યશાયા ૨૪:૧-૨૩

  • યહોવા દેશને ખાલી કરી નાખશે (૧-૨૩)

    • યહોવા સિયોનમાં રાજા (૨૩)

૨૪  જુઓ! યહોવા દેશને* ખાલી કરી નાખે છે, એને ઉજ્જડ કરી નાખે છે.+ તે એને ઊથલાવી નાખે છે,+ એના લોકોને વિખેરી નાખે છે.+  ૨  બધાની દશા એકસરખી થઈ જશે: લોકો હોય કે યાજક,દાસ હોય કે શેઠ,દાસી હોય કે શેઠાણી,ખરીદનાર હોય કે વેચનાર,ઉછીનું આપનાર હોય કે લેનાર,લેણદાર હોય કે દેણદાર.+  ૩  આખો દેશ ખાલી કરવામાં આવશેઅને પૂરેપૂરો લૂંટી લેવામાં આવશે,+કેમ કે યહોવા એમ બોલ્યા છે.  ૪  દેશ શોક મનાવે છે*+ અને એ નાશ પામે છે. ધરતી સુકાતી જાય છે અને એ સાવ સૂકી થઈ જાય છે. દેશના જાણીતા લોકો કમજોર થઈ ગયા છે.  ૫  લોકોએ દેશ ભ્રષ્ટ કરી નાખ્યો છે.+ તેઓએ નિયમો પાળ્યા નથી,+કાયદા-કાનૂન બદલી નાખ્યા છે+અને કાયમી* કરાર* તોડ્યો છે.+  ૬  એટલે જ શ્રાપ દેશને ભરખી જાય છે.+ એમાં રહેનારા લોકોને દોષિત ઠરાવવામાં આવે છે. દેશમાં રહેનારાઓ ઘટતા જાય છેઅને એમાં થોડા જ લોકો બચી ગયા છે.+  ૭  નવો દ્રાક્ષદારૂ વિલાપ કરે છે,* દ્રાક્ષાવેલો સુકાઈ ગયો છે.+ જેઓનાં દિલ આનંદથી ભરપૂર હતાં, તેઓ નિસાસા નાખે છે.+  ૮  ખંજરીનો આનંદી રણકાર બંધ પડી ગયો છે,મોજમસ્તીનો અવાજ પૂરો થયો છે,વીણાનું મધુર સંગીત બંધ થઈ ગયું છે.+  ૯  તેઓ ગીતો વિના દ્રાક્ષદારૂ પીએ છે,શરાબ પીનારાઓને એનો સ્વાદ કડવો લાગે છે. ૧૦  શહેર ઉજ્જડ અને વેરાન થઈ ગયું છે.+ દરેક ઘર બંધ કરવામાં આવ્યું છે, જેથી કોઈ અંદર જઈ ન શકે. ૧૧  તેઓ શેરીઓમાં દ્રાક્ષદારૂ માટે બૂમો પાડે છે. બધી મોજમજા ગાયબ થઈ ગઈ છે. દેશમાંથી આનંદ જતો રહ્યો છે.+ ૧૨  શહેર ઉજ્જડ પડ્યું છે. એના દરવાજાનો ભૂકો કરીને ઢગલો બનાવી દેવાયો છે.+ ૧૩  દુનિયાની નજરમાં મારા લોકોની આવી હાલત થશે: ઝુડાયેલા જૈતૂનના વૃક્ષ પર તેઓ બચી ગયેલા થોડાં જૈતૂન જેવા થશે,+દ્રાક્ષની ફસલના અંતે બાકી રહી ગયેલી થોડી દ્રાક્ષ જેવા થશે.+ ૧૪  તેઓ મોટે અવાજે બૂમ પાડશે,તેઓ ખુશીનો પોકાર કરશે. પશ્ચિમથી* તેઓ યહોવાનો મહિમા ગાશે.+ ૧૫  તેઓ પૂર્વથી* યહોવાનો જયજયકાર કરશે.+ દરિયાના ટાપુઓમાંથી તેઓ ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નામનો મહિમા કરશે.+ ૧૬  પૃથ્વીના છેડેથી અમે આવાં ગીતો સાંભળીએ છીએ: “સાચા ઈશ્વરનો મહિમા થાઓ!”+ પણ હું કહું છું: “હું કમજોર થતો જાઉં છું. હું કમજોર થતો જાઉં છું. મને અફસોસ! કપટ કરનારા કપટ કરે છે,તેઓ દુષ્ટ કામો કરીને કપટ કરે છે.”+ ૧૭  હે દેશના લોકો! આતંક, ખાડા અને ફાંદા તમારી રાહ જુએ છે.+ ૧૮  જે કોઈ આતંકના અવાજથી નાસી જશે, તે ખાડામાં પડશે,જે કોઈ ખાડામાંથી નીકળશે તે ફાંદામાં ફસાશે,+કેમ કે આકાશમાંથી પાણીના દરવાજા ખોલવામાં આવશેઅને ધરતીના પાયા હાલી ઊઠશે. ૧૯  દેશની જમીન ફાટી ગઈ છેઅને કાંપી ઊઠી છે. એ ભયંકર રીતે ધ્રૂજી ઊઠી છે.+ ૨૦  દેશ દારૂડિયા માણસની જેમ લથડિયાં ખાય છે. એ પવનમાં ઝોલા ખાતા ઝૂંપડાની જેમ ઝોલા ખાય છે. દેશ અપરાધોના ભાર નીચે દબાઈ ગયો છે.+ એ એવો પડશે કે પાછો ઊભો થશે નહિ. ૨૧  એ દિવસે યહોવા ઊંચાણના સૈન્યનોઅને પૃથ્વીના રાજાઓનો ન્યાય કરશે. ૨૨  જેમ કેદીઓ ખાડામાં ભેગા કરાય છે,તેમ તેઓ ભેગા કરાશે. તેઓને અંધારી કોટડીમાં પૂરવામાં આવશે. ઘણા દિવસો પછી તેઓ પાસેથી હિસાબ લેવામાં આવશે. ૨૩  સૈન્યોના ઈશ્વર યહોવા સિયોન પર્વત પર+ અને યરૂશાલેમમાં રાજા બન્યા છે.+ તે પોતાના લોકોના વડીલો આગળ ગૌરવથી રાજ કરશે.+ તેમના રાજના ગૌરવ આગળ ચંદ્ર ઝાંખો પડી જશે,અને સૂર્ય ફિક્કો પડી જશે.+

ફૂટનોટ

દેખીતું છે, એ યહૂદાને અને યરૂશાલેમને બતાવે છે.
અથવા કદાચ, “સુકાઈ ગયો છે.”
અથવા, “જૂનો.”
અથવા કદાચ, “સુકાઈ ગયો છે.”
અથવા, “સમુદ્રમાંથી.”
અથવા, “પ્રકાશના પ્રદેશમાંથી.”