યહોશુઆ ૧૦:૧-૪૩

  • ગિબયોન માટે ઇઝરાયેલ લડે છે (૧-૭)

  • ઇઝરાયેલ માટે યહોવા લડે છે (૮-૧૫)

    • નાસતાં દુશ્મનો પર કરાનો વરસાદ (૧૧)

    • સૂર્ય થંભી જાય છે (૧૨-૧૪)

  • હુમલો કરનારા પાંચ રાજાઓ મારી નંખાયા (૧૬-૨૮)

  • દક્ષિણનાં શહેરો પર જીત (૨૯-૪૩)

૧૦  યરૂશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે યહોશુઆએ આય શહેર કબજે કરીને એનો પૂરેપૂરો વિનાશ કર્યો છે. આય અને એના રાજાના એવા જ હાલ કર્યા છે,+ જેવા યરીખો અને એના રાજાના કર્યા હતા.+ ગિબયોનના રહેવાસીઓએ ઇઝરાયેલીઓ સાથે સુલેહ-શાંતિ કરી છે+ અને તેઓની સાથે રહે છે. ૨  એ સાંભળીને અદોની-સેદેક ઘણો ગભરાયો,+ કેમ કે ગિબયોન તો રાજવી શહેરો જેવું મોટું શહેર હતું. એ આય કરતાં પણ મોટું હતું+ અને એના બધા માણસો યોદ્ધાઓ હતા. ૩  એટલે યરૂશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના+ રાજા હોહામ, યાર્મૂથના રાજા પિરઆમ, લાખીશના રાજા યાફીઆ અને એગ્લોનના રાજા દબીરને આ સંદેશો મોકલ્યો:+ ૪  “મારી મદદે આવો. ચાલો આપણે ગિબયોન પર ચઢાઈ કરીએ, કેમ કે એણે યહોશુઆ અને ઇઝરાયેલીઓ સાથે સુલેહ-શાંતિ કરી છે.”+ ૫  યરૂશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા પોતપોતાનું લશ્કર લઈને ભેગા થયા. અમોરીઓના+ એ પાંચ રાજાઓએ જઈને ગિબયોન સામે લડવા છાવણી નાખી. ૬  ગિબયોનના માણસોએ યહોશુઆને ગિલ્ગાલની છાવણીમાં+ સંદેશો મોકલ્યો: “તમારા સેવકોને ભૂલી ન જશો.+ ઝડપથી આવો! અમને બચાવો અને અમને મદદ કરો! પહાડી વિસ્તારમાંથી અમોરીઓના બધા રાજાઓ અમારી સામે ચઢી આવ્યા છે.” ૭  તેથી યહોશુઆ બધા લડવૈયા અને શૂરવીર યોદ્ધાઓને લઈને ગિલ્ગાલથી નીકળી પડ્યો.+ ૮  યહોવાએ યહોશુઆને કહ્યું: “તેઓથી ડરીશ નહિ,+ કારણ કે મેં તેઓને તારા હાથમાં સોંપી દીધા છે.+ તેઓમાંથી એક પણ તારી સામે ટકી શકશે નહિ.”+ ૯  યહોશુઆએ ગિલ્ગાલથી આખી રાત કૂચ કર્યા પછી, તેઓ પર ઓચિંતો હુમલો કર્યો. ૧૦  યહોવાએ તેઓને ઇઝરાયેલીઓ આગળ મૂંઝવણમાં નાખી દીધા.+ ઇઝરાયેલીઓએ ગિબયોનમાં તેઓનો મોટો સંહાર કર્યો. બેથ-હોરોનના ચઢાણ સુધી ઇઝરાયેલીઓએ તેઓનો પીછો કર્યો અને છેક અઝેકાહ અને માક્કેદાહ સુધી તેઓને મારતા ગયા. ૧૧  તેઓ ઇઝરાયેલીઓથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ પર આવી પહોંચ્યા. ત્યાંથી છેક અઝેકાહ સુધી યહોવાએ તેઓ પર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા અને તેઓનો સર્વનાશ થયો. અરે, ઇઝરાયેલીઓની તલવારથી જેટલા માર્યા ગયા, એનાથી વધારે લોકો કરાથી માર્યા ગયા. ૧૨  જે દિવસે યહોવાએ અમોરીઓને ઇઝરાયેલીઓ આગળ હરાવ્યા, એ દિવસે યહોશુઆએ ઇઝરાયેલીઓ આગળ યહોવાને કહ્યું: “સૂર્ય, ગિબયોન+ પર થંભી જા,+ચંદ્ર, આયાલોનની ખીણ પર થંભી જા!” ૧૩  આમ ઇઝરાયેલીઓ પોતાના દુશ્મનો પર વેર વાળી ન લે ત્યાં સુધી, સૂર્ય થંભી ગયો અને ચંદ્ર સ્થિર રહ્યો. શું એ યાશારના પુસ્તકમાં લખેલું નથી?+ સૂર્ય આકાશની વચ્ચે થંભી ગયો અને આખો દિવસ આથમવાની ઉતાવળ કરી નહિ. ૧૪  આની અગાઉ કે પછી એવો એક પણ દિવસ થયો નથી કે યહોવાએ આ રીતે કોઈ માણસનું કહેવું સાંભળ્યું હોય.+ એ દિવસે યહોવા ઇઝરાયેલ માટે લડતા હતા.+ ૧૫  ત્યાર બાદ યહોશુઆ બધા ઇઝરાયેલીઓ સાથે ગિલ્ગાલની છાવણીમાં પાછો ફર્યો.+ ૧૬  એ દરમિયાન પાંચ રાજાઓ નાસી છૂટ્યા અને માક્કેદાહની ગુફામાં સંતાઈ ગયા.+ ૧૭  યહોશુઆને ખબર આપવામાં આવી, “પાંચ રાજાઓ માક્કેદાહની ગુફામાં સંતાયેલા છે.”+ ૧૮  યહોશુઆએ કહ્યું: “ગુફાના મુખ આગળ મોટા પથ્થરો ગબડાવી દો અને પહેરો ગોઠવી દો. ૧૯  પણ બાકીના બધા રોકાશો નહિ. તમારા દુશ્મનોનો પીછો કરો અને પાછળથી તેઓને મારતા જાઓ.+ તેઓને પોતાનાં શહેરોમાં જવા દેશો નહિ, કારણ કે તમારા ઈશ્વર યહોવાએ તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે.” ૨૦  યહોશુઆ અને ઇઝરાયેલીઓએ તેઓની ભારે કતલ કરી, એટલે સુધી કે તેઓનું નામનિશાન મિટાવી દીધું! જેઓ કોટવાળાં શહેરોમાં નાસી છૂટ્યા, તેઓ જ બચી ગયા. ૨૧  બધા ઇઝરાયેલીઓ યહોશુઆ પાસે માક્કેદાહની છાવણીમાં સહીસલામત પાછા આવ્યા. ત્યાર બાદ ઇઝરાયેલીઓ વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની કોઈએ હિંમત કરી નહિ. ૨૨  યહોશુઆએ કહ્યું: “ગુફાનું મુખ ઉઘાડો અને પાંચ રાજાઓને મારી પાસે બહાર લાવો.” ૨૩  એટલે તેઓ આ પાંચ રાજાઓને ગુફાની બહાર તેની પાસે લાવ્યા: યરૂશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા.+ ૨૪  એ રાજાઓને તેઓ યહોશુઆ પાસે લાવ્યા. યહોશુઆએ ઇઝરાયેલના બધા માણસોને બોલાવ્યા. યહોશુઆ સાથે જે લડવૈયા પુરુષો ગયા હતા, તેઓના આગેવાનોને તેણે કહ્યું: “આગળ આવો. તમારા પગ આ રાજાઓની ગરદન પર મૂકો.” તેઓએ આગળ આવીને પોતાના પગ રાજાઓની ગરદન પર મૂક્યા.+ ૨૫  યહોશુઆએ આગેવાનોને કહ્યું: “ડરશો નહિ કે ગભરાશો નહિ.+ હિંમતવાન અને બળવાન થાઓ, કેમ કે તમે જે દુશ્મનો સામે લડો છો, એ બધાના હાલ યહોવા આવા જ કરશે.”+ ૨૬  યહોશુઆએ એ રાજાઓને મારી નાખ્યા અને પાંચ થાંભલા* પર લટકાવી દીધા. તેઓ સાંજ સુધી થાંભલા પર લટકતા રહ્યા. ૨૭  સૂર્ય આથમવાના સમયે યહોશુઆએ હુકમ આપ્યો કે તેઓને થાંભલાઓ પરથી ઉતારવામાં આવે+ અને તેઓ જે ગુફામાં છુપાયા હતા એમાં નાખી દેવામાં આવે. એ હુકમ પ્રમાણે કરીને ગુફાના મુખ પર મોટા પથ્થરો મૂકવામાં આવ્યા, જે આજ સુધી ત્યાં છે. ૨૮  એ દિવસે યહોશુઆએ માક્કેદાહ જીતી લીધું+ અને તલવારથી એનો નાશ કર્યો. તેણે કોઈને જીવતા રહેવા દીધા નહિ, એના રાજા અને બધા લોકોનો નાશ કર્યો.+ તેણે માક્કેદાહના રાજાના+ એવા જ હાલ કર્યા, જેવા યરીખોના રાજાના કર્યા હતા. ૨૯  પછી યહોશુઆ બધા ઇઝરાયેલીઓ સાથે માક્કેદાહથી લિબ્નાહ ગયો અને એની સામે લડાઈ કરી.+ ૩૦  યહોવાએ લિબ્નાહ અને એના રાજાને+ ઇઝરાયેલના હાથમાં સોંપી દીધા. તેઓએ લિબ્નાહનો અને એમાં રહેતા બધા લોકોનો તલવારથી નાશ કર્યો, કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. તેઓએ એના રાજાના એવા જ હાલ કર્યા, જેવા યરીખોના રાજાના કર્યા હતા.+ ૩૧  ત્યાર બાદ યહોશુઆ બધા ઇઝરાયેલીઓ સાથે લિબ્નાહથી લાખીશ+ ગયો. તેઓએ ત્યાં છાવણી નાખી અને લાખીશ સામે લડાઈ કરી. ૩૨  યહોવાએ લાખીશને ઇઝરાયેલના હાથમાં સોંપી દીધું અને બીજા દિવસે તેઓએ એને જીતી લીધું. તેઓએ લાખીશનો અને એના બધા લોકોનો તલવારથી નાશ કર્યો,+ જેમ તેઓએ લિબ્નાહનો કર્યો હતો. ૩૩  ગેઝેરનો રાજા+ હોરામ, લાખીશને મદદ કરવા ગયો. યહોશુઆએ તેને અને તેના લોકોને પણ મારી નાખ્યા, કોઈને જીવતા રહેવા દીધા નહિ. ૩૪  પછી યહોશુઆ બધા ઇઝરાયેલીઓ સાથે લાખીશથી એગ્લોન+ ગયો. તેઓએ ત્યાં છાવણી નાખી અને એગ્લોન સામે લડાઈ કરી. ૩૫  એ દિવસે તેઓએ એને જીતી લીધું અને તલવારથી એનો નાશ કર્યો. તેઓએ એ શહેરના બધા લોકોનો નાશ કર્યો, જેમ તેઓએ લાખીશનો કર્યો હતો.+ ૩૬  યહોશુઆ બધા ઇઝરાયેલીઓ સાથે એગ્લોનથી હેબ્રોન+ ગયો અને એની સામે લડાઈ કરી. ૩૭  તેઓએ એને જીતી લીધું; એના રાજા, એનાં નગરો અને બધા લોકોનો તલવારથી નાશ કર્યો, કોઈને જીવતા રહેવા દીધા નહિ. યહોશુઆએ હેબ્રોનનો અને એમાંના બધા લોકોનો એવો જ નાશ કર્યો, જેવો એગ્લોનનો કર્યો હતો. ૩૮  આખરે યહોશુઆ બધા ઇઝરાયેલીઓ સાથે દબીર+ તરફ વળ્યો અને એની સામે લડાઈ કરી. ૩૯  તેણે એ જીતી લીધું; એના રાજા, એનાં બધાં નગરો અને એના બધા લોકોનો તલવારથી વિનાશ કર્યો,+ કોઈને જીવતા રહેવા દીધા નહિ.+ તેણે દબીર અને એના રાજાના એવા જ હાલ કર્યા, જેવા હેબ્રોન, લિબ્નાહ અને એના રાજાઓના કર્યા હતા. ૪૦  યહોશુઆએ એ આખો વિસ્તાર, એટલે કે પહાડી વિસ્તાર, નેગેબ, શેફેલાહ+ અને ઢોળાવો જીતી લીધા. એના બધા રાજાઓને હરાવ્યા, કોઈને જીવતા રહેવા દીધા નહિ. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ આજ્ઞા આપી હતી તેમ,+ બધા લોકોનો તેણે નાશ કર્યો.+ ૪૧  કાદેશ-બાર્નેઆથી+ ગાઝા+ સુધી અને ગોશેનના+ આખા દેશ પર અને છેક ગિબયોન+ સુધી યહોશુઆએ જીત મેળવી. ૪૨  યહોશુઆએ આ બધા રાજાઓને એક પછી એક હરાવીને તેઓના દેશો જીતી લીધા, કારણ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા ઇઝરાયેલીઓ માટે લડતા હતા.+ ૪૩  પછી યહોશુઆ બધા ઇઝરાયેલીઓ સાથે ગિલ્ગાલની છાવણીમાં પાછો ફર્યો.+

ફૂટનોટ

અથવા, “ઝાડ.”