* દયા બતાવીશ. શહેર એની ટેકરી પર ફરી બાંધવામાં આવશે,+કિલ્લો એની જગ્યાએ ફરી ઊભો કરવામાં આવશે. ૧૯  તેઓમાં આભાર-સ્તુતિનાં ગીતોનો અને હસવાનો અવાજ સંભળાશે.+ હું તેઓની સંખ્યા વધારીશ, તેઓ ઓછા થશે નહિ,+હું તેઓની સંખ્યા અગણિત કરીશ,* તેઓ ઘટશે નહિ.+ ૨૦  તેના દીકરાઓ અગાઉની જેમ સમૃદ્ધ થશે,મારી આગળ તેઓ બળવાન પ્રજા બનશે.+ તેના પર જુલમ કરનારને હું સજા કરીશ.+ ૨૧  તેના જ લોકોમાંથી તેનો આગેવાન આવશે,તેનામાંથી જ તેનો શાસક આવશે. હું તેને મારી પાસે બોલાવીશ અને તે મારી પાસે આવશે.” “નહિતર મારી પાસે આવવાની હિંમત કોણ કરી શકે?” એવું યહોવા કહે છે. ૨૨  “તમે મારા લોકો બનશો+ અને હું તમારો ઈશ્વર બનીશ.”+ ૨૩  જુઓ! યહોવાના ક્રોધનું વાવાઝોડું જોરથી ફૂંકાશે.+ વિનાશક વંટોળિયાની જેમ એ દુષ્ટોના માથા પર ઝઝૂમશે. ૨૪  જ્યાં સુધી યહોવા પોતાના દિલની ઇચ્છા અમલમાં નહિ લાવે અને એને પૂરી નહિ કરે,+ત્યાં સુધી તેમનો ભયંકર ગુસ્સો શાંત નહિ પડે. છેલ્લા દિવસોમાં તમે એ વાત સમજશો.+

ફૂટનોટ

અથવા, “જોતરોના.”
અથવા, “અજાણ્યાઓ.”
અથવા, “તેને.”
અથવા, “સુધારીશ; શિસ્ત આપીશ.”
એ સિયોન નગરીને બતાવે છે.
અથવા કદાચ, “હું તેઓને મહિમાવંત કરીશ.”