યર્મિયા ૩૮:૧-૨૮

  • યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો (૧-૬)

  • એબેદ-મેલેખ યર્મિયાને બચાવે છે (૭-૧૩)

  • યર્મિયા સિદકિયાને કહે છે કે તે બાબેલોનના શરણે થઈ જાય (૧૪-૨૮)

૩૮  માત્તાનના દીકરા શફાટિયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે+ અને માલ્કિયાના દીકરા પાશહૂરે+ સાંભળ્યું કે યર્મિયા લોકોને આવું કહી રહ્યો છે: ૨  “યહોવા કહે છે, ‘જે કોઈ આ શહેરમાં રહેશે તે તલવારથી, દુકાળથી અને ભયંકર રોગચાળાથી* માર્યો જશે.+ પણ જે કોઈ ખાલદીઓને શરણે થશે, તે જીવતો રહેશે. તે પોતાનો જીવ બચાવશે.’*+ ૩  યહોવા કહે છે, ‘આ શહેરને ચોક્કસ બાબેલોનના રાજાની સેનાના હાથમાં સોંપી દેવામાં આવશે. તે એને કબજે કરશે.’”+ ૪  અધિકારીઓએ રાજાને કહ્યું: “આ માણસને મારી નંખાવો.+ કેમ કે આવી વાતો કહીને તે આ શહેરમાં બચી ગયેલા સૈનિકોની અને બધા લોકોની હિંમત તોડી રહ્યો છે.* આ માણસ લોકોનું ભલું નહિ, પણ નુકસાન ચાહે છે.” ૫  રાજા સિદકિયાએ કહ્યું: “જુઓ! તે તમારા હાથમાં છે, તમારે જે કરવું હોય એ કરો. રાજા તમને રોકી શકતો નથી.” ૬  એટલે તેઓએ યર્મિયાને પકડીને રાજાના દીકરા* માલ્કિયાના ટાંકામાં ફેંકી દીધો. એ ટાંકો ચોકીદારના આંગણામાં હતો.+ તેઓએ યર્મિયાને દોરડાથી નીચે ઉતાર્યો. હવે એ ટાંકામાં જરાય પાણી ન હતું. ત્યાં ફક્ત કાદવ હતો. યર્મિયા એ કાદવમાં ખૂંપવા લાગ્યો. ૭  હવે રાજાના મહેલમાં એબેદ-મેલેખ+ નામનો ઇથિયોપિયાનો એક દરબારી* હતો. તેણે સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખવામાં આવ્યો છે. રાજા એ વખતે બિન્યામીનના દરવાજે બેઠો હતો.+ ૮  એબેદ-મેલેખ મહેલમાંથી નીકળીને રાજા પાસે ગયો. તેણે કહ્યું: ૯  “હે મારા માલિક, મારા રાજા, આ માણસોએ યર્મિયા પ્રબોધક સાથે બહુ ખોટું કર્યું છે! તેઓએ તેને ટાંકામાં નાખ્યો છે. તે ભૂખે મરી જશે, કેમ કે દુકાળને લીધે શહેરમાં એકેય રોટલી બચી નથી.”+ ૧૦  રાજાએ ઇથિયોપિયાના એબેદ-મેલેખને કહ્યું: “અહીંથી ૩૦ માણસોને તારી સાથે લઈ જા અને યર્મિયા પ્રબોધક મરી જાય એ પહેલાં તેને ટાંકામાંથી બહાર કાઢ.” ૧૧  એબેદ-મેલેખ પોતાની સાથે માણસો લઈને રાજાના મહેલમાં ભંડારની નીચે એક ઓરડામાં ગયો.+ તેઓએ ત્યાંથી ચીંથરાં અને ફાટેલાં-તૂટેલાં કપડાં લીધાં. એ બધું તેઓએ દોરડાથી બાંધીને યર્મિયા પાસે ટાંકામાં ઉતાર્યું. ૧૨  ઇથિયોપિયાના એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું: “આ ચીંથરાં અને કપડાં તારી બગલમાં મૂક, જેથી દોરડાથી તું છોલાઈ ન જાય.” યર્મિયાએ એ પ્રમાણે કર્યું ૧૩  અને તેઓએ યર્મિયાને દોરડાથી ઉપર ખેંચીને ટાંકામાંથી બહાર કાઢ્યો. પછી યર્મિયા ચોકીદારના આંગણામાં રહ્યો.+ ૧૪  રાજા સિદકિયાએ યર્મિયા પ્રબોધકને યહોવાના મંદિરના ત્રીજા દરવાજે બોલાવ્યો. રાજાએ યર્મિયાને કહ્યું: “મારે તને કંઈક પૂછવું છે. મારાથી કંઈ છુપાવીશ નહિ.” ૧૫  યર્મિયાએ સિદકિયાને કહ્યું: “જો હું તમને કંઈક કહીશ, તો તમે મને ચોક્કસ મારી નાખશો. જો હું તમને સલાહ આપીશ, તો તમે મારું નહિ સાંભળો.” ૧૬  રાજા સિદકિયાએ ખાનગીમાં યર્મિયાને વચન આપ્યું: “આપણને જીવન આપનાર યહોવાના સમ* કે હું તને મારી નહિ નાખું. હું તને આ માણસોના હાથમાં નહિ સોંપું, જેઓ તારો જીવ લેવા માંગે છે.” ૧૭  યર્મિયાએ સિદકિયાને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘જો તું બાબેલોનના રાજાના અધિકારીઓના શરણે થઈશ, તો તારો જીવ બચશે,* આ શહેરને બાળી નાખવામાં નહિ આવે અને તારો અને તારા કુટુંબનો જીવ બચશે.+ ૧૮  પણ જો તું બાબેલોનના રાજાના અધિકારીઓના શરણે નહિ થાય, તો આ શહેર ખાલદીઓને સોંપી દેવામાં આવશે. તેઓ એને બાળી નાખશે.+ તું તેઓના હાથમાંથી બચી નહિ શકે.’”+ ૧૯  રાજા સિદકિયાએ યર્મિયાને કહ્યું: “મને એ યહૂદીઓનો ડર લાગે છે, જેઓ ખાલદીઓ પાસે જતા રહ્યા છે. જો મને એ યહૂદીઓના હાથમાં સોંપવામાં આવશે, તો તેઓ મારી સાથે ક્રૂર રીતે વર્તશે.” ૨૦  યર્મિયાએ કહ્યું: “તમને તેઓના હાથમાં સોંપવામાં નહિ આવે. કૃપા કરીને યહોવાની વાત માનો, જે હું તમને કહું છું. જો તમે એમ કરશો, તો તમારું ભલું થશે અને તમે જીવતા રહેશો. ૨૧  પણ જો તમે શરણે નહિ થાઓ, તો જે થવાનું છે એ યહોવાએ મને બતાવ્યું છે: ૨૨  જુઓ! યહૂદાના રાજાના મહેલમાં બાકી રહેલી સ્ત્રીઓને બાબેલોનના રાજાના અધિકારીઓ પાસે લઈ જવામાં આવી રહી છે.+ એ સ્ત્રીઓ કહે છે,‘જે માણસો પર તમે* ભરોસો રાખ્યો, તેઓએ* તમને દગો આપ્યો,તેઓ તમારા પર હાવી થઈ ગયા.+ તેઓએ તમારો પગ કાદવમાં ખૂંપી દીધો. હવે તેઓ તમને છોડીને જતા રહ્યા છે.’ ૨૩  તમારી પત્નીઓને અને દીકરાઓને ખાલદીઓ પાસે લઈ જવામાં આવી રહ્યાં છે. તમે તેઓના હાથમાંથી બચી નહિ શકો. બાબેલોનનો રાજા તમને પકડી લેશે+ અને તમારા લીધે આ શહેરને બાળી નાખવામાં આવશે.”+ ૨૪  સિદકિયાએ યર્મિયાને કહ્યું: “આ વાતો કોઈને કહીશ નહિ, નહિતર તું માર્યો જઈશ. ૨૫  જો અધિકારીઓને ખબર પડે કે મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તારી પાસે આવીને પૂછે, ‘અમને કહે, રાજાએ તને શું કહ્યું. અમારાથી કંઈ છુપાવીશ નહિ. અમે તને મારી નહિ નાખીએ.+ બોલ, રાજાએ શું કહ્યું,’ ૨૬  તો તું તેઓને કહેજે, ‘હું તો રાજાને વિનંતી કરતો હતો કે મને યહોનાથાનના ઘરે પાછો ન મોકલે, નહિતર હું ત્યાં મરી જઈશ.’”+ ૨૭  થોડા સમય પછી બધા અધિકારીઓ યર્મિયા પાસે આવ્યા. તેઓએ તેને સવાલો પૂછ્યા. રાજાના હુકમ પ્રમાણે જ યર્મિયાએ તેઓને જવાબ આપ્યો. એટલે તેઓએ તેને વધારે કંઈ પૂછ્યું નહિ. કેમ કે રાજા અને યર્મિયાની વાતચીત કોઈએ સાંભળી ન હતી. ૨૮  યરૂશાલેમને કબજે કરવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીદારના આંગણામાં+ રહ્યો. યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યારે તે ત્યાં જ હતો.+

ફૂટનોટ

અથવા, “બીમારીથી.”
મૂળ, “તેને લૂંટ તરીકે પોતાનું જીવન મળશે.”
મૂળ, “હાથ કમજોર કરી રહ્યો છે.”
કદાચ રાજવી પરિવારનો એક સભ્ય.
મૂળ, “ખોજો.” શબ્દસૂચિમાં “નપુંસક” જુઓ.
મૂળ, “યહોવાના જીવના સમ.”
અથવા, “તું જીવતો રહીશ.”
એટલે કે, સિદકિયા.
મૂળ, “તમારી જોડે શાંતિમાં રહેનાર માણસોએ.”