યર્મિયા ૪૬:૧-૨૮

  • ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૨૬)

    • નબૂખાદનેસ્સાર ઇજિપ્તને જીતી લેશે (૧૩, ૨૬)

  • ઇઝરાયેલને વચનો આપવામાં આવ્યાં (૨૭, ૨૮)

૪૬  દેશો વિરુદ્ધ યહોવાનો સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો.+ ૨  આ સંદેશો ઇજિપ્ત+ દેશ માટે છે. યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ ઇજિપ્તના રાજા ફારુન* નકોહની+ સેના યુફ્રેટિસ નદીને કિનારે આવી હતી. એ વખતે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* કાર્કમીશમાં એને હરાવી દીધી. આ સંદેશો એ સેના વિશે છે:  ૩  “તમારી નાની ઢાલ* અને મોટી ઢાલ તૈયાર કરો,તમે યુદ્ધ માટે આગળ વધો.  ૪  હે ઘોડેસવારો, તમારા ઘોડાઓ તૈયાર કરો અને એના પર ચઢી જાઓ. ટોપ પહેરો અને તમારી જગ્યા લો. તમારી બરછીની ધાર કાઢો અને બખ્તર પહેરો.  ૫  યહોવા કહે છે, ‘તેઓ મને કેમ ગભરાયેલા દેખાય છે? તેઓ પીછેહઠ કરે છે, તેઓના યોદ્ધાઓ કચડાઈ ગયા છે. તેઓ ડરીને ભાગી ગયા છે, તેઓના યોદ્ધાઓએ પાછું વળીને જોયું પણ નથી. ચારે બાજુ આતંક છવાયો છે.  ૬  ઝડપથી દોડનાર નાસી નહિ શકે, યોદ્ધાઓ બચી નહિ શકે. ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારેતેઓ ઠોકર ખાઈને પડી ગયા છે.’+  ૭  નાઈલ નદીની જેમ આ કોણ ચઢી આવે છે? ધસમસતા પાણીની જેમ આ કોણ ધસી આવે છે?  ૮  નાઈલ નદીની જેમ અને ધસમસતા પાણીની જેમઇજિપ્ત ધસી આવે છે.+ તે કહે છે, ‘હું આવીશ અને આખી પૃથ્વી પર ફરી વળીશ. હું શહેર અને એના રહેવાસીઓને તાણી જઈશ.’  ૯  હે ઘોડાઓ, તમે દોડી આવો! હે રથો, તમે આડેધડ નાસભાગ કરો! યોદ્ધાઓને આગેકૂચ કરવા દો,ઢાલ ઉઠાવનાર કૂશ* અને પૂટને આગળ વધવા દો,+કમાન ખેંચનાર અને તીર ચલાવનાર લૂદીઓને+ આગળ જવા દો.+ ૧૦  “એ દિવસ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવાનો દિવસ છે. એ દુશ્મનો પાસેથી બદલો લેવાનો દિવસ છે. તલવાર ધરાય ત્યાં સુધી તેઓને ખાશે અને તૃપ્ત થાય ત્યાં સુધી તેઓનું લોહી પીશે. કેમ કે ઉત્તરમાં યુફ્રેટિસ નદી+ પાસે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવાએ બલિદાન તૈયાર કર્યું છે.* ૧૧  હે ઇજિપ્તની કુંવારી દીકરી,ગિલયાદ જા અને સુગંધી દ્રવ્ય લઈ આવ.+ તું નકામી આટલી દવા કરે છે,કેમ કે તારા ઘા રુઝાય એવા નથી.+ ૧૨  તારા અપમાન વિશે દેશોએ સાંભળ્યું છે,+તારો પોકાર આખા દેશમાં ગુંજી ઊઠ્યો છે. એક શૂરવીર બીજા શૂરવીર સાથે અથડાય છેઅને બંને પડી જાય છે.” ૧૩  બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* ઇજિપ્તને જીતવા આવશે, એ વિશે યહોવાએ આ સંદેશો યર્મિયા પ્રબોધકને આપ્યો:+ ૧૪  “ઇજિપ્તમાં ખબર આપો, મિગ્દોલમાં એલાન કરો.+ નોફ* અને તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો.+ જાહેર કરો, ‘તારી જગ્યા લે અને તૈયાર થા,કેમ કે તલવાર તારી આસપાસના લોકોનો સંહાર કરશે. ૧૫  તારા શૂરવીર માણસોનો કેમ નાશ થયો છે? તેઓ પોતાની જગ્યાએ ટકી શક્યા નથી,કેમ કે યહોવાએ તેઓને ધક્કો મારીને પાડી નાખ્યા છે. ૧૬  લોકોનાં ટોળેટોળાં ઠોકર ખાઈને પડે છે. તેઓ એકબીજાને કહે છે: “ઊભા થાઓ! ચાલો, આપણા લોકો પાસે પોતાના વતનમાં પાછા જઈએ,કેમ કે આ તલવાર ખૂબ ભયંકર છે.”’ ૧૭  શૂરવીર માણસોએ ત્યાં જાહેર કર્યું છે,‘ઇજિપ્તનો રાજા ફારુન* બડાઈ હાંકે છે, પણ તેની વાતમાં કંઈ દમ નથી. તેણે હાથમાં આવેલી તક* જવા દીધી છે.’+ ૧૮  જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે રાજા કહે છે,‘હું મારા સમ* ખાઈને કહું છું,પર્વતો વચ્ચેના તાબોરની જેમ+અને સમુદ્ર કિનારેના કાર્મેલની જેમ તે* આવશે.+ ૧૯  હે ઇજિપ્તમાં રહેતી દીકરી,ગુલામીમાં જવા તારો સામાન બાંધી લે. કેમ કે નોફના* એવા હાલ થશે કે લોકો એ જોઈને ધ્રૂજી ઊઠશે. એને બાળી નાખવામાં આવશે* અને એ વસ્તી વગરનું થઈ જશે.+ ૨૦  ઇજિપ્ત સુંદર ગાય* જેવો છે,પણ ઉત્તરથી તેની વિરુદ્ધ કરડતી માખીઓ ધસી આવશે. ૨૧  તેના ભાડૂતી સૈનિકો જાડા-પાડા આળસુ વાછરડા જેવા છે,તેઓ પીઠ બતાવીને ભાગી ગયા છે. તેઓ પોતાની જગ્યાએ ટકી શક્યા નથી,+કેમ કે તેઓ પર આફતનો દિવસ આવી પડ્યો છે,તેઓ પાસેથી હિસાબ લેવાનો સમય પાકી ચૂક્યો છે.’ ૨૨  ‘તેનો અવાજ સરકતા સાપના અવાજ જેવો છે,કેમ કે ઝાડ કાપનાર* માણસોની જેમદુશ્મનો કુહાડા લઈને પૂરી તાકાતથી તેની સામે આવે છે. ૨૩  ભલે તેનું જંગલ ઘનઘોર લાગે, પણ તેઓ એને કાપી નાખશે,તેઓની સંખ્યા તીડો કરતાં પણ વધારે છે, તેઓ અગણિત છે,’ એવું યહોવા કહે છે. ૨૪  ‘ઇજિપ્તની દીકરીને શરમમાં મૂકવામાં આવશે,તેને ઉત્તરના લોકોના હાથમાં સોંપવામાં આવશે.’+ ૨૫  “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હવે મારી નજર નો* શહેરના+ આમોન દેવ,+ ઇજિપ્તના રાજા ફારુન,* ઇજિપ્ત, તેના દેવો+ અને તેના રાજાઓ પર છે. હું તેઓને સજા કરીશ. હું ઇજિપ્તના રાજા ફારુન અને તેના પર ભરોસો રાખનાર બધાને સજા કરીશ.’+ ૨૬  “યહોવા કહે છે, ‘હું તેઓને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* અને તેના સેવકોના હાથમાં સોંપીશ,+ જેઓ તેનો જીવ લેવા માંગે છે. પણ સમય જતાં તે* અગાઉની જેમ આબાદ થશે.+ ૨૭  મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ. ઇઝરાયેલ, તું જરાય ડરીશ નહિ.+ હું તને દૂર દેશમાંથી છોડાવીશ,હું તારા વંશજને ગુલામીના દેશમાંથી બચાવીશ.+ યાકૂબ પાછો આવશે અને સુખ-શાંતિમાં રહેશે,તેને કોઈ હેરાન કરશે નહિ, તેને કોઈ ડરાવશે નહિ.’+ ૨૮  યહોવા કહે છે, ‘મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ, કેમ કે હું તારી સાથે છું. મેં તને જે દેશોમાં વિખેરી નાખ્યો છે, એ દેશોનો હું નાશ કરીશ,+પણ હું તારો નાશ નહિ કરું.+ હું તને શિક્ષા તો કરીશ,* પણ જેટલી જરૂરી છે એટલી જ કરીશ,+હું તને સજા કર્યા વગર નહિ છોડું.’”

ફૂટનોટ

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.
અથવા, “ઇથિયોપિયા.”
અથવા, “કત્લેઆમ મચાવી છે.”
મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
અથવા, “મેમ્ફિસ.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “તેણે નક્કી કરેલો સમય.”
એટલે કે, ઇજિપ્તને જીતી લેનાર.
મૂળ, “મારા જીવના સમ.”
અથવા, “મેમ્ફિસના.”
અથવા કદાચ, “એ ઉજ્જડ થઈ જશે.”
બચ્ચાને જન્મ ન આપ્યો હોય એવી ગાય.
અથવા, “લાકડાં ભેગાં કરનાર.”
એટલે કે, થેબ્સ.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
એટલે કે, ઇજિપ્ત.
અથવા, “સુધારીશ; શિસ્ત આપીશ.”