યશાયા ૪૪:૧-૨૮

  • ઈશ્વરના પસંદ કરેલા લોકો પર આશીર્વાદ (૧-૫)

  • યહોવા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી (૬-૮)

  • માણસે ઘડેલી મૂર્તિઓ નકામી (૯-૨૦)

  • યહોવા ઇઝરાયેલના છોડાવનાર (૨૧-૨૩)

  • કોરેશ ફરીથી બાંધશે (૨૪-૨૮)

૪૪  “હે યાકૂબ, મારા સેવક, સાંભળ. હે ઇઝરાયેલ, જેને મેં પસંદ કર્યો છે,+ તું સાંભળ.  ૨  તારો રચનાર અને તારો ઘડનાર,+તને જન્મથી* મદદ કરનાર,યહોવા આમ કહે છે: ‘મારા સેવક યાકૂબ,મારા પસંદ કરેલા યશુરૂન,*+ ગભરાઈશ નહિ.+  ૩  હું તરસ્યા લોકોને* પાણી આપીશ+અને સૂકી જમીન પર ઝરણાં વહાવીશ. હું તારાં બાળકો પર મારી શક્તિ રેડીશ+અને તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.  ૪  તેઓ લીલાંછમ ઘાસની જેમ,+ઝરણાં પાસેનાં વૃક્ષોની* જેમ ઊગી નીકળશે.  ૫  કોઈ કહેશે કે “હું યહોવાનો છું.”+ બીજો કોઈ પોતાને યાકૂબના નામથી ઓળખાવશે. ત્રીજો પોતાના હાથ પર લખશે: “હું યહોવાનો છું.” તે ઇઝરાયેલનું નામ અપનાવશે.’  ૬  યહોવા કહે છે,ઇઝરાયેલના રાજા+ અને એને છોડાવનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું પહેલો છું ને હું જ છેલ્લો છું.+ મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+  ૭  મારા જેવો કોણ છે?+ તે આગળ આવે ને જણાવે અને મારી સામે સાબિત કરે.+ મેં જૂના જમાનામાં લોકોને પસંદ કર્યા ત્યારથી,એવો કોઈ છે જે જણાવે કે ભાવિમાં શું થશેઅને કેવા કેવા બનાવો બનશે?  ૮  ડરીશ નહિઅને બીકથી થરથર કાંપીશ નહિ.+ શું મેં તમને દરેકને પહેલેથી જણાવ્યું નથી, એ જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો.+ શું મારા સિવાય બીજો કોઈ ઈશ્વર છે? ના, બીજો કોઈ ખડક નથી.+ હું એવા કોઈને જાણતો નથી.’”  ૯  કોતરેલી મૂર્તિઓ બનાવનારા બધા નકામા છે. તેઓને પોતાની મનપસંદ ચીજોથી કોઈ લાભ થવાનો નથી.+ મૂર્તિઓ સાક્ષી તરીકે કંઈ જોતી નથી ને કંઈ જાણતી નથી.+ એટલે એના બનાવનારે નીચું જોવું પડશે.+ ૧૦  જેનાથી કોઈ ફાયદો થવાનો ન હોય,એવો દેવ અથવા ધાતુની મૂર્તિ* કોણ બનાવે?+ ૧૧  જુઓ! એને સાથ આપનારા બધાએ શરમાવું પડશે.+ એના કારીગરો ફક્ત મામૂલી માણસો છે. તેઓ બધા ભેગા થઈને આગળ આવે. તેઓ ગભરાશે અને બધા લજવાશે. ૧૨  લુહાર પોતાનાં સાધનોથી લોઢાને અંગારા પર તપાવે છે. તે એને હથોડાથી ટીપે છે,પોતાના બળવાન હાથથી એને ઘડે છે.+ પછી તે ભૂખ્યો થાય છે અને તેનું જોર ખૂટી જાય છે. તે પાણી પીતો નથી એટલે થાકી જાય છે. ૧૩  સુથાર એને દોરીથી આંકે છે, લાલ ચોકથી રૂપરેખા દોરે છે. તે એને ફરસીથી કોતરે છે, વર્તુળથી માપે છે. તે એને માણસનો આકાર આપે છે+અને માણસના ઘાટમાં ઘડે છે,જેથી એને મંદિરમાં બેસાડે.+ ૧૪  એક માણસનું કામ દેવદારનાં ઝાડ કાપવાનું છે. એક ખાસ પ્રકારનું વૃક્ષ, ઘટાદાર વૃક્ષ* તે પસંદ કરે છે. તે જંગલનાં વૃક્ષો વચ્ચે એને વધવા દઈને મજબૂત થવા દે છે.+ તે એક ઝાડ* રોપે છે અને વરસાદ એને મોટું કરે છે. ૧૫  પછી એ બળતણ તરીકે વપરાય છે. માણસ એના અમુક ભાગનું તાપણું કરે છે. તે ચૂલો સળગાવીને એના પર રોટલી શેકે છે. તે એમાંથી દેવ પણ બનાવે છે અને એની પૂજા કરે છે. તે કોતરેલી મૂર્તિ બનાવીને એને નમે છે.+ ૧૬  લાકડામાંથી અડધો ભાગ તે સળગાવે છે. આગમાં તે માંસ શેકે છે અને પેટ ભરીને ખાય છે. તે તાપે છે અને કહે છે: “વાહ, કેવું સરસ તાપણું! કેવી ગરમી આવી!” ૧૭  પણ તે બાકીના લાકડામાંથી મૂર્તિ કોતરીને દેવ બનાવે છે. તે એની આગળ નમીને પૂજા કરે છે. તે પ્રાર્થના કરે છે: “મને બચાવ, કારણ કે તું મારો દેવ છે!”+ ૧૮  એ લોકો કંઈ જાણતા નથી, કંઈ સમજતા નથી.+ તેઓની આંખો એવી સજ્જડ બંધ છે કે કંઈ જોઈ શકતા નથી. તેઓમાં* જરાય બુદ્ધિ નથી. ૧૯  તેઓમાંથી કોઈ વિચારતો નથી,કોઈને અક્કલ અથવા સમજણ નથી કે પૂછે: “અડધા લાકડાની મેં આગ સળગાવી,એના અંગારા પર મેં રોટલી અને માંસ શેકીને ખાધું. તો પછી શું હું બાકીના લાકડામાંથી નફરત થાય એવી ચીજ બનાવું?+ શું લાકડાના ટુકડાની પૂજા કરું?” ૨૦  તે રાખ ખાય છે. તેનું દિલ છેતરામણું છે અને તેને આડે રસ્તે ચઢાવે છે. તે પોતાને બચાવી શકતો નથી કે કહેતો નથી: “શું મારા જમણા હાથમાં નકામી ચીજ નથી?” ૨૧  “હે યાકૂબ અને હે ઇઝરાયેલ, આ બધું યાદ રાખો. તમે મારા સેવક છો. હું તમારો ઘડનાર છું અને તમે મારા સેવક છો.+ હે ઇઝરાયેલ, હું તને ભૂલી જઈશ નહિ.+ ૨૨  હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ.+ તમારાં પાપ જાણે કાળા વાદળ પાછળ સંતાડી દઈશ. મારી પાસે પાછા આવો, કેમ કે હું તમને છોડાવીશ.+ ૨૩  હે આકાશો, આનંદથી પોકારો,યહોવાએ પગલાં ભર્યાં છે! હે ધરતીનાં ઊંડાણો, વિજયનો પોકાર કરો! પર્વતો, જંગલો અને એમાંનાં બધાં વૃક્ષો,ખુશીથી ઝૂમી ઊઠો!+ યહોવાએ યાકૂબને છોડાવ્યો છેઅને ઇઝરાયેલ પર પોતાનું ગૌરવ વરસાવ્યું છે.”+ ૨૪  તું ગર્ભમાં હતો ત્યારથી તને ઘડનાર,તને છોડાવનાર+ યહોવા આમ કહે છે: “હું યહોવા છું, મેં બધાનું સર્જન કર્યું છે. ખુદ મેં આકાશ ફેલાવ્યું છે+અને ધરતી ફેલાવી છે.+ એ સમયે મારી સાથે કોણ હતું? ૨૫  ખોખલી વાતો કરનારાની* નિશાનીઓ હું નકામી બનાવી દઉં છું. શુકન જોનારાઓને હું મૂર્ખ બનાવું છું.+ શાણા માણસોને હું ગૂંચવી નાખું છુંઅને તેઓના જ્ઞાનને મૂર્ખતામાં ફેરવી નાખું છું.+ ૨૬  હું મારા સેવકના શબ્દો સાચા પાડું છું. મારો સંદેશો આપનારાની વાત હું સાચી ઠરાવું છું.+ યરૂશાલેમને કહું છું, ‘તારામાં લોકો રહેશે.’+ યહૂદાનાં શહેરોને કહું છું, ‘તેઓ ફરીથી બંધાશે+અને હું તારાં ખંડેરોને પાછાં ઊભાં કરીશ.’+ ૨૭  હું ઊંડા પાણીને કહું છું, ‘સુકાઈ જાઅને હું તારી બધી નદીઓ સૂકવી નાખીશ.’+ ૨૮  હું કોરેશને કહું છું,+ ‘મેં તને ઘેટાંપાળક બનાવ્યો છે. તું મારી બધી ઇચ્છા પૂરી કરીશ.’+ હું યરૂશાલેમને કહું છું, ‘તું ફરીથી બંધાશે’અને મંદિરને કહું છું, ‘તારો પાયો નંખાશે.’”+

ફૂટનોટ

અથવા, “ગર્ભથી.”
અર્થ, “નેક માણસ.” ઇઝરાયેલને સન્માન આપતો ખિતાબ.
અથવા, “તરસી ધરતીને.”
અંગ્રેજી, પોપ્લર. હિબ્રૂમાં વપરાયેલો શબ્દ મધ્ય પૂર્વમાં નદી કિનારે ઊગતાં વૃક્ષોને બતાવે છે.
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
અંગ્રેજી, ઓક. એક પ્રકારનું મોટું વૃક્ષ.
અંગ્રેજી, લોરેલ. ઘેરા લીલા રંગનાં અને ચળકતાં પાંદડાંવાળું એક ઝાડ.
મૂળ, “તેઓનાં દિલમાં.”
અથવા, “જૂઠા પ્રબોધકોની.”