યશાયા ૨૯:૧-૨૪

  • અરીએલને અફસોસ! (૧-૧૬)

    • નામ પૂરતી ભક્તિને ધિક્કાર (૧૩)

  • બહેરા સાંભળશે, આંધળા જોશે (૧૭-૨૪)

૨૯  “અરે અરીએલ,* અરીએલ, તને અફસોસ! એ શહેરમાં દાઉદે છાવણી નાખી હતી.+ વર્ષ પછી વર્ષ વીતવા દો,તહેવારોનું ચક્ર ફરવા દો.+  ૨  પણ હું અરીએલ પર આફત લાવીશ.+ ત્યાં ઘણો શોક અને વિલાપ થશે.+ એ શહેર મારા માટે ઈશ્વરની વેદીની આગ જેવું બની જશે.+  ૩  હું તારા પર ચઢી આવીને ચારે બાજુ છાવણી નાખીશ. હું અણીદાર ખૂંટાની વાડથી તને ઘેરી લઈશઅને તારી ફરતે ઢોળાવ ઊભા કરીશ.+  ૪  તને ભોંયભેગું કરી દેવામાં આવશે. તું જમીન પર પડ્યું પડ્યું બોલીશઅને તારો અવાજ ધૂળને લીધે દબાઈ જશે. ભૂમિમાંથી આવતો તારો અવાજ+મરેલા સાથે વાત કરનાર ભૂવા જેવો લાગશે. ધૂળમાંથી ઝીણે સાદે તારા શબ્દો સંભળાશે.  ૫  અચાનક, એક જ પળમાં+તારા દુશ્મનોનું* ટોળું ધૂળ જેવું બની જશે.+ જુલમીઓનું ટોળું ઊડી જતાં ફોતરાં જેવું બની જશે.+  ૬  સૈન્યોના ઈશ્વર યહોવા તને બચાવશે. એ સમયે ગર્જના અને ધરતીકંપ થશે, ભયાનક અવાજ સંભળાશે,વંટોળ આવશે, આંધી ઊઠશે, ભસ્મ કરતી આગની જ્વાળાઓ નીકળશે.”+  ૭  એ સમયે અરીએલ સામે યુદ્ધ કરનારી બધી પ્રજાઓનું ટોળું+સપના જેવું, રાતે થતાં દર્શન જેવું બની જશે. જેઓ એની સામે લડાઈ કરે છે,એની સામે લડાઈનાં સાધનો ગોઠવે છે,એના પર આફત લાવે છે, તેઓ બધાની દશા એવી જ થશે.  ૮  તેઓની દશા એવી થશે જાણે કોઈ ભૂખ્યો માણસ સપનામાં ખાય છે,પણ જાગે ત્યારે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે,જાણે કોઈ તરસ્યો માણસ સપનામાં પાણી પીએ છે,પણ જાગે ત્યારે થાકેલો અને તરસ્યો જ હોય છે. સિયોન પર્વત સામે લડનારી+બધી પ્રજાઓની હાલત પણ એવી જ થશે.  ૯  તમે દંગ થાઓ અને નવાઈ પામો.+ પોતાને આંધળા કરો અને આંધળા થાઓ.+ તમારા આગેવાનો પીધેલા છે, પણ શરાબથી નહિ. તેઓ લથડિયાં ખાય છે, પણ દારૂથી નહિ. ૧૦  યહોવાએ તમને ભરઊંઘમાં નાખ્યા છે.+ તેમણે તમારી આંખોને, એટલે કે પ્રબોધકોને આંધળા કરી નાખ્યા છે,+તેમણે તમારી બુદ્ધિ પર, એટલે કે દર્શન જોનારાઓ પર પડદો નાખી દીધો છે.+ ૧૧  તમારા માટે દરેક દર્શન મહોર મારેલા બંધ પુસ્તક જેવું છે.+ તેઓ ભણેલા માણસને એ આપીને કહેશે: “આ મોટેથી વાંચી આપ ને!” તે કહેશે: “એના પર મહોર મારી છે, હું કઈ રીતે વાંચું.” ૧૨  તેઓ અભણ માણસને એ આપીને કહેશે: “આ વાંચી આપ ને!” તે કહેશે: “હું તો અભણ છું.” ૧૩  યહોવા કહે છે: “આ લોકો ફક્ત કહેવા ખાતર મારી ભક્તિ કરે છે. તેઓ પોતાના હોઠોથી મને માન આપે છે,+પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર છે. માણસોની શીખવેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ મારો ડર રાખે છે.+ ૧૪  એટલે આ લોકો માટે હું ફરીથી અજાયબ કામો કરીશ,+ચમત્કાર પર ચમત્કાર કરીશ. તેઓના બુદ્ધિશાળી માણસોની બુદ્ધિ ધૂળમાં મળી જશે,સમજુ માણસોની સમજદારી ગાયબ થઈ જશે.”+ ૧૫  જેઓ યહોવાથી પોતાની યોજનાઓ* છુપાવવા મથે છે, તેઓને અફસોસ!+ તેઓ અંધારામાં કામો કરે છે. તેઓ કહે છે: “અમને કોણ જોવાનું? અમારા વિશે કોને ખબર પડવાની?”+ ૧૬  તમે કેટલા અડિયલ છો!* શું કુંભાર અને માટી એકસરખાં છે?+ શું બનાવેલી વસ્તુ પોતાના ઘડનાર વિશે કહેશે કે“તેણે મને નથી બનાવી”?+ શું ઘડેલી વસ્તુ પોતાના રચનાર વિશે કહેશે કે“તેનામાં જરાય બુદ્ધિ નથી”?+ ૧૭  થોડા જ સમયમાં લબાનોનને વાડી બનાવી દેવાશે+અને એ વાડી લીલાછમ જંગલ જેવી બની જશે.+ ૧૮  એ દિવસે બહેરા લોકો એ પુસ્તકના શબ્દો સાંભળશે. અંધ લોકોની આંખો સામેથી ઝાંખપ અને અંધકાર દૂર થશે અને તેઓ જોશે.+ ૧૯  નમ્ર લોકો યહોવાને લીધે ઘણો આનંદ કરશે. ગરીબો ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરને લીધે ખુશી મનાવશે.+ ૨૦  જુલમીઓનું નામનિશાન નહિ રહે,બડાઈ હાંકનારા લોકોનો વિનાશ થશે,બીજાઓને નુકસાન કરવા તાકી રહેનારાઓનો સંહાર થશે.+ ૨૧  તેઓ બીજાઓ પર ખોટા આરોપો મૂકે છે. શહેરના દરવાજે મુકદ્દમો લડનારને* ફસાવવા તેઓ ફાંદા ગોઠવે છે.+ સાચા માણસને ઇન્સાફ આપવાને બદલે તેઓ નકામી દલીલો કરે છે.+ ૨૨  એટલે ઇબ્રાહિમને છોડાવનાર યહોવા યાકૂબના વંશજને કહે છે:+ “યાકૂબે હવે શરમાવું નહિ પડે,તેનો ચહેરો હવે ફિક્કો નહિ પડે.*+ ૨૩  તે પોતાનાં બાળકોને આસપાસ જોશે. તેઓ મારા હાથની કરામત છે.+ તેઓ મારું નામ પવિત્ર મનાવશે. હા, તેઓ યાકૂબના પવિત્ર ઈશ્વરને માન આપશે. તેઓ ઇઝરાયેલના ઈશ્વરનો ડર રાખશે.+ ૨૪  જેઓ ભટકી ગયા છે, તેઓ સમજદાર બનશે. જેઓ ફરિયાદ કરે છે, તેઓ શિખામણનો સ્વીકાર કરશે.”

ફૂટનોટ

કદાચ એનો અર્થ, “ઈશ્વરની વેદીની આગ.” દેખીતું છે, એ યરૂશાલેમને બતાવે છે.
મૂળ, “પરદેશીઓનું.”
અથવા, “પોતાના ઇરાદાઓ.”
અથવા, “તમે મારી-મચકોડીને વાત કરો છો!”
મૂળ, “ઠપકો આપનારને.”
એટલે કે, શરમ અને નિરાશાથી ફિક્કો નહિ પડે.