યર્મિયા ૩૫:૧-૧૯

  • રેખાબીઓએ આજ્ઞા પાળવામાં સારો દાખલો બેસાડ્યો (૧-૧૯)

૩૫  યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના દિવસોમાં+ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨  “રેખાબીઓના+ કુટુંબ પાસે જા અને તેઓ સાથે વાત કર. તેઓને યહોવાના મંદિરમાં બોલાવ અને એક ભોજનખંડમાં* ભેગા કર. તેઓને દ્રાક્ષદારૂ પીવા આપ.” ૩  એટલે હું હબાસીન્યાના દીકરા યર્મિયાના દીકરા યાઅઝાન્યાને, તેના ભાઈઓને, તેના દીકરાઓને અને રેખાબીઓના કુટુંબને લઈને ૪  યહોવાના મંદિરમાં ગયો. હું તેઓને યિગદાલ્યાના દીકરા હાનાનના દીકરાઓના ભોજનખંડમાં લઈ ગયો. (હાનાન સાચા ઈશ્વરનો ભક્ત હતો.) એ ભોજનખંડ અધિકારીઓના ભોજનખંડની બાજુમાં હતો. અધિકારીઓનો ભોજનખંડ શાલ્લૂમના દીકરા માઅસેયાના ભોજનખંડની ઉપર હતો. શાલ્લૂમ એક દરવાન હતો. ૫  પછી મેં રેખાબીઓના કુટુંબના માણસો આગળ દ્રાક્ષદારૂ ભરેલા પ્યાલા અને વાટકા મૂક્યા. મેં તેઓને કહ્યું: “લો, આ દ્રાક્ષદારૂ પીઓ.” ૬  તેઓએ કહ્યું: “ના, અમે દ્રાક્ષદારૂ નહિ પીએ, કેમ કે રેખાબના દીકરા યહોનાદાબે,*+ એટલે કે અમારા પૂર્વજે અમને આજ્ઞા આપી હતી, ‘તમે કે તમારા દીકરાઓ ક્યારેય દ્રાક્ષદારૂ પીશો નહિ. ૭  તમે ઘર બાંધશો નહિ, બી વાવશો નહિ, દ્રાક્ષાવાડી રોપશો કે ખરીદશો નહિ. પણ તમે તંબુઓમાં રહો, જેથી જે દેશમાં તમે પરદેશીઓ તરીકે રહો છો, ત્યાં તમે લાંબો સમય રહી શકો.’ ૮  અમે અમારા પૂર્વજ રેખાબના દીકરા યહોનાદાબની આજ્ઞા હંમેશાં પાળીએ છીએ. અમે, અમારી પત્નીઓ અને અમારાં દીકરા-દીકરીઓ કદી દ્રાક્ષદારૂ પીતાં નથી. ૯  અમે રહેવા માટે ઘરો બાંધતા નથી. અમારી પાસે દ્રાક્ષાવાડીઓ કે ખેતરો કે અનાજનાં બી નથી. ૧૦  અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પૂર્વજ યહોનાદાબની* બધી આજ્ઞાઓ પાળીએ છીએ. ૧૧  પણ જ્યારે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* દેશ પર ચઢી આવ્યો,+ ત્યારે અમે કહ્યું: ‘ચાલો, યરૂશાલેમ નાસી જઈએ, જેથી ખાલદીઓની અને સિરિયાની* સેનાથી બચી શકીએ.’ એટલે હમણાં અમે યરૂશાલેમમાં રહીએ છીએ.” ૧૨  યહોવાએ યર્મિયાને આ સંદેશો આપ્યો: ૧૩  “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તું જઈને યહૂદાના માણસોને અને યરૂશાલેમના રહેવાસીઓને કહે: “શું મેં તમને વારંવાર અરજ કરી ન હતી કે તમે મારી આજ્ઞાઓ પાળો?”+ એવું યહોવા કહે છે. ૧૪  “રેખાબના દીકરા યહોનાદાબે પોતાના વંશજોને દ્રાક્ષદારૂ ન પીવાની આજ્ઞા આપી હતી. તેઓ આજ દિન સુધી દ્રાક્ષદારૂ ન પીને તેની આજ્ઞા પાળે છે. તેઓ પોતાના પૂર્વજનું કહ્યું માને છે.+ જ્યારે કે મેં તમને વારંવાર* આજ્ઞા આપી, પણ તમે મારું માન્યું નહિ.+ ૧૫  મેં મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા.+ તેઓ તમને કહેતા, ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી પાછા ફરો+ અને જે ખરું છે એ કરો. બીજા દેવો પાછળ જશો નહિ કે તેઓની સેવા કરશો નહિ. જો એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે મેં તમારા બાપદાદાઓને આપ્યો હતો.’+ પણ તમે મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ. ૧૬  રેખાબના દીકરા યહોનાદાબના વંશજોએ પોતાના પૂર્વજની આજ્ઞા પાળી છે,+ પણ આ લોકોએ મારું સાંભળ્યું નથી.”’” ૧૭  “એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું યહૂદા પર અને યરૂશાલેમના રહેવાસીઓ પર એ બધી આફતો લાવીશ, જે વિશે મેં તેઓને ચેતવણી આપી હતી.+ મેં તેઓને કહ્યું હતું, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ. હું તેઓને બોલાવતો રહ્યો, પણ તેઓએ મને જવાબ આપ્યો નહિ.’”+ ૧૮  યર્મિયાએ રેખાબીઓના કુટુંબને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે તમારા પૂર્વજ યહોનાદાબનું સાંભળ્યું છે. તમે તેની એકેએક આજ્ઞા પાળી છે, તેણે જે કહ્યું એમ જ કર્યું છે, ૧૯  એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “રેખાબના દીકરા યહોનાદાબના* વંશજોમાંથી મારી આગળ ઊભા રહીને સેવા કરનાર માણસની કદી ખોટ પડશે નહિ.”’”

ફૂટનોટ

અથવા, “ઓરડામાં.”
મૂળ, “યોનાદાબે,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.
મૂળ, “યોનાદાબની,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
અથવા, “અરામીઓની.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “વહેલા ઊઠીને.”
મૂળ, “યોનાદાબના,” યહોનાદાબનું ટૂંકું રૂપ છે.