યશાયા ૧૭:૧-૧૪

  • દમસ્ક વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૧)

  • યહોવા પ્રજાઓને ધમકાવશે (૧૨-૧૪)

૧૭  દમસ્ક વિરુદ્ધ ન્યાયચુકાદો:+ “જુઓ! દમસ્ક હવે શહેર નહિ રહે,એ તો ખંડેરોનો ઢગલો બની જશે.+  ૨  અરોએરનાં શહેરો+ પડતાં મુકાશે. એમાં ઘેટાં-બકરાંનાં ટોળાં આરામ કરશેઅને તેઓને કોઈ ડરાવશે નહિ.  ૩  એફ્રાઈમમાંથી+ કોટવાળાં શહેરોઅને દમસ્કમાંથી+ રાજ્ય ગાયબ થઈ જશે. ઇઝરાયેલીઓના ગૌરવની જે દશા થઈ,એવી જ દશા સિરિયામાં બચી ગયેલા લોકોની થશે,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા જાહેર કરે છે.  ૪  “એ દિવસે યાકૂબની જાહોજલાલી જતી રહેશે,તેનું તંદુરસ્ત શરીર સુકાઈ જશે.  ૫  યાકૂબની દશા રફાઈમની ખીણમાં*+કાપણી થઈ ગયેલા ખેતર જેવી થશે,જેમાં વીણવા માટે ફક્ત થોડાં જ કણસલાં બાકી રહ્યાં હોય.  ૬  જૈતૂનનું વૃક્ષ ઝૂડતી વખતેવીણવા માટે ઘણાં ફળ બાકી નહિ રહે. વૃક્ષની ટોચ પર ફક્ત બે ત્રણ પાકેલાં જૈતૂનઅને ફળ આપતી ડાળીઓ પર ફક્ત ચાર પાંચ જૈતૂન બાકી રહેશે,”+ એવું ઇઝરાયેલના ઈશ્વર યહોવા જાહેર કરે છે. ૭  એ દિવસે માણસ પોતાના સર્જનહાર તરફ નજર કરશે. તેની આંખો ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર પાસે મદદ માંગશે. ૮  તે પોતાના હાથે બનાવેલી+ વેદીઓ તરફ નજર નહિ કરે.+ તે પોતાની આંગળીઓની કરામત તરફ પણ નહિ જુએ, ભલે પછી એ ભક્તિ-થાંભલા* હોય કે ધૂપદાનીઓ.  ૯  એ દિવસે કોટવાળાં શહેરો પડતાં મુકાયેલાં જંગલ જેવાં થઈ જશે,+એ શહેરો ઇઝરાયેલીઓને લીધે પડતી મુકાયેલી ડાળી જેવાં થઈ જશે. એ ઉજ્જડ જગ્યા બની જશે. ૧૦  તારો ઉદ્ધાર કરનાર ઈશ્વરને તું ભૂલી ગયો છે,+તેં તારા ખડક, તારા ગઢને યાદ રાખ્યા નથી.+ એટલે જ તો તું સુંદર વાડીઓ રોપે છેઅને એમાં પારકી ડાળીની* કલમ કરે છે. ૧૧  તું દિવસે વાડી ફરતે સાચવીને વાડ બનાવે છેઅને સવારે બીમાંથી ફણગો ફૂટે છે. પણ રોગના અને સખત વેદનાના દિવસે ફસલ તારા હાથમાં આવશે નહિ.+ ૧૨  સાંભળો! ઘણા લોકોનો શોરબકોર! તેઓ દરિયા જેવા તોફાની છે! પ્રજાઓમાં ધમાલ મચી છે,તેઓનો અવાજ શક્તિશાળી પાણીની ગર્જના જેવો છે! ૧૩  પ્રજાઓ ઘણા પાણીની ગર્જના જેવો અવાજ કરશે. ઈશ્વર તેઓને ધમકાવશે અને તેઓ દૂર ભાગી જશે,જાણે પવન પર્વત પરનાં ફોતરાંને ઉડાડી જાય,જાણે તોફાન કાંટાળો છોડ ઉડાડી જાય. ૧૪  સાંજ થતાં સુધી તેઓમાં ભય છવાઈ જાય છે. સવાર થતાં સુધી કોઈ બચતું નથી. અમારા પર હુમલો કરનારાઓને આ હિસ્સો મળે છે,અમને લૂંટનારાઓની આવી દશા થાય છે.

ફૂટનોટ

અથવા, “નીચાણ પ્રદેશમાં.”
અથવા, “પારકા દેવની.”