યશાયા ૨૧:૧-૧૭

  • સમુદ્રના વેરાન પ્રદેશ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૦)

    • બુરજ પરથી ચોકી કરવી ()

    • “બાબેલોન પડ્યું છે!” ()

  • દૂમાહ અને ઉજ્જડ પ્રદેશ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧૧-૧૭)

    • “ચોકીદાર, સવાર ક્યારે પડશે?” (૧૧)

૨૧  સમુદ્રના વેરાન પ્રદેશ* વિરુદ્ધ ન્યાયચુકાદો:+ દક્ષિણમાંથી પસાર થતાં વાવાઝોડાની જેમ,વેરાન પ્રદેશથી, ભયાનક દેશથી આફત આવે છે.+  ૨  મને એક ભયંકર દર્શન બતાવવામાં આવ્યું: કપટ કરનાર કપટ કરે છે,વિનાશ લાવનાર વિનાશ લાવે છે,ઓ એલામ, ચઢાઈ કર! ઓ માદાય, ઘેરો નાખ!+ એણે* લોકોને જે જે દુઃખ દીધાં છે, એ હું દૂર કરીશ.+  ૩  એ દર્શન જોઈને મને ભારે પીડા થાય છે.+ બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમમને સખત વેદના થાય છે. હું એટલો નિરાશ થઈ ગયો છું કે મારાથી સંભળાતું નથી. હું એટલો ગભરાઈ ગયો છું કે મારાથી જોવાતું નથી.  ૪  મારા હૃદયના ધબકારા વધી ગયા છે, હું ડરથી કાંપી ઊઠું છું. સાંજના જે સમયની હું રાહ જોતો, એનાથી હવે મને બીક લાગે છે.  ૫  મેજ સજાવો, બેઠકો ગોઠવો! ખાઓ અને પીઓ!+ હે અધિકારીઓ, ઊભા થાઓ અને ઢાલનો અભિષેક* કરો!  ૬  યહોવાએ મને આમ કહ્યું છે: “જા, એક ચોકીદાર ઊભો રાખ અને તે જે જુએ એની ખબર આપે.”  ૭  તેણે બે ઘોડાવાળો એક રથ,ગધેડાંવાળો એક રથઅને ઊંટોવાળો એક રથ જોયો. તેણે તેઓ પર નજર રાખી અને એ ધ્યાનથી જોયા.  ૮  પછી તેણે સિંહની જેમ પોકાર કર્યો: “હે યહોવા, હું ચોકી કરવા આખો દિવસ બુરજ પર ઊભો રહું છું,હું રોજ રાતે ચોકીએ પહેરો ભરું છું.+  ૯  જુઓ, બે ઘોડાવાળા રથમાંમાણસો આવે છે!”+ તે બોલી ઊઠ્યો: “એ પડ્યું છે! બાબેલોન પડ્યું છે!+ એના દેવોની બધી કોતરેલી મૂર્તિઓ તોડીને ભોંયભેગી કરવામાં આવી છે!”+ ૧૦  ઓ મારા ઝુડાયેલા લોકો,ઓ મારી ખળીના* અનાજ,+સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયેલના ઈશ્વર પાસેથી મેં જે સાંભળ્યું, એ તમને જણાવ્યું છે. ૧૧  દૂમાહ* વિરુદ્ધ ન્યાયચુકાદો: સેઈરમાંથી+ કોઈ મને બૂમ પાડે છે: “ચોકીદાર, સવાર ક્યારે પડશે? ચોકીદાર, સવાર ક્યારે પડશે?” ૧૨  ચોકીદારે જવાબ આપ્યો: “સવાર પડશે અને રાત પણ પડશે. તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. ફરી પાછા આવજો!” ૧૩  ઉજ્જડ પ્રદેશ વિરુદ્ધ ન્યાયચુકાદો: ઓ દદાનના+ કાફલાઓ,તમે ઉજ્જડ પ્રદેશના જંગલમાં રાત વિતાવશો. ૧૪  ઓ તેમા+ દેશના લોકો,તરસ્યા માટે પાણી લાવો,નાસી છૂટનારા માટે રોટલી લાવો. ૧૫  તેઓ તલવારથી, હા, ઉગામેલી તલવારથી,તાણેલા ધનુષ્યથી અને યુદ્ધની પીડાથી નાસી છૂટ્યા છે. ૧૬  યહોવાએ મને આમ કહ્યું છે: “ફક્ત એક જ વર્ષમાં* કેદારનું+ બધું ગૌરવ ધૂળમાં મળી જશે, એમાં એક દિવસની પણ વધ-ઘટ નહિ થાય. ૧૭  કેદારના યોદ્ધાઓમાંથી ધનુષ્ય ચલાવનારા થોડા જ બચશે, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા એમ બોલ્યા છે.”

ફૂટનોટ

દેખીતું છે, એ જૂના બાબેલોનિયાના પ્રદેશને બતાવે છે.
દેખીતું છે, એ બાબેલોનને બતાવે છે.
અર્થ, “મૌન.”
મૂળ, “મજૂરનાં વર્ષો પ્રમાણે એક વર્ષમાં.” મજૂરની મહેનતનાં વર્ષોનો સમય ઠરાવેલો હતો. આ નક્કી કરેલા સમયગાળા પર ભાર મૂકે છે.