યશાયા ૫૩:૧-૧૨

  • યહોવાના સેવકનાં દુઃખો, મરણ અને દફન (૧-૧૨)

    • માણસો નફરત કરતા અને દૂર દૂર ભાગતા ()

    • બીમારીઓ અને દુઃખો માથે લીધાં ()

    • ‘ઘેટાની જેમ કતલ કરવા’ ()

    • તેણે ઘણા લોકોનાં પાપ માથે લીધાં (૧૨)

૫૩  અમારી પાસેથી સાંભળેલા સંદેશા પર* કોણે ભરોસો કર્યો છે?+ યહોવાના હાથની તાકાત+ કોની આગળ જાહેર કરવામાં આવી છે?+  ૨  તેની* આગળ તે ફણગાની જેમ,+ સૂકી ભૂમિમાં મૂળની જેમ ફૂટી નીકળશે. તે ભારે ભપકા સાથે કે ગૌરવ સાથે આવતો નથી.+ આપણે તેને જોઈએ તો તેનો દેખાવ મન મોહી લે એવો નથી.  ૩  માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા.+ તે સારી રીતે જાણતો* હતો કે દુઃખ-દર્દ શું છે અને બીમારીઓ શું છે. તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો.* તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.+  ૪  સાચે જ તેણે આપણી બીમારીઓ લઈ લીધી.+ આપણાં દુઃખો પોતાના માથે લઈ લીધાં.+ આપણે તો માન્યું કે ઈશ્વરે તેને સજા કરી, માર માર્યો અને દુઃખ આપ્યું.  ૫  પણ આપણા ગુનાને લીધે+ તેને વીંધવામાં આવ્યો.+ આપણાં પાપોને લીધે તેને કચડવામાં આવ્યો.+ આપણને શાંતિ મળે એ માટે તેણે સજા ભોગવી.+ તેના જખમોથી આપણને સાજા કરવામાં આવ્યા.+  ૬  ઘેટાંની જેમ આપણે બધા આમતેમ ભટકી ગયા હતા,+મન ફાવે એ રસ્તે ચઢી ગયા હતા. પણ યહોવાએ આપણા બધાનાં પાપ તેના માથે નાખ્યાં.+  ૭  તેના પર જુલમ થયો+ અને તેણે બધું સહન કરી લીધું.+ પણ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ. ઘેટાની જેમ તેને કતલ કરવા લઈ જવામાં આવ્યો.+ ઘેટી જેમ ઊન કાતરનારની આગળ મૂંગી રહે,એમ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ.+  ૮  જુલમ અને ભારે અન્યાયને લીધે તેનું જીવન લઈ લેવામાં આવ્યું.* પણ તેના જીવન* વિશે જાણવાની કોણે તસ્દી લીધી? દુનિયામાંથી* તેનું જીવન ટૂંકાવી દેવામાં આવ્યું.+ મારા લોકોના દોષને લીધે તેને સજા ફટકારવામાં આવી.*+  ૯  તેણે કોઈ પાપ કર્યું ન હતું*અને તેના મોંમાં કંઈ કપટ ન હતું.+ તોપણ તેને દુષ્ટો સાથે કબર આપવામાં આવી*+અને મરણ પછી ધનવાનો સાથે દફનાવવામાં આવ્યો.+ ૧૦  પણ યહોવાની ઇચ્છા* હતી કે તેને કચડવામાં આવે અને તેમણે તેના પર દુઃખ આવવા દીધું. હે ઈશ્વર, જો તમે તેનું જીવન દોષ-અર્પણ* તરીકે ચઢાવો,+તો તે પોતાના વંશજોને જોશે અને લાંબું જીવશે.+ તેના દ્વારા યહોવાના દિલની તમન્‍ના* પૂરી થશે.+ ૧૧  દુઃખો સહન કરીને તે પોતાની મહેનતનાં ફળ જોશે અને સંતોષ પામશે. આટલું બધું સહન કરીને* મારો નેક સેવક,+ઘણા લોકોને નેક બનવા મદદ કરશે+અને તેઓનાં પાપ પોતાના માથે લઈ લેશે.+ ૧૨  એ કારણે હું તેને ઘણા લોકોમાં હિસ્સો આપીશ. તે લૂંટમાંથી શૂરવીરોને ભાગ વહેંચી આપશે. તેણે પોતાનું જીવન આપી દીધું*+અને તે ગુનેગારોમાંનો એક ગણાયો.+ તેણે ઘણા લોકોનાં પાપ માથે લીધાં+અને ગુનેગારો માટે સમાધાન કરાવ્યું.+

ફૂટનોટ

અથવા કદાચ, “અમે સાંભળેલા સંદેશા પર.”
અહીં “તેની” એટલે જોનાર કોઈ વ્યક્તિ કે ઈશ્વર.
અથવા કદાચ, “તે એવો હતો જેનાથી લોકો મોં ફેરવી લેતા.”
અથવા, “સમજતો.”
અથવા, “મારી નાખવામાં આવ્યો.”
અથવા, “જીવતાઓની ભૂમિમાંથી.”
મૂળ, “તેને લઈ લેવામાં આવ્યો.”
મૂળ, “તેની પેઢી.”
અથવા, “કોઈ હિંસા કરી ન હતી.”
અથવા, “તેને દુષ્ટો સાથે દફનાવવા કોઈએ પોતાની જગ્યા આપી.”
અથવા, “ખુશી.”
અથવા, “ઇચ્છા.”
મૂળ, “પોતાના જ્ઞાનથી.”
મૂળ, “તેણે મરતા સુધી પોતાનું જીવન રેડી દીધું.”