યશાયા ૩૪:૧-૧૭

  • પ્રજાઓ પર યહોવાનું વેર (૧-૪)

  • અદોમનો નાશ થશે (૫-૧૭)

૩૪  ઓ પ્રજાઓ, પાસે આવીને સાંભળો. ઓ લોકો, ધ્યાનથી સાંભળો. પૃથ્વી અને એમાંના બધા સાંભળો. ધરતી અને એમાંની બધી ઊપજ સાંભળો.  ૨  યહોવાનો ક્રોધ બધી પ્રજાઓ વિરુદ્ધ સળગી ઊઠ્યો છે.+ તેમનો રોષ પ્રજાઓના આખા સૈન્ય સામે ભડકી ઊઠ્યો છે.+ તે તેઓનો વિનાશ કરી નાખશે. તે તેઓની કતલ કરી નાખશે.+  ૩  તેઓના કતલ થયેલાઓને રઝળતા મૂકવામાં આવશે. તેઓનાં મડદાં ગંધાશે.+ તેઓના લોહીથી પર્વતો ઓગળી જશે.*+  ૪  આકાશનું આખું સૈન્ય કોહવાઈ જશે. વીંટાની* જેમ આકાશ વીંટળાઈ જશે. જેમ દ્રાક્ષાવેલા પરથી સુકાયેલું પાંદડું ખરી પડે અને અંજીરી પરથી ચીમળાયેલું અંજીર નીચે પડે,તેમ તેઓનું સૈન્ય સુકાઈ જશે.  ૫  “આકાશમાં મારી તલવાર ભીંજાઈ જશે.+ જે લોકોનો વિનાશ કરવાનું મેં નક્કી કર્યું છે,એ અદોમ પર મારો ન્યાયચુકાદો લાવવા તલવાર ઊતરી આવશે.+  ૬  યહોવા પાસે તલવાર છે, જે લોહીથી નીતરશે. એના પર ચરબીનાં થર જામશે,+એ નર ઘેટાઓ અને બકરાઓના લોહીથી તરબોળ થશે,નર ઘેટાઓનાં મૂત્રપિંડની ચરબીથી લથપથ થશે. યહોવા બોસરાહમાં બલિદાનો તૈયાર કરે છે,અદોમના દેશમાં તે મોટી કતલ ચલાવે છે.+  ૭  શક્તિશાળી લોકો સાથે આખલાઓ મરશે,તેઓ સાથે જંગલી આખલાઓ પણ મરશે. તેઓનો દેશ લોહીથી તરબોળ થઈ જશે,તેઓની ધૂળ ચરબીથી લથપથ થઈ જશે.”  ૮  યહોવા માટે એ વેર વાળવાનો દિવસ છે,+સિયોન માટે મુકદ્દમો લડીને બદલો લેવાનું એ વર્ષ છે.+  ૯  એ શહેરનાં* ઝરણાં ડામર બની જશેઅને એની ધૂળ ગંધક બની જશે. એનો દેશ બળતા ડામર જેવો બની જશે. ૧૦  રાત-દિવસ એની આગ હોલવાશે નહિ. એનો ધુમાડો કાયમ ઉપર ચઢતો રહેશે. પેઢી દર પેઢી એ ઉજ્જડ પડી રહેશે. સદાને માટે એમાંથી કોઈ પસાર થશે નહિ.+ ૧૧  એમાં પક્ષી* અને શાહુડી રહેશે. કાગડા અને લાંબા કાનવાળાં ઘુવડનું એ રહેઠાણ થશે. ઈશ્વર એ દેશને માપદોરીથી ને ઓળંબાથી માપશેઅને બતાવશે કે એ ખાલી તથા વેરાન બની જશે. ૧૨  એના કોઈ રાજવીને રાજસત્તા મળશે નહિ,એના બધા અધિકારીઓનો અંત આવશે. ૧૩  એના ગઢોમાં કાંટાઅને કિલ્લાઓમાં કુવેચ* ને ઝાડી-ઝાંખરાં ઊગી નીકળશે. એ શિયાળોનું રહેઠાણ+અને શાહમૃગોનો વાડો બની જશે. ૧૪  રણનાં પશુઓ અને ભૂંકતાં પ્રાણીઓ ભેગાં મળશે. જંગલી બકરો* પોતાના સાથીદારોને બોલાવશે. હા, ત્યાં રાતે ફરતાં પક્ષીઓ* રહેશે અને આરામ કરશે. ૧૫  ઊડતા સાપ ત્યાં પોતાનાં દર બનાવશે અને ઈંડાં મૂકશે,એને એ સેવશે અને પોતાની છાયામાં તેઓનું રક્ષણ કરશે. હા, ત્યાં સમડીઓ પોતાના સાથીઓ સાથે ભેગી મળશે. ૧૬  યહોવાના પુસ્તકમાં શોધ કરો અને એ મોટેથી વાંચો: તેઓમાંનું એકેય બાકી રહી જશે નહિ,કોઈ પોતાના સાથી વગરનું નહિ હોય. યહોવાએ પોતે હુકમ આપ્યો છે,તેમણે પોતાની શક્તિથી તેઓને ભેગાં કર્યાં છે. ૧૭  ઈશ્વરે પોતે તેઓનો હિસ્સો નક્કી કર્યો છે,તેમના હાથે તેઓની જગ્યા માપી આપી છે.* તેઓ હંમેશ માટે ત્યાં રહેશે,પેઢી દર પેઢી એ તેઓનું રહેઠાણ બનશે.

ફૂટનોટ

અથવા, “તેઓનું લોહી પર્વતો પર વહેશે.”
દેખીતું છે, એ અદોમના પાટનગર બોસરાહને બતાવે છે.
અથવા, “પેણ.” અંગ્રેજી, પેલિકન.
અથવા, “કૌવચ.” એક વનસ્પતિ જેનાં પાન, ફૂલ અને ફળને રુવાંટી હોય છે અને એને અડવાથી શરીર પર ખંજવાળ આવે છે.
અથવા કદાચ, “બકરા જેવો દુષ્ટ દૂત.”
ઘુવડ જેવાં પક્ષીઓ.
મૂળ, “માપદોરીથી વહેંચી આપી છે.”