યર્મિયા ૪૩:૧-૧૩

  • લોકોએ માન્યું નહિ અને ઇજિપ્ત ગયા (૧-૭)

  • યર્મિયાને ઇજિપ્તમાં યહોવાનો સંદેશો મળ્યો (૮-૧૩)

૪૩  યર્મિયાએ બધા લોકોને તેઓના ઈશ્વર યહોવાએ કહેલી વાતો જણાવી. એવી એકેએક વાત જણાવી, જે કહેવા તેઓના ઈશ્વર યહોવાએ તેને મોકલ્યો હતો. તે કહી રહ્યો ત્યારે, ૨  હોશાયાહના દીકરા અઝાર્યાએ, કારેઆહના દીકરા યોહાનાને+ અને બધા ઘમંડી માણસોએ યર્મિયાને કહ્યું: “તું જૂઠું બોલે છે! અમારા ઈશ્વર યહોવાએ તને આવું કહેવા નથી મોકલ્યો કે, ‘તમે ઇજિપ્ત જશો નહિ, ત્યાં રહેવા જશો નહિ.’ ૩  તને તો નેરીયાના દીકરા બારૂખે+ અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે, જેથી અમને ખાલદીઓના હાથમાં સોંપવામાં આવે, અમને મારી નાખવામાં આવે કે ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવે.”+ ૪  કારેઆહના દીકરા યોહાનાને, બધા સેનાપતિઓએ અને બધા લોકોએ યહોવાની આજ્ઞા માની નહિ અને યહૂદામાં રહેવાની ના પાડી. ૫  કારેઆહનો દીકરો યોહાનાન અને બધા સેનાપતિઓ યહૂદામાં બાકી રહેલા લોકોને પોતાની સાથે લઈ ગયા, જેઓ બીજા દેશોમાં વિખેરાઈ ગયા હતા, પણ હવે યહૂદામાં રહેવા પાછા આવ્યા હતા.+ ૬  તેઓ પોતાની સાથે સ્ત્રી-પુરુષો, બાળકો, રાજાની દીકરીઓ અને એ બધા માણસોને લઈ ગયા, જેઓને રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને+ શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાના હાથમાં સોંપ્યા હતા.+ તેઓ પોતાની સાથે યર્મિયા પ્રબોધક અને નેરીયાના દીકરા બારૂખને પણ લઈ ગયા. ૭  તેઓએ યહોવાની આજ્ઞા માની નહિ. તેઓ ઇજિપ્ત ગયા, છેક તાહપાન્હેસ સુધી ગયા.+ ૮  તાહપાન્હેસમાં યર્મિયાને યહોવાનો આ સંદેશો મળ્યો: ૯  “તારા હાથમાં મોટા પથ્થરો લે. તાહપાન્હેસમાં ઇજિપ્તના રાજાના* મહેલના દરવાજે ફરસ પર એ પથ્થરો મૂક. પછી યહૂદી માણસોના દેખતાં એને માટીના ગારાથી ઢાંકી દે. ૧૦  પછી તેઓને કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* મોકલું છું.+ મેં સંતાડેલા પથ્થરો પર તે પોતાની રાજગાદી સ્થાપશે. એ પથ્થરો પર તે પોતાનો રાજવી તંબુ ઊભો કરશે.+ ૧૧  તે આવશે અને ઇજિપ્ત પર હુમલો કરશે.+ જેઓ રોગચાળાને લાયક છે, તેઓ રોગચાળાથી મરશે, જેઓ ગુલામીને લાયક છે, તેઓ ગુલામીમાં જશે અને જેઓ તલવારને લાયક છે, તેઓ તલવારને હવાલે થશે.+ ૧૨  હું ઇજિપ્તના દેવોનાં મંદિરોને આગ લગાડીશ.+ બાબેલોનનો રાજા તેઓને બાળી નાખશે અને ગુલામ બનાવીને લઈ જશે. જેમ એક ઘેટાંપાળક પોતાના શરીરે કપડું ઓઢે છે, તેમ તે ઇજિપ્તને ઓઢી લેશે. તે ત્યાંથી સહીસલામત* પાછો જશે. ૧૩  તે ઇજિપ્તના બેથ-શેમેશના* સ્તંભોના ચૂરેચૂરા કરી નાખશે. તે ઇજિપ્તના દેવોનાં મંદિરોને બાળીને ખાખ કરી નાખશે.”’”

ફૂટનોટ

અથવા, “ફારુનના.”
મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.
મૂળ, “શાંતિથી.”
અથવા, “સૂર્યના ઘરના (મંદિરના).” એટલે કે, હેલીઓપોલીસ.