યશાયા ૨૭:૧-૧૩

  • મોટા દરિયાઈ પ્રાણીને યહોવાએ મારી નાખ્યું ()

  • એવું ગીત જેમાં ઇઝરાયેલ દ્રાક્ષાવાડી છે (૨-૧૩)

૨૭  એ દિવસે યહોવા પોતાની તેજ, મોટી અને મજબૂત તલવારથી+મોટા દરિયાઈ પ્રાણી* પર ઘા કરશે. વેગીલા અને ગૂંછળિયા સાપ પર ઘા કરશે. દરિયાના એ મોટા પ્રાણીને ઈશ્વર મારી નાખશે.  ૨  એ દિવસે દ્રાક્ષાવાડી* માટે આ ગીત ગાવામાં આવશે: “ઓ ફીણવાળા શરાબની દ્રાક્ષાવાડી!+  ૩  હું યહોવા એની રક્ષા કરું છું.+ દરેક પળે હું એને પાણી પિવડાવું છું.+ હું રાત-દિવસ એની રક્ષા કરું છું,જેથી કોઈ એને નુકસાન ન પહોંચાડે.+  ૪  મારો ક્રોધ હવે શમી ગયો છે.+ જો કોઈ મારી દ્રાક્ષાવાડીમાં ઝાડી-ઝાંખરાં મૂકે, તો હું તેની સામે લડીશ. હું ઝાડી-ઝાંખરાં કચડી નાખીશ અને આગમાં બાળીને ભસ્મ કરી નાખીશ.  ૫  એમ ન થવા દેવું હોય તો તે મારા ગઢમાં રક્ષણ માંગે. તે મારી સાથે સુલેહ-શાંતિ કરે. હા, તે મારી સાથે સુલેહ-શાંતિ કરે.”  ૬  સમય જતાં, યાકૂબનાં મૂળ ઊંડાં ઊતરશે. ઇઝરાયેલ ખીલી ઊઠશે, એને અંકુર ફૂટશે.+ તેઓ આખી પૃથ્વીને પોતાની પેદાશથી ભરી દેશે.+  ૭  શું મારનારે એને સખત મારવાની જરૂર હતી? અથવા કતલ થયેલાઓ સાથે શું એની કતલ કરવાની જરૂર હતી?  ૮  તમે એને સજા આપવા ડરાવી-ધમકાવીને દૂર મોકલી આપશો. તમે ગુસ્સાથી તપી જઈને પૂર્વમાંથી આવતા પવનના સપાટાની જેમ એને કાઢી મૂકશો.+  ૯  આ રીતે યાકૂબના પાપનો પસ્તાવો કરવામાં આવશે.+ તેનું પાપ દૂર કરાશે, એનું આવું પરિણામ આવશે: તે વેદીના બધા પથ્થરોનેભૂકો થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે. ભક્તિ-થાંભલો કે કોઈ ધૂપદાની નહિ બચે.+ ૧૦  કોટવાળું શહેર ઉજ્જડ મુકાશે. એની ગૌચર જમીનો* છોડી દેવાશે અને વેરાન પ્રદેશની જેમ પડતી મુકાશે.+ ત્યાં વાછરડું ચરશે અને સૂઈ જશે,તે ઝાડની ડાળીઓ ખાશે.+ ૧૧  એની ડાળીઓ સુકાઈ જશે ત્યારે,સ્ત્રીઓ આવીને એને બળતણ માટે તોડી જશે. આ લોકોમાં કંઈ સમજણ નથી.+ એટલે તેઓના સર્જનહાર તેઓ પર જરાય દયા નહિ બતાવે,તેઓના રચનાર તેઓ પર જરાય કૃપા નહિ કરે.+ ૧૨  ઓ ઇઝરાયેલના લોકો, તમે વહેતી નદીના* ઝરણાથી ઇજિપ્તના વહેળા* સુધી ફેલાયેલા છો.+ જેમ કોઈ વૃક્ષ પરથી ફળ ઝૂડીને એક પછી એક વીણી લે, તેમ યહોવા તમને બધાને ભેગા કરશે.+ ૧૩  એ દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે.+ જેઓ આશ્શૂરના દેશમાં મરવાની અણીએ છે+ અને જેઓ ઇજિપ્તની ભૂમિ પર વિખેરાઈ ગયેલા છે,+ તેઓ આવશે. તેઓ યરૂશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવા આગળ નમન કરશે.+

ફૂટનોટ

હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.
એ ઇઝરાયેલને બતાવે છે, જેને દ્રાક્ષાવાડી સાથે સરખાવવામાં આવ્યું છે.
અથવા, “ચરાવવાની જગ્યાઓ.”
એટલે કે, યુફ્રેટિસ.