યશાયા ૨૫:૧-૧૨

  • ઈશ્વરના લોકો પર આશીર્વાદોનો વરસાદ (૧-૧૨)

    • યહોવા સૌથી સારા શરાબની મિજબાની રાખશે ()

    • મરણ હશે જ નહિ ()

૨૫  હે યહોવા, તમે મારા ઈશ્વર છો. હું તમારો મહિમા કરું છું, તમારા નામના ગુણગાન ગાઉં છું. તમે જૂના જમાનાથી નક્કી કરેલાં કામો,*+હા, અજાયબ કામો કર્યાં છે.+ તમે વફાદાર+ અને વિશ્વાસુ છો.  ૨  તમે શહેર તોડી પાડીને પથ્થરનો ઢગલો કરી નાખ્યો,કિલ્લાવાળા નગરનો ભૂકો કરી નાખ્યો. પરદેશીઓનો કિલ્લો હવે રહ્યો નથી. એ શહેર ફરી કદી બંધાશે નહિ.  ૩  એટલે જ બળવાન લોકો તમારો જયજયકાર કરશે,જુલમી પ્રજાઓનું શહેર તમારો ડર રાખશે.+  ૪  તમે લાચાર લોકો માટે ગઢ બન્યા છોઅને દુઃખ સહેતા ગરીબો માટે કિલ્લો.+ તમે વાવાઝોડામાં આશરો બન્યા છોઅને ધગધગતા તાપમાં છાયો.+ દીવાલ પર તૂટી પડતા તોફાનની જેમ જુલમીઓનો ગુસ્સો ભભૂકી ઊઠે ત્યારે તમે રક્ષણ આપો છો.  ૫  સૂકી જમીન પર એ સખત તાપ જેવો બને ત્યારે,તમે અજાણ્યાઓનો શોરબકોર શાંત પાડી દો છો. વાદળની છાયા ગરમી સમાવી દે તેમ,તમે જુલમીઓનાં ગીત બંધ કરી દો છો.  ૬  સૈન્યોના ઈશ્વર યહોવા બધા લોકો માટેઆ પર્વત પર+ જાતજાતનાં પકવાનોની+અને સૌથી સારા શરાબની મિજબાની રાખશે. એમાં સૌથી સારું માંસ*અને ગાળેલો, ઉત્તમ દ્રાક્ષદારૂ હશે.  ૭  આ પર્વત પરથી ઈશ્વર એ ચાદર હટાવી દેશે, જે બધા લોકોને ઢાંકી રાખે છે. બધી પ્રજાઓ પર નાખેલો પડદો* તે કાઢી નાખશે.  ૮  તે કાયમ માટે મરણને મિટાવી દેશે,*+વિશ્વના માલિક યહોવા બધાના ચહેરા પરથી આંસુ લૂછી નાખશે.+ તે આખી પૃથ્વી પરથી પોતાના લોકોનું અપમાન દૂર કરશે,કેમ કે યહોવા પોતે એવું બોલ્યા છે.  ૯  એ દિવસે તેઓ કહેશે: “જુઓ! આ આપણા ઈશ્વર છે!+ આપણે તેમના પર આશા રાખી છે+અને તે આપણને બચાવશે.+ આ યહોવા છે! આપણે તેમના પર આશા રાખી છે. તે આપણને બચાવશે માટે ચાલો આનંદ કરીએ અને ખુશી મનાવીએ.”+ ૧૦  આ પર્વત પર યહોવાનો હાથ રહેશે.+ ખાતરના ઢગલામાં ઘાસ ખૂંદાય તેમ,+મોઆબને એની જગ્યાએ ખૂંદી નાખવામાં આવશે. ૧૧  જેમ તરવૈયો તરવા માટે પાણી પર હાથ મારે,તેમ ઈશ્વર એને મારશે. તે પોતાના હાથ કુશળ રીતે ચલાવીનેએનું ઘમંડ ઉતારશે.+ ૧૨  તારું કોટવાળું શહેર અને રક્ષણ આપતી ઊંચી ઊંચી દીવાલોતે તોડી નાખશે. એ શહેરને તે જમીનદોસ્ત કરીને ધૂળભેગું કરી નાખશે.

ફૂટનોટ

અથવા, “જેની યોજના ઘડી હતી એવાં કામો.”
અથવા, “ચરબીવાળું સરસ ભોજન.”
અથવા, “ઘૂંઘટ.”
અથવા, “ભરખી જશે.”