યર્મિયા ૩૩:૧-૨૬

  • ફરી મજબૂત કરવાનું વચન (૧-૧૩)

  • ‘નેક અંકુરના’ રાજમાં સુખ-શાંતિ (૧૪-૧૬)

  • દાઉદ અને યાજકો સાથે કરાર (૧૭-૨૬)

    • દિવસ અને રાત સાથે કરાર (૨૦)

૩૩  ચોકીદારના આંગણામાં યર્મિયા કેદ* હતો ત્યારે,+ તેને યહોવાનો સંદેશો બીજી વાર મળ્યો. તેમણે યર્મિયાને કહ્યું: ૨  “પૃથ્વીને બનાવનાર યહોવા, જેમણે એને રચી છે અને એને સ્થિર કરી છે, જેમનું નામ યહોવા છે, તે યહોવા કહે છે, ૩  ‘મને બોલાવ અને હું તને જવાબ આપીશ. જે અદ્‍ભુત વાતો તારી સમજ બહાર છે અને જે તું જાણતો નથી, એ હું તને જણાવીશ.’”+ ૪  “ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો સંદેશો આ નગરીનાં ઘરો અને યહૂદાના રાજાઓનાં ઘરો વિશે છે, જેઓને દુશ્મનના હુમલા અને તલવારને લીધે તોડી પાડવામાં આવ્યાં છે.+ ૫  આ સંદેશો એ લોકો વિશે પણ છે જેઓ ખાલદીઓ સામે લડે છે અને પોતાની લાશોથી આ જગ્યાઓ ભરી દે છે. મેં ગુસ્સે થઈને અને ક્રોધે ભરાઈને તેઓનો નાશ કર્યો છે. તેઓનાં દુષ્ટ કામોને લીધે મેં આ નગરીથી મોં ફેરવી લીધું છે. ૬  હું જાહેર કરું છું: ‘હું તેને* સાજી કરીશ અને સારી તંદુરસ્તી આપીશ.+ હું લોકોના ઘા રુઝાવીશ અને તેઓને પુષ્કળ શાંતિ અને સલામતી* આપીશ.+ ૭  હું યહૂદાના અને ઇઝરાયેલના ગુલામોને પાછા લાવીશ.+ અગાઉની જેમ હું ફરીથી તેઓને મજબૂત કરીશ.*+ ૮  હું તેઓનાં પાપનો દોષ દૂર કરીને તેઓને શુદ્ધ કરીશ.+ મારી વિરુદ્ધ તેઓએ જે પાપ અને અપરાધ કર્યાં છે એના દોષને હું માફ કરીશ.+ ૯  હું તેને જે ભલાઈ બતાવું છું એના વિશે પૃથ્વી પરની બધી પ્રજાઓ સાંભળશે.+ એ પ્રજાઓ આગળ આ નગરી મારી નામના, મારું માન અને મારો મહિમા બનશે. હું તેને જે સારી વસ્તુઓ અને શાંતિ આપીશ+ એ જોઈને પૃથ્વી પરની બધી પ્રજાઓ ગભરાશે અને થરથર કાંપશે.’”+ ૧૦  “યહોવા કહે છે: ‘આ જગ્યા વિશે તમે કહેશો કે એ ઉજ્જડ છે, અહીં કોઈ માણસ કે પ્રાણી રહેતું નથી. યહૂદાનાં શહેરો અને યરૂશાલેમની ગલીઓ ખંડેર થઈ ગઈ છે. અહીં કોઈ રહેતું નથી, ન કોઈ માણસ રહે છે, ન કોઈ પ્રાણી. પણ અહીં ફરીથી શોરબકોર સંભળાશે. ૧૧  અહીં આનંદ-ઉલ્લાસનો પોકાર સંભળાશે,+ વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે. લોકોનો આવો પોકાર સંભળાશે: “સૈન્યોના ઈશ્વર યહોવાનો આભાર માનો, કેમ કે યહોવા ભલા છે.+ તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”’+ “‘તેઓ યહોવાના મંદિરમાં આભાર-અર્પણો લાવશે.+ કેમ કે હું દેશના ગુલામોને પાછા લાવીશ અને તેઓને અગાઉની જેમ આબાદ કરીશ,’ એવું યહોવા કહે છે.” ૧૨  “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘માણસો અને પ્રાણીઓ વગરની આ ઉજ્જડ જગ્યામાં અને એનાં બધાં શહેરોમાં ફરી ગૌચરો* જોવા મળશે, જેથી ઘેટાંપાળકો પોતાનાં ટોળાંને ત્યાં આરામ કરાવી શકે.’+ ૧૩  “‘પહાડી વિસ્તારનાં શહેરોમાં, શેફેલાહનાં* શહેરોમાં, દક્ષિણનાં શહેરોમાં, બિન્યામીનના પ્રદેશમાં, યરૂશાલેમની આસપાસના વિસ્તારોમાં+ અને યહૂદાનાં શહેરોમાં+ ઘેટાંપાળકના હાથ નીચેથી ટોળાં ફરી પસાર થશે અને તે તેઓની ગણતરી કરશે,’ એવું યહોવા કહે છે.” ૧૪  “યહોવા કહે છે, ‘જો! એવા દિવસો આવી રહ્યા છે જ્યારે હું ઇઝરાયેલના ઘર અને યહૂદાના ઘર વિશેનું મારું વચન પૂરું કરીશ.+ ૧૫  એ દિવસોમાં અને એ સમયે હું દાઉદ માટે એક નેક* અંકુર* ઊભો કરીશ.+ તે દેશમાં અદ્દલ ઇન્સાફ કરશે અને સચ્ચાઈથી રાજ કરશે.+ ૧૬  એ દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે.’”*+ ૧૭  “યહોવા કહે છે, ‘દાઉદના વંશમાંથી ઇઝરાયેલની રાજગાદીએ બેસનાર માણસની કદી ખોટ પડશે નહિ.+ ૧૮  મારી આગળ સેવા કરવા અને અગ્‍નિ-અર્પણો ચઢાવવા, અનાજ-અર્પણો બાળવા અને બીજાં બલિદાનો ચઢાવવા લેવી યાજકોની પણ કદી ખોટ પડશે નહિ.’” ૧૯  યહોવાનો આ સંદેશો ફરી એક વાર યર્મિયાને મળ્યો: ૨૦  “યહોવા કહે છે, ‘મેં દિવસ અને રાત સાથે કરાર કર્યો છે. દિવસ અને રાત પોતાના નક્કી કરેલા સમયે જ થાય છે.+ એ કરાર કદી તૂટી શકતો નથી. ૨૧  એવી જ રીતે, મેં મારા સેવક દાઉદ સાથે કરાર કર્યો છે કે તેની રાજગાદી પર હંમેશાં તેનો વંશજ રાજ કરશે.+ મેં મારા સેવકો, એટલે કે લેવી યાજકો સાથે પણ કરાર કર્યો છે.+ આ કરાર પણ તૂટી શકતો નથી.+ ૨૨  જેમ આ વાત પાકી છે કે આકાશના તારાઓને* ગણી ન શકાય અને સમુદ્રની રેતીને માપી ન શકાય, તેમ આ વાત પણ પાકી છે કે હું મારા સેવક દાઉદના વંશજની અને મારી સેવા કરતા લેવીઓની સંખ્યા વધારીશ.’” ૨૩  યહોવાનો આ સંદેશો ફરી એક વાર યર્મિયાને મળ્યો: ૨૪  “આ લોકો શું કહે છે એ તેં સાંભળ્યું? તેઓ કહે છે, ‘યહોવાએ જે બે કુટુંબો પસંદ કર્યાં છે, એનો તે પોતે નકાર કરશે.’ તેઓ મારા લોકોનું અપમાન કરે છે અને તેઓને પ્રજા ગણતા નથી. ૨૫  “યહોવા કહે છે, ‘જેમ દિવસ અને રાત સાથેનો મારો કરાર પાકો છે,+ જેમ આકાશ અને પૃથ્વી માટે મેં ઠરાવેલા નિયમો પાકા છે,+ ૨૬  તેમ આ વાત પણ પાકી છે કે હું યાકૂબના અને મારા સેવક દાઉદના વંશજનો કદી નકાર નહિ કરું. હું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજ પર રાજ કરવા દાઉદના વંશજમાંથી રાજા પસંદ કરીશ. હું તેઓના ગુલામોને ભેગા કરીશ+ અને તેઓને દયા બતાવીશ.’”+

ફૂટનોટ

અથવા, “નજરકેદ.”
એટલે કે, યરૂશાલેમ નગરી.
મૂળ, “સત્ય.”
અથવા, “બાંધીશ.”
અથવા, “ચરાવવાની જગ્યા.”
અથવા, “નીચાણ પ્રદેશનાં.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “વારસદાર.”
અથવા, “યહોવા અમારી નેકી છે.”
મૂળ, “આકાશોના સૈન્યને.”