યર્મિયા ૫૦:૧-૪૬

  • બાબેલોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૪૬)

    • બાબેલોનમાંથી નાસી જાઓ ()

    • ઇઝરાયેલના લોકોને પાછા લાવવામાં આવશે (૧૭-૧૯)

    • બાબેલોનનું પાણી સુકાઈ જશે (૩૮)

    • બાબેલોનમાં ફરી કદી વસ્તી થશે નહિ (૩૯, ૪૦)

૫૦  યહોવાએ બાબેલોન વિશે,+ ખાલદીઓના દેશ વિશે આ સંદેશો યર્મિયા પ્રબોધક દ્વારા આપ્યો:  ૨  “પ્રજાઓમાં જાહેર કરો, એની ખબર આપો. વિજયની નિશાની* ઊભી કરો, એની જાહેરાત કરો. કંઈ જ સંતાડશો નહિ! કહો, ‘બાબેલોન નગરીને કબજે કરવામાં આવી છે.+ બેલ દેવ શરમમાં મુકાયો છે.+ મેરોદાખ દેવ ડરી ગયો છે. તેની મૂર્તિઓનું અપમાન થયું છે,ધિક્કારપાત્ર મૂર્તિઓ* ગભરાઈ ગઈ છે.’  ૩  કેમ કે ઉત્તરથી બાબેલોન પર એક પ્રજા ચઢી આવી છે.+ તે તેના દેશના એવા હાલ કરે છે કે લોકો એ જોઈને ધ્રૂજી ઊઠે છે. તેનામાં કોઈ રહેતું નથી. માણસો અને પ્રાણીઓ નાસી ગયાં છે,તેઓ જતાં રહ્યાં છે.” ૪  યહોવા કહે છે, “એ દિવસોમાં અને એ સમયે ઇઝરાયેલના લોકો અને યહૂદાના લોકો ભેગા થશે.+ તેઓ રડતાં રડતાં આવશે+ અને ભેગા મળીને તેઓના ઈશ્વર યહોવાને પોકાર કરશે.+ ૫  તેઓ સિયોન તરફ પોતાનું મોં રાખીને ત્યાં જવાનો રસ્તો પૂછશે.+ તેઓ કહેશે, ‘ચાલો, યહોવા સાથે કાયમી કરારમાં જોડાઈએ, એવો કરાર કરીએ જે કદી ભુલાય નહિ.’+ ૬  મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે.+ ઘેટાંપાળકોએ તેઓને ભટકાવી દીધા છે,+ તેઓને પહાડો પર રઝળતા મૂકી દીધા છે. તેઓ પહાડો અને ટેકરીઓ પર રખડતા ફરે છે. તેઓ પોતાની આરામ કરવાની જગ્યા ભૂલી ગયા છે. ૭  જેઓને પણ એ ઘેટાં મળ્યાં, તેઓએ એને ફાડી ખાધાં.+ તેઓના દુશ્મનોએ કહ્યું: ‘એમાં અમારો કોઈ વાંક નથી. તેઓએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, જેમનામાં નેકી* વસે છે. હા, તેઓએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, જે તેઓના બાપદાદાઓની આશા છે.’”  ૮  “બાબેલોનમાંથી નાસી જાઓ,ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ,+ટોળામાં સૌથી આગળ ચાલનાર જાનવર જેવા થાઓ.  ૯  હું ઉત્તરના દેશમાંથી મોટી પ્રજાઓના ટોળાને ઉશ્કેરું છુંઅને તેને બાબેલોન વિરુદ્ધ લાવું છું. તેઓ ટુકડીઓ બનાવીને યુદ્ધ માટે તેની સામે આવશે.+ ત્યાંથી તેને પકડી લેવામાં આવશે. તેઓનાં તીર યોદ્ધાનાં તીર જેવાં છે,જે બાળકોને નિર્દય રીતે માબાપથી છીનવી લે છે.+ તેઓમાંથી કોઈ નિષ્ફળ જતું નથી. ૧૦  ખાલદીઓના દેશને લૂંટી લેવામાં આવશે.+ જેઓ તેને લૂંટશે, તેઓ મન ભરાય ત્યાં સુધી તેને લૂંટશે,”+ એવું યહોવા કહે છે. ૧૧  “કેમ કે જ્યારે તમે મારા વારસાને લૂંટ્યો,+ત્યારે તમે બહુ ખુશ થયા, ઘણો આનંદ-ઉલ્લાસ કર્યો.+ તમે ગાયની* જેમ ઘાસમાં કૂદાકૂદ કરી*અને બળવાન ઘોડાની જેમ હણહણાટ કર્યો. ૧૨  તમારી મા શરમમાં મુકાઈ છે.+ તમને જન્મ આપનાર મા નિરાશ થઈ છે. જુઓ! તે પ્રજાઓમાં સૌથી ઊતરતી છે,તે પાણી વગરની સૂકી જમીન અને રણપ્રદેશ જેવી છે.+ ૧૩  યહોવાના ક્રોધને લીધે બાબેલોન નગરી ફરી આબાદ થશે નહિ,+તે પૂરેપૂરી ઉજ્જડ થઈ જશે.+ ત્યાંથી પસાર થનાર એકેએક માણસ તેને જોઈને ચોંકી જશેઅને તેના પર આવેલી આફત જોઈને સીટી મારશે.+ ૧૪  ઓ તીરંદાજો, તમે ટુકડીઓ બનાવો,બાબેલોનને ચારે બાજુથી ઘેરી લો. તમે તેના પર તીર ચલાવો, એકેય તીર બાકી રાખશો નહિ,+કેમ કે તેણે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.+ ૧૫  ચારે બાજુથી તેની વિરુદ્ધ યુદ્ધનો પોકાર કરો. તેણે ઘૂંટણ ટેકવી દીધાં છે.* તેના સ્તંભો પડી ગયા છે, તેના કોટ તૂટી ગયા છે,+કેમ કે યહોવાએ બદલો લીધો છે.+ તમે તેની પાસેથી બદલો લો. તેણે જે કર્યું છે, એવું જ તેની સાથે કરો.+ ૧૬  બાબેલોનમાંથી બી વાવનારનેઅને કાપણીના સમયે દાતરડું ચલાવનારને કાપી નાખો.+ કેમ કે નિર્દય તલવારને લીધે દરેક માણસ પોતાના લોકો પાસે પાછો જશે,તે પોતાના વતનમાં નાસી જશે.+ ૧૭  “ઇઝરાયેલના લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે.+ સિંહોએ તેઓને વિખેરી નાખ્યા છે.+ પહેલા તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો+ અને પછી બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* તેઓનાં હાડકાં ચાવી નાખ્યાં.+ ૧૮  એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જેમ મેં આશ્શૂરના રાજાને સજા કરી હતી, તેમ હું બાબેલોનના રાજાને અને તેના દેશને પણ સજા કરીશ.+ ૧૯  હું ઇઝરાયેલને તેનાં ગૌચરોમાં* પાછો લાવીશ.+ તે કાર્મેલ અને બાશાન પર ચરશે.+ તે એફ્રાઈમ+ અને ગિલયાદનાં+ પહાડો પર પેટ ભરીને ખાશે.’” ૨૦  યહોવા કહે છે, “એ દિવસોમાં અને એ સમયે લોકો ઇઝરાયેલમાં દોષ શોધશે, પણ કોઈ દોષ મળશે નહિ. તેઓને યહૂદામાં કોઈ પાપ જડશે નહિ,કેમ કે જેઓને મેં જીવતા રાખ્યા છે, તેઓનાં પાપ હું માફ કરીશ.”+ ૨૧  યહોવા કહે છે, “મેરાથાઈમ* દેશ પર અને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર.+ તેઓની કત્લેઆમ કર અને પૂરેપૂરો સંહાર કર.* મેં તને જે જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે કર. ૨૨  દેશમાં યુદ્ધનો પોકાર સંભળાય છે,ભયંકર આફતના ભણકારા સંભળાય છે. ૨૩  પૃથ્વીના ચૂરેચૂરા કરનાર હથોડાને કાપીને તોડી નાખવામાં આવ્યો છે!+ બાબેલોનના એવા હાલ થયા છે કે એને જોઈને બધી પ્રજાઓ ધ્રૂજી ઊઠી છે!+ ૨૪  હે બાબેલોન, મેં તારા માટે ફાંદો નાખ્યો અને તું એમાં ફસાઈ ગઈ. તને એની જાણ પણ ન થઈ. તને શોધીને પકડી લેવામાં આવી છે,+કેમ કે તેં યહોવાનો વિરોધ કર્યો છે. ૨૫  યહોવાએ પોતાનાં હથિયારોનો ભંડાર ખોલી નાખ્યો છે. તે પોતાના કોપનાં હથિયારો બહાર કાઢે છે.+ કેમ કે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવાખાલદીઓના દેશમાં એક કામ હાથ ધરવાના છે. ૨૬  દૂર દૂરની જગ્યાએથી તેના પર ચઢી આવો.+ તેના કોઠારો ખુલ્લા કરો.+ અનાજના ઢગલાની જેમ તેની લૂંટનો ઢગલો કરો. તેનો સર્વનાશ કરો.*+ તેનામાં કશું જ બચવા ન દો. ૨૭  તેના આખલાઓને મારી નાખો,+તેઓની કતલ કરી નાખો. તેઓને અફસોસ, કેમ કે તેઓનો દિવસ પાસે આવ્યો છે. તેઓ પાસેથી હિસાબ લેવાનો સમય પાકી ચૂક્યો છે. ૨૮  નાસી જનારાઓનો અવાજ સંભળાય છે,બાબેલોનથી ભાગી જનારાઓનો પોકાર સંભળાય છે. તેઓ સિયોનમાં જઈને જાહેર કરે છે કે આપણા ઈશ્વર યહોવાએ બદલો લીધો છે,તેમણે પોતાના મંદિર માટે બદલો લીધો છે.+ ૨૯  બાબેલોન વિરુદ્ધ તીરંદાજો ભેગા કરો,કમાન ખેંચનાર માણસોને એકઠા કરો.+ તેની ચારે બાજુ છાવણી નાખો, કોઈને નાસી જવા ન દો. તેના કામ પ્રમાણે તેને બદલો આપો.+ તેણે જેવું કર્યું છે, એવું જ તેની સાથે કરો.+ કેમ કે તેણે ઘમંડી બનીને યહોવા વિરુદ્ધ કામ કર્યું છે,હા, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ કામ કર્યું છે.+ ૩૦  એ દિવસે તેના યુવાનો ચોકમાં માર્યા જશે+ અને તેના બધા સૈનિકોનો નાશ થશે,”* એવું યહોવા કહે છે. ૩૧  વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,“હે ઘમંડી બાબેલોન,+ હું તારી વિરુદ્ધ છું.+ તારી પાસેથી હિસાબ લેવાનો દિવસ જરૂર આવશે,તને સજા કરવાનો સમય ચોક્કસ આવશે. ૩૨  હે ઘમંડી બાબેલોન, તું ઠોકર ખાઈને પડીશ. તને ઉઠાવનાર કોઈ નહિ હોય.+ હું તારાં શહેરોને આગ લગાડીશ,એ આગ તારી આસપાસનું બધું ભસ્મ કરી દેશે.” ૩૩  સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “ઇઝરાયેલના અને યહૂદાના લોકોને સતાવવામાં આવ્યા છે. તેઓને ગુલામીમાં લઈ જનાર લોકોએ તેઓને પકડી રાખ્યા છે+અને તેઓને છોડી મૂકવાની ના પાડે છે.+ ૩૪  પણ તેઓને છોડાવનાર શક્તિશાળી છે.+ તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.+ તે ચોક્કસ તેઓનો મુકદ્દમો લડશે,+જેથી દેશને શાંતિ મળે+અને બાબેલોનના રહેવાસીઓમાં ખળભળાટ મચી જાય.”+ ૩૫  યહોવા કહે છે, “ખાલદીઓ પર તલવાર આવી પડી છે. બાબેલોનના રહેવાસીઓ, તેના અધિકારીઓ અને તેના જ્ઞાની પુરુષો પર તલવાર આવી પડી છે.+ ૩૬  જૂઠા પ્રબોધકો* પર તલવાર આવી પડી છે, તેઓ મૂર્ખાઈ કરશે. તેના યોદ્ધાઓ પર તલવાર આવી પડી છે, તેઓ ગભરાઈ જશે.+ ૩૭  તેઓના ઘોડાઓ અને યુદ્ધના રથો પર તલવાર આવી પડી છે. તેની વચ્ચે રહેતા પરદેશીઓ પર તલવાર આવી પડી છે,તેઓ સ્ત્રીની જેમ કમજોર થઈ જશે.+ તેના ખજાના પર તલવાર આવી પડી છે, એને લૂંટી લેવામાં આવશે.+ ૩૮  તેના પાણીને અફસોસ! એ સુકાઈ જશે!+ કેમ કે તે કોતરેલી મૂર્તિઓનો દેશ છે,+તેઓનાં ડરામણાં સપનાંને લીધે તેઓ ગાંડાની જેમ વર્તે છે. ૩૯  વેરાન પ્રદેશનાં પ્રાણીઓ અને શિયાળો* તેનામાં પોતાનો અડ્ડો બનાવશે,શાહમૃગો તેનામાં વાસો કરશે.+ તેનામાં ફરી કદી વસ્તી નહિ થાય,પેઢી દર પેઢી તેનામાં કોઈ વસવાટ નહિ કરે.”+ ૪૦  યહોવા કહે છે, “સદોમ અને ગમોરાહ+ અને તેઓની આસપાસનાં નગરોની+ જેમ બાબેલોનનો પણ નાશ થશે. ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ.+ ૪૧  જો! ઉત્તરથી એક પ્રજા આવે છે. પૃથ્વીના છેડાથી+ એક મહાન દેશ અને મોટા મોટા રાજાઓને+ ઊભા કરવામાં આવશે. ૪૨  તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ છે.+ તેઓ બહુ ક્રૂર છે, તેઓ જરાય દયા નહિ બતાવે.+ તેઓ ઘોડા પર સવારી કરે છે ત્યારે,સમુદ્રની ગર્જના જેવો અવાજ આવે છે.+ હે બાબેલોનની દીકરી, તેઓ એક થઈને અને ટુકડી બનાવીને તારી સામે ઊભા છે.+ ૪૩  તેઓ વિશે બાબેલોનના રાજાને ખબર મળી છે,+તેના હાથ ઢીલા પડી ગયા છે.+ તેના પર ડર છવાઈ ગયો છે,તેને પ્રસૂતિની પીડા જેવી વેદના ઊપડી છે. ૪૪  “જો! જેમ યર્દનની ગીચ ઝાડીઓમાંથી સિંહ આવે છે, તેમ કોઈક આવીને સલામત ગૌચરો પર હુમલો કરશે. પણ હું પળભરમાં તેઓને* એમાંથી ભગાડી મૂકીશ. હું તેના* પર એક આગેવાન ઠરાવીશ, જેને મેં પસંદ કર્યો છે.+ કેમ કે મારા જેવો કોણ છે? કોણ મને રોકી શકે? કયો ઘેટાંપાળક મારી સામે ઊભો રહી શકે?+ ૪૫  હે લોકો, યહોવાએ બાબેલોન વિરુદ્ધ કેવો નિર્ણય લીધો છે+ એ સાંભળો, ખાલદીઓના દેશ વિશે શું નક્કી કર્યું છે એ સાંભળો: તેઓના લીધે ઘેટાંનાં ગૌચરો ઉજ્જડ થઈ જશે. ટોળાનાં નાનાં ઘેટાંને ઘસડીને લઈ જવામાં આવશે.+ ૪૬  બાબેલોનને કબજે કરવામાં આવશે ત્યારે, તેના પડવાના અવાજથી પૃથ્વી કાંપી ઊઠશે. તેની ચીસાચીસ બધી પ્રજાઓમાં સંભળાશે.”+

ફૂટનોટ

અથવા, “વિજયનો થાંભલો.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
બચ્ચાને જન્મ ન આપ્યો હોય એવી ગાય.
અથવા, “તમે ગાયની જેમ ઘાસમાં ખરીથી જમીન ખોતરી.”
મૂળ, “તેણે હાથ આપ્યા છે.”
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
અથવા, “ચરાવવાની જગ્યામાં.”
અર્થ, “બે ગણો બળવો; બે ગણી કડવાશ.”
અથવા, “અને વિનાશ માટે અલગ ઠરાવ.”
અથવા, “તેને વિનાશ માટે અલગ ઠરાવો.”
મૂળ, “સૈનિકોને ચૂપ કરી દેવામાં આવશે.”
અથવા, “પોકળ વાતો કરનારાઓ.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ લાંબી અને મોટી બૂમ પાડીને રડતાં પ્રાણીઓને બતાવે છે.
અહીં કદાચ બાબેલોનના રહેવાસીઓની વાત થાય છે.
અહીં કદાચ બાબેલોન કે તેના રહેવાસીઓની વાત થાય છે.