યશાયા ૨૦:૧-૬

  • ઇજિપ્ત અને ઇથિયોપિયા વિરુદ્ધ નિશાની (૧-૬)

૨૦  આશ્શૂરના રાજા સાર્ગોને પોતાના સેનાપતિને* આશ્દોદ+ સામે લડવા મોકલ્યો. તેણે એ જ વર્ષે આશ્દોદ સામે લડાઈ કરીને એને જીતી લીધું.+ ૨  એ સમયે યહોવાએ આમોઝના દીકરા યશાયાને+ કહ્યું: “તારી કમર પરથી કંતાન ઉતાર અને તારા પગમાંથી ચંપલ કાઢ.” તેણે એવું જ કર્યું. તે ઉઘાડા શરીરે* અને ઉઘાડા પગે ફર્યો. ૩  પછી યહોવાએ કહ્યું: “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ઉઘાડા શરીરે અને ઉઘાડા પગે ફર્યો છે. એ નિશાની+ અને ચેતવણી છે કે ઇજિપ્ત+ અને ઇથિયોપિયાના+ કેવા હાલ થશે. ૪  આશ્શૂરનો રાજા ઇજિપ્તના+ અને ઇથિયોપિયાના લોકોને ગુલામીમાં લઈ જશે. તે યુવાનોને અને વૃદ્ધ પુરુષોને ઉઘાડા શરીરે અને ઉઘાડા પગે, નગ્‍ન હાલતમાં લઈ જશે. એનાથી ઇજિપ્તે શરમાવું પડશે.* ૫  જેઓ ઇથિયોપિયા પર આશા રાખતા હતા અને ઇજિપ્ત પર ગર્વ કરતા હતા,* તેઓ ડરશે અને શરમાશે. ૬  દરિયા કાંઠે રહેતા લોકો એ દિવસે કહેશે: ‘જુઓ, આશ્શૂરના રાજાથી બચવા આપણે જેની પાસે ગયા, જેના પર ખૂબ આધાર રાખ્યો, એની કેવી દશા થઈ! હવે આપણે કેવી રીતે બચીશું?’”

ફૂટનોટ

અથવા, “તાર્તાનને.”
અથવા, “સાવ ઓછાં કપડાંમાં.”
મૂળ, “નગ્‍ન થવું પડશે.”
અથવા, “ઇજિપ્તની સુંદરતાના વખાણ કરતા હતા.”